નડિયાદ,તા.5
નડિયાદમાં નગરપાલિકા હદ વિસ્તારમાં જાહેર રસ્તાઓ પરના ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણો દૂર કરવા અને આ જાહેર માર્ગો બિસ્માર બન્યા અંગે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પીટીશન થઈ હતી. આ વચ્ચે નડિયાદના બારકોશિયા રોડ પર કયા વિભાગે કામગીરી કરવાની હતી તે સ્પષ્ટ થતુ નહોતુ. પરંતુ હવે ગાંધીનગર કક્ષાની કચેરીઓમાંથી આદેશો સાથેના પત્રો ખેડા જિલ્લાની કચેરીઓને આવતા તંત્ર પોતાની કામગીરીઓમાં જોતરાયુ છે. ત્યારે માર્ગ અને મકાન પંચાયત વિભાગે આ રોડનો વર્ક ઓર્ડર આપી દીધો છે. રોડના કામકાજ વચ્ચે દબાણો હટાવવા પણ જરૂરી હોય આજે માર્ગ અને મકાન પંચાયત વિભાગે લખેલા પત્રના અનુસંધાને નડિયાદ નગરપાલિકાની ટીમ પોતાના હદમાં આવેલા દબાણો દૂર કરવા માટે સ્થળ પર પહોંચશે.
આ સમગ્ર મામલે મળતી વિગતો મુજબ નડિયાદ શહેરમાં બારકોશિયા રોડ બનાવવા માટેની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ રોડ જે પ્રમાણે મંજૂર થયો છે, તે પ્લાન એસ્ટીમેન્ટ સાથે બનાવવા માટે આ રોડ પરના કેટલાક દબાણો હટાવવાના છે. નડિયાદમાં મલારપુરાથી બારકોશિયા થઈ રીંગ રોડ તરફ જતો રસ્તો બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા વર્ક ઓર્ડર આપી દેવાયો છે. ત્યારે આ વર્ક ઓર્ડરના આધારે જે-તે એજન્સીએ કામ પણ શરૂ કરી દીધુ છે. અગાઉ જાહેર માર્ગોની બિસ્માર હાલત અને તેના પરના ગેરકાયદેસર બાંધકામો અંગે હાઈકોર્ટમાં કન્ટેન્પ્ટ પીટીશન થઈ હતી. જેમાં હાલ પણ સુનાવણીઓનો દૌર ચાલુ છે. આ વચ્ચે આ રોડની કામગીરી શરૂ થતા દબાણો હટાવાવની કામગીરી પણ કરવાની તંત્રને ફરજ પડી છે. જો કે, કયા દબાણો કોની હદમાં આવે છે અને આ રોડ પર કઈ કામગીરી કયા વિભાગે કરવાની છે તે અંગે નડિયાદ નગરપાલિકા સહિત માર્ગ અને મકાન પંચાયત ગોટાળે ચઢી હતી. પરંતુ માર્ગ મકાન પંચાયતની ગાંધીનગર વડી કચેરીએ પંચાયત હદમાં દબાણો દૂર કરવા ખેડા જિલ્લા માર્ગ અને મકાન પંચાયતને આદેશ કર્યા છે. ત્યારે માર્ગ મકાન પંચાયતે નડિયાદ હદના દબાણો દૂર કરવા પાલિકાને 26/12/2023ના દિવસે લેખિત જાણ કરી હતી. જે અંગે નડિયાદ નગરપાલિકા દ્વારા 1 જાન્યુઆરી, 2024ના રોજ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યુ છે. તેમજ આજે 6 જાન્યુઆરીની સવારે સાડા નવ વાગ્યે નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચશે. જ્યાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવશે.
નડિયાદના બારકોશિયા રોડ પર દબાણો દૂર કરાશે
By
Posted on