National

પશ્ચિમ બંગાળમાં TMCના નેતાના ઘરે દરોડા પાડવા પહોંચેલી EDની ટીમ પર ભીડનો હુમલો

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં (WestBangal) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ટીમ પર હુમલાની (Attack) ઘટના બની છે. અહીં એક મોટા નેતાના ઘરે EDની ટીમ દરોડા પાડવા પહોંચી ત્યારે તેની પર હુમલો થયો હતો. ભીડે ઈડીના વાહનોના કાચ ફોડી નાંખ્યા હતા. અધિકારીઓએ સ્થળ છોડી ભાગી જવું પડ્યું હતું.

આ હુમલો ત્યારે થયો જ્યારે ઈડીની ટીમ રાશન કૌભાંડમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શાહજહાં શેખના ઘરે દરોડો પાડવા જઈ રહી હતી. પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં શાહજહાં શેખના સમર્થક એવા સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ અને તેમની સાથે રહેલા CRPFના જવાનોનો પણ ભીડે પીછો કર્યો હતો. EDના અધિકારીઓએ સવારથી કોલકાતા સહિત ઓછામાં ઓછા 15 સ્થળોએ દરોડા પાડ્યા છે.

ED સાથે હાજર CRPFની કાર્યવાહી બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ વાહનને ચારેય બાજુથી ઘેરી લીધું હતું.આ પછી લોકોનો ગુસ્સો જોઈ EDની ટીમને સ્થળ પરથી પીછેહઠ કરવાની ફરજ પડી હતી. જાણકારી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર થયેલા હુમલામાં એક યુવક પણ ઘાયલ થયો છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રારંભિક માહિતીમાં કહેવામાં આવ્યું છે કે EDની ટીમ ટીએમસી નેતા શાહજહાં શેખના છુપાયેલા સ્થળે પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. દરમિયાન શાહજહાં શેખના સમર્થકોએ હુમલો કર્યો હતો.

કોણ છે શાહજહાં શેખ?
ટીએમસી સાથે સંકળાયેલા શાહજહાં શેખ લાંબા સમયથી રાશન ડીલર છે. તે રાજ્યના પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકના નજીકનો હોવાનું માનવામાં આવે છે. EDના અધિકારીઓનું માનવું છે કે નેતાના ઘરની તપાસ બાદ રાશન ભ્રષ્ટાચાર કેસ સાથે જોડાયેલા દસ્તાવેજો મળી આવશે. હુમલા બાદ EDએ હવે કાર્યવાહીમાંથી હટવું પડ્યું છે. ED પશ્ચિમ બંગાળમાં ઘણા કેસોની તપાસ કરી રહી છે. તેમાંથી રાશન કૌભાંડ પણ એક મામલો છે.

Most Popular

To Top