Comments

નવ રાજ્યો ભાજપનું ભાવિ નક્કી કરશે?

૨૦૨૪નો પ્રારંભ થઇ ચૂક્યો છે અને આ વર્ષ લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. ભાજપ અને મોદી વિરોધીઓ પણ માને છે કે, ૨૦૨૪માં પણ આવશે તો મોદી જ ! આવું શા માટે કહેવાઈ રહ્યું છે? ભાજપ વિરુદ્ધ ઇન્ડિયા જંગ રસપ્રદ થવાનો કે એકતરફી રહેવાનો? એનાં કારણો શું છે? એ ચકાસવા જેવાં છે. મોદી બ્રાંડ સામે કોઈ ટકી શકે એવું મેદાનમાં નથી એ સાવ સાચી વાત છે અને એટલે જ કદાચ ભાજપ આ વેળા ૪૦૦ પ્લસ બેઠક મેળવવા ધારે છે એન એ માટે તૈયારી શરૂ કરી દીધી છે.

રામ મંદિર પ્રતિષ્ઠા થયા બાદ લોકસભાનો પ્રચાર વેગ પકડશે અને ભાજપ આ વેળા લોકસભાના ઉમેદવારોની યાદી વહેલાસર કરે એવા અહેવાલો છે. સામી બાજુએ ઇન્ડિયાની તૈયારી કાચી પાકી છે. સીટ શેરીંગનાં કોઈ ઠેકાણાં નથી. ઇન્ડિયાની કમાન કોણ સંભળાશે એ ય નક્કી નથી. રાહુલ ગાંધી સામે ઘણાને વાંધો છે અને એ કેટલાંક રાજ્યોમાં કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષો વચ્ચે પણ વિખવાદ શરૂ થઇ ચૂક્યો છે.

પણ નવ રાજ્યોની વાત કરવી જોઈએ કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. આ નવ રાજ્યો છે, આસામ , ગુજરાત , છતીસગઢ , હરિયાણા, મધ્યપ્રદેશ , કર્ણાટક , હિમાચલ , ઉત્તરાખંડ અને રાજસ્થાન. આ નવ રાજ્યોમાં ૧૯૯૮થી ૨૦૧૯ સુધીની લોકસભાની ચૂંટણીનાં પરિણામો જોઈએ તો સમજાય છે કે, ભાજપનો દેખાવ ઉત્તરોત્તર સુધરતો ગયો છે અને કોંગ્રેસ નબળી પડતી જાય છે. આ નવ રાજ્યોમાં લોકસભાની ૧૫૨ બેઠક આવે છે અને એમાંથી અત્યારે ભાજપ પાસે ૧૪૦ બેઠકો છે અને કોંગ્રેસ પાસે માત્ર સાત.

૧૯૯૮માં ભાજપ પાસે આ નવ રાજ્યોમાં ૭૭ બેઠકો મળી હતી અને કોંગ્રેસને ૫૮. અને એ પછી ચાર પાંચ ચૂંટણીમાં ભાજપે પોતાની સ્થિતિ બહુ મજબૂત કરી છે. ભાજપનો વોટ શેર ૩૮.૨૫ ટકાથી વધી ૫૬.૬૫ ટકા થઈ ગયો છે. કોંગ્રેસની વાત કરીએ તો એટલો બધો વોટ શેર ઘટ્યો નથી. ૪૦-૪૨ ટકા હતો એ ઘટીને ૩૩.૨૩ ટકા થયો છે. પણ બેઠકોમાં કોંગ્રેસ સાવ તળિયે પહોંચી ગઈ છે. ગુજરાત અને રાજસ્થાનમાં તો ભાજપ બધી બેઠકો મેળવે છે અને ગુજરાતમાં હેટ્રિક થાય એ માટે ભાજપે કમર કસી છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં શું કર્યું છે? વધુ એક ધારાસભ્ય કોંગ્રેસ છોડી અને વધુ નહિ છોડે એની ગેરંટી કોણ આપશે?

સવાલ એ છે કે, ભાજપ સાથે કોંગ્રેસ સીધા મુકાબલામાં આવે છે ત્યાં એને વધુ ફટકો પડે છે. મોદી બ્રાંડનો કોંગ્રેસ પાસે કોઈ જવાબ નથી. મોદી સામે રાહુલ ટકી શકે એમ નથી. રાહુલની ન્યાયયાત્રા આ નવ રાજ્યો પૈકી કેટલાંક રાજ્યોમાંથી પસાર થશે પણ એનો ફાયદો કોંગ્રેસને કેટલો થાય એ મુદે ખુદ કોંગ્રેસીઓ શંકાશીલ છે. પણ સવાલ એ પણ છે કે, ભાજપ શું હજુ ય વધુ બેઠકો આ નવ રાજ્યોમાં મેળવી શકશે? કેપછી સત્તા વધતાં સ્કોર પછી એમાં ઘટાડો થશે? વન ડે વર્લ્ડ કપમાં ભારતનો ફાઈનલ સુધીનો દેખાવ શ્રેષ્ઠ રહ્યો, પણ ફાઈનલમાં શરમજનક હાર ખમવી પડે. શું ભાજપનું આવું થઇ શકે? થઇ શકે પણ એ માટે કોંગ્રેસે ઓસ્ટ્રેલિયા જેવું રમવું પડે. કોંગ્રેસ એવી રમત દાખવી શકશે? આ પ્રશ્નનો જવાબ બધા જાણે છે એવું નથી લાગતું.

કેજરીવાલ અને સોરેન : કોણ , ક્યારે પકડાશે?
દિલ્હી અને ઝારખંડના મુખ્યમંત્રીઓ મુસીબતમાં છે. અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેન. બંને પર ઇડીની તવાઈ ઊતરી છે. એક પછી એક સમન્સ બંનેને મોકલવામાં આવી રહ્યા છે પણ બંનેમાંથી કોઈ ઇડી સામે હજુ હાજર થવા તૈયાર નથી. એટલે બંનેમાંથી કોઈની ક્યારે પણ ધરપકડ થઇ શકે છે.

હેમંત સોરેન સામે જમીનનાં પ્રકરણોમાં ઇડી દ્વારા સમન્સ અપાયા છે. સોરેનના સચિવને ત્યાં દરોડા પડ્યા છે અને એની કાર્યવાહી ચાલુ છે અને હવે સોરેનને અત્યાર સુધીમાં સાતમી વાર ઇડી દ્વારા સમન્સ અપાયું છે અને એ કારણે સોરેન હવે આદિવાસી નેતાઓની દુહાઈ દેવા લાગ્યા છે. એ જયપાલ સિન્હાને સાવિત્રી ફૂલેને યાદ કરે છે અને વાત તો એવી ય આવી છે કે, એમની ધરપકડ થાય તો એમનાં પત્નીને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી થઇ ગયું છે. અરવિંદ કેજરીવાલ સામે ઇડીએ ત્રણ વાર સમન્સ કર્યા છે અને હવે ચોથી વાર સમન્સ આપવાની વાત ચાલી રહી છે. એ પહેલાં તો કેજરીવાલના ઘેર પોલીસ બંદોબસ્ત વધારી દેવાતાં ધરપકડ થશે એવું મનાતું હતું, પણ હવે નવેસરથી સમન્સ આપવાના અહેવાલો છે.

બંને મુખ્યમંત્રીઓ ઇડીની કાર્યવાહીને રાજકીય હેતુસરની ગણાવે છે અને ઇડીને એવા પત્રો પણ લખ્યા છે. કેજરીવાલે તો એવું પૂછ્યું છે કે, ઇડી એમને મુખ્યમંત્રી તરીકે , આપના સંયોજક કે પછી આરોપી તરીકે બોલાવવા માગે છે. શરાબ નીતિ મુદે્ કેજરીવાલને સમન્સ અપાયું છે. સોરેન અને કેજરીવાલ બંને વિકટીમ કાર્ડ ખેલવા લાગ્યા છે. કોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો છે. પણ તપાસ માટે હાજર તો થવું પડે એવી સ્થિતિ છે.

ઇડીની કાર્યવાહી છેલ્લા થોડા સમયથી રાજકીય હોય એવું લાગી રહ્યું છે. માત્ર ને માત્ર વિપક્ષી નેતાઓને ટારગેટ કરવામાં આવી રહ્યા છે એ વાત સાચી છે. પણ સરકાર કે ભાજપ વિપક્ષી નેતાઓને ભીડવવા માગતા હોય પણ સમન્સ મળ્યું હોય તો હાજર થવું પડે છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં હતા ત્યારે કોમી રમખાણોના મુદે તપાસ સમિતિ સામે હાજર થવું પડ્યું હતું. કલાકો સુધી એમની પૂછપરછ થઇ હતી. શું એવું જ વિપક્ષી નેતાઓ સામે થઇ રહ્યું છે. સરકારી એજન્સીઓ દ્વારા થતી કાર્યવાહી કોઈ પણ સરકાર હોય, ચર્ચાનું કારણ બનતી આવી છે. ફરી એવું બની રહ્યું છે, એ કમનસીબ છે અને એમાં બે રાજ્યોના મુખ્યમન્ત્રીઓ કે જે વિપક્ષી છે એ નિશાન પર છે , કોણ સાચું કે કોણ ખોટું? એ નક્કી કોણ કરે? સવાલ તો છે પણ જવાબનું શું?.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top