Vadodara

સ્તનપાન કરાવતી માતાએ હંમેશા પ્રસન્ન રહેવું જોઈએ

આણંદ, તા.5
કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટીના માતૃત્વ અને બાળ સંભાળ કેન્દ્ર દ્વારા કાર્યરત સર્વાંગી માતૃત્વ સંભાળ કેન્દ્રની સ્થાપનાને એક વર્ષ પૂર્ણ થતાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે સમર્થ ભારત કેન્દ્ર, ગાંધીધામના માર્ગદર્શક અને ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરના પૂર્વ કુલપતિ, દિવ્યાંશુ દવે, ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ઉત્પલા ખારોડ, કૃષ્ણ હોસ્પિટલ, કરમસદના પ્રસુતિ અને સ્ત્રીરોગ વિભાગના વડા ડૉ. સ્મૃતિ વૈષ્ણવ, લાભાર્થી માતાઓ અને સગર્ભા બહેનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે દિવ્યાંશુ દવેએ બાળઉછેર વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પાંચ વર્ષ સુધી બાળક માતા સાથે જોડાયેલું હોય છે. જેથી જયારે માતા દુઃખી થાય ત્યારે બાળક પણ દુઃખી થતું હોય છે. માતાને ઈન્ફેક્શન થાય ત્યારે બાળકની ઍનર્જીમાં પણ ઘટાડો થાય છે. બાળક માતાના શબ્દો, રૂપ, રસ, ગંધ આ તમામને પારખી શકે છે. જેથી સગર્ભાવસ્થા દરમ્યાન તથા સ્તનપાન કરાવતી માતાએ પ્રસન્ન રહેવું જરૂરી છે. બાળકના શારિરીક અને માનસિક વિકાસમાં માતા-પિતા અને કુટુંબના વડીલની મહત્વની ભૂમિકા હોય છે. આજે માતા તણાવમાં રહેતી હોવાથી પૂરા મહિનાને બદલે વહેલી પ્રસુતિ થતી હોય છે, જેને કારણે બાળક ઓછા વજનનું અથવા શારીરિક ખામીવાળું જન્મે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે સારામાં સારા પરિણામ માટે પરિણીત યુગલે ગર્ભાધાન પહેલાં જ સજ્જ થવું જોઈએ અને તેની જાણકારી મેળવી લેવી જોઈએ.
તેઓએ વધુમાં જણાવ્યું કે વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ માતાનું ધાવણ બાળક માટે શ્રેષ્ઠ કહી શકાય. જેથી બાળકને સ્તનપાન કરાવવું, ઘોડિયામાં સુવાડવું જેથી હૂંફ મળી રહે, હાલરડાં ગાવાં તથા 45 દિવસ સુધી ઓછા પ્રકાશ વાળી જગ્યાએ સુવાડવાથી આંખોની રોશની તેજસ્વી બને છે. બાળકને 6 મહિના બાદ ઉપરનો આહાર શરૂ કરીએ ત્યારે પૌષ્ટિક આહાર આપવો જોઈએ. જેથી બાળકનો શારીરિક વિકાસ જળવાઈ રહે.
આ કાર્યક્રમમાં લાભાર્થી માતાઓએ સર્વાંગી માતૃત્વ સંભાળ કેન્દ્રમાં કરાવવામાં આવતી પ્રવૃત્તિ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, ગર્ભાવસ્થા દરમ્યાન આ સેન્ટરમાં જોડાવાથી ગર્ભસંવાદ, પ્રાણાયામ, પ્રાર્થના, યોગ અને અન્ય પ્રવૃત્તિઓ વગેરે કરવાથી માનસિક રીતે મનોબળ મળતું હતું. આ તમામ પ્રવૃત્તિઓને કારણે અમે ઇચ્છછ્યું હતું તેવું બાળક જન્મ્યું છે. બાળક સાથે ગર્ભસંવાદ કરવાથી ગર્ભમાં જ બાળક સાથે સંવેદિતા જળવાતી હતી. આ સેન્ટરમાં આવવાથી હકારાત્મક વાતાવરણ મળતું હતું અને તણાવમુક્ત રહેવાતું હતું.
ડૉ. સ્મૃતિ વૈષ્ણવે જણાવ્યું કે, સર્વાંગી માતૃત્વ સંભાળ કેન્દ્રની સ્થાપના માતાના ગર્ભમાં જ બાળકને સાચું શિક્ષણ મળે તે ઉદ્દેશથી કરવામાં આવી છે. ગર્ભાવસ્થા દરમ્યાન બાળકના કુમળા મગજ તથા લાગણી તંત્રને તાલીમ અપાય તો તેની તેના જીવન ઘડતર તથા ચારિત્ર્ય પર ઉત્તમ અસર પડે છે. ભાવિ માતા-પિતા ગર્ભમાં પાંગરતા બાળક સાથે સંવાદિતા સાધે અને પોતાના પ્રેમનો સધિયારો આપે તો બાળકમાં ઉત્તમોત્તમ આત્મવિશ્વાસ જન્માવી શકાય છે. સગર્ભા સ્ત્રીએ આથી પોતાના માત્ર આહાર વિહાર જ નહીં, પરંતુ આચાર વિચાર તથા લાગણીઓને પણ સુંદર સ્વરૂપ આપીને બાળકના વિકાસમાં સક્રિય ફાળો આપવો જોઈએ.

Most Popular

To Top