એક દિવસ ગુરુ પાસે તેમનો એક જુનો આશ્રમ છોડી ગયેલ શિષ્ય આવ્યો.શિષ્યે આવતાંની સાથે જ ગુરુજીના ચરણસ્પર્શ કર્યા અને પછી બોલ્યો, ગુરુજી, ‘મારા મનમાં એક અતિ વિકટ પ્રશ્ન ઉત્પન્ન થયો છે. મારે આપની પાસેથી તેનો ઉકેલ
જાણવો છે.’ ગુરુજી બોલ્યા, ‘હા વત્સ, બોલ કયો પ્રશ્ન તને સતાવે છે, હું જરૂર ઉકેલી આપીશ.’શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, હું રોજ સવાર સાંજ મંદિરમાં જાઉં છું.
રોજ કામ પર નીકળવા તમારી છબીને પ્રણામ કરું છું.બની શકે ત્યારે આશ્રમમાં આવીને તમારાં ચરણોને વંદન કરું છું.પણ ક્યારેય મને પૂર્ણ તૃપ્તિનો અનુભવ થતો નથી.કયારેય મન શાંત થતું નથી.કંઇક ને કંઇક ખામી તો રહે જ છે જે મને એકદમ ખુશ થવા દેતી નથી.આ દુઃખને દૂર કરવા શું કરવું જોઈએ?’ ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘વત્સ , ખુશી અને શાંતિ એ બંને મનની અવસ્થા છે.તું તારા મનને કેળવીને ખુશી અને શાંતિ મેળવી શકીશ અને દુઃખ આપોઆપ દૂર ભાગી જશે.’શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, મનને કેળવવું એટલે?’
ગુરુજી ફરી હસ્યા અને બોલ્યા, ‘મનને કેળવવું એટલે દરેક સ્થિતિમાં વિચલિત થયા વિના શાંત કે ખુશ રહેવું.કોઈ માન આપે કે અપમાન.મનગમતું થાય કે અણગમતું.કોઈ આવકાર આપે કે જાકારો.સફળતા મળે કે નિષ્ફળતા.કાર્ય પાર પડે કે ન પડે.દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરી લેવો અને તે પરિસ્થિતિને તમારા મન પર હાવી થયા દીધા વિના દરેક સ્થિતિમાં શાંત રહેવું.’ શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, આ રીતે મનને કેળવવું તો બહુ અઘરું છે.માનવસહજ પ્રતિક્રિયાઓ અને વર્તન થઈ જ જાય.એમ કંઈ મન દરેક સ્થિતિમાં આપણા કાબૂમાં થોડું રહે?’
ગુરુજી બોલ્યા, ‘વત્સ, તું કે અન્ય કોઇ પણ શિષ્ય કે મનુષ્ય જે એમ કહે કે અમે દુઃખી છીએ તે બધાં એટલે દુઃખી હોય છે કે તેઓ મને એટલે પોતાના ગુરુના કે કોઇ પણ સંતના પગે પડે છે, તેમના ચરણોને સ્પર્શ કરે છે પરંતુ ગુરુ અને સંત પાસેથી તેમનું આચરણ શીખતા નથી.સંત અને ગુરુ હંમેશા નિ:સ્વાર્થ , નિષ્પક્ષ, નિર્લેપ, નિ:સ્પૃહ હોય છે. તેમને કોઈથી નફરત નથી. કોઈ પ્રત્યે વિશેષ લગાવ નથી.કોઈ પણ લાલચ નથી.કોઈ લોભ કે મોહ નથી.તેઓ દરેક સ્થિતિનો સ્વીકાર કરે છે અને સાનંદ સહજ સ્વીકાર કરે છે. એટલે તેઓ હંમેશા શાંત અને ખુશ હોય છે.તું પણ માત્ર મને પગે ના લાગ. મારા વર્તન, વિચાર અને આચરણને પણ જીવનમાં ઉતાર તો દુઃખ રહેશે જ નહિ.’ગુરુજીએ સુંદર અને સચોટ સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.