Dakshin Gujarat

20 ટકા ખાંડ ફરજિયાત કંતાનના કોથળામાં ભરવા કેન્દ્ર સરકારનો સુગર મિલોને આદેશ

બારડોલી: (Bardoli) દેશની તમામ સુગરમિલોને (Sugar Mill) ઉત્પાદિત થતી કુલ પૈકી 20 ટકા ખાંડ (Sugar) ફરજિયાત કંતાનના કોથળામાં ભરવાનો કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે. જો તેમ કરવામાં નહીં આવે તો ખાંડનો વેચાણ ક્વોટા અટકાવી દેવાની પણ ચેતવણી આપવામાં આવી છે. કંતાનના કોથળા મોંઘા હોય તેની સીધો બોજો ખેડૂતો પર પડે તેવી સંભાવનાને લઈ ખેડૂત સમાજ આગળ આવ્યું છે અને આ નિર્ણય પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

  • 20 ટકા ખાંડ ફરજિયાત કંતાનના કોથળામાં ભરવા કેન્દ્ર સરકારનો સુગર મિલોને આદેશ
  • એક ક્વિન્ટલ ખાંડ ભરવા માટેની થેલીઓનો ખર્ચ 80થી 90 રૂપિયા વધી જશે
  • ખેડૂતોને ટન દીઠ ભાવ 15થી 20 રૂપિયા ઓછો મળે તેવી શક્યતા

સમગ્ર ગુજરાતમાં ખાંડ ઉદ્યોગ સહકારી ધોરણે ચાલે છે અને ખેડૂત સભાસદો જ તેના માલિક છે. સુગર ફેક્ટરીનો ઉત્પાદન અને અન્ય ખર્ચ જેમ બને તેમ ઓછો થાય તેવું સંચાલકો પણ ઇચ્છતા હોય છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા સુગર મિલોના પેકિંગ ખર્ચમાં વધારો થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ઉત્પાદિત થયેલી 20 ટકા ખાંડ કંતાનના કોથળામાં ભરવાનું ફરજિયાત કરવાનો આદેશ કર્યો છે. જેને કારણે સુગર મિલનો ખર્ચો વધી શકે અને અને તેની સીધી અસર ખેડૂતોને મળતા શેરડીના ટન દીઠ ભાવ પર થવાની છે.

સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે જે પ્લાસ્ટિકની થેલીમાં ખાંડ ભરવામાં આવે છે એની 50 કિલો ખાંડની થેલીનો ભાવ 19 રૂપિયાની આજુબાજુ ચાલે છે. જયારે કંતાનની 50 કિલોની એક થેલીનો ભાવ 60 થી 65 રૂપિયા છે. આમ એક ક્વિન્ટલ ખાંડ ભરવા માટેની થેલીઓનો ખર્ચ 80થી 90 રૂપિયા વધારે થશે. અને જો ઉત્પાદનના 20 % ખાંડ કંતાનની થેલીઓમાં ભરવા માટે ફરજ પાડવામાં આવશે તો બધી ફેક્ટરીઓને કરોડો રૂપિયાનું ભારણ વધશે. એનો અર્થ એ થશે કે ખેડૂતોની એક ટન શેરડી દીઠ 15થી 20 રૂપિયા જેટલો વધારાનો ખર્ચ આવવાથી 15 થી 20 રૂપિયા ભાવ ઓછો મળે તેવી શક્યતાઓ છે. હાલના વર્ષોમાં જયારે શેરડીનું એકર દીઠ ઉત્પાદન ઘટી રહ્યું છે અને આ વર્ષે રિકવરી પણ ઓછી છે. ત્યારે આ વધારાનો ખર્ચ ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન છે. કંતાન ઉદ્યોગને સાચવવા માટે સરકાર શેરડીના ખેડૂતોને નુકસાન કરીને આ પ્રકારનો નિર્ણય લે એ ખુબ જ દુઃખદ બાબત છે.

કંતાનના કોથળા ફરજિયાત કરવામાં આવે તો ખેડૂતોની એમએસપી 4000 કરો
સુરત જિલ્લા ખેડૂત સમાજ દ્વારા માગ કરવામાં આવી છે કે, જો આ પ્રકારે કંતાનની થેલીઓમાં ખાંડ ભરવાનું ફરજીયાત કરવામાં આવશે તો શેરડી પકવતા ખેડૂતોને આ વધારાના ખર્ચનું વળતર આપવામાં આવે તેમજ ખાંડની MSP પણ 4000 રૂપિયા કરવામાં આવે તો ખેડૂતો પર પડતો બોજો હળવો થઈ શકે.

Most Popular

To Top