સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં (Dang District) સાપુતારા ઘાટમાર્ગમાં લાકડાનો જથ્થો ભરેલો ટ્રક (Truck) ચાર ઈસમો માટે કાળમુખો બન્યો હતો. ઘટના સ્થળ પર ભારે ટ્રક ક્રેટા ગાડી પર પલ્ટી મારી જતા ક્રેટા ગાડી ચગદાઈને ખુરદો બની ગઈ હતી. જેમાં સવાર પાંચમાંથી ચાર ઈસમો સ્થળ પર જ દબાઈને મોતને ભેટ્યા હતા.
- ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં લાકડાનો જથ્થો ભરેલ ટ્રક ક્રેટા ગાડી પર પલ્ટી જતા ઘટના સ્થળે એક જ પરિવારનાં ચાર વ્યક્તિઓનું કમકમાટીભર્યું મોત
- ઘટના સ્થળ પર ભારે ટ્રક ક્રેટા ગાડી પર પલ્ટી મારી જતા ક્રેટા ગાડી ચગદાઈને ખુરદો બની ગઈ
પ્રાપ્ત વિગતો અનુસાર ગુરુવારે સાંજે સાડા ચાર વાગ્યાનાં અરસામાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં બીજા વળાંક પાસે લાકડાનો જથ્થો ભરેલ ટ્રક ન.જી.જે.14.એક્સ.0786નાં ચાલકે કાબુ ગુમાવી દઈ એકાએક નજીકથી પસાર થઈ રહેલ ક્રેટા ગાડી ન.જી.જે.18.બી.એમ.0701 પર પલ્ટી મારી જતા સ્થળ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં લાકડા ભરેલ ટ્રક ક્રેટા ગાડી પર પલ્ટી મારી જતા સ્થળ પર ટ્રક નીચે ક્રેટા ગાડી ખુરદો બોલાઈને દબાઈ જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ બનાવની જાણ ડાંગ જિલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલને થતા તેઓનાં સૂચના અનુસાર તુરંત જ સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમે સ્થળ પર ધસી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતુ.
સ્થળ પર સાપુતારા પી.એસ. આઈ.કે.જે.નિરંજન દ્વારા તુરંત જ બે જેટલા જેસીબી તથા ક્રેનની વ્યવસ્થા કરી ટ્રક નીચે દબાયેલ ક્રેટા ગાડીને બહાર કાઢી યુદ્ધનાં ધોરણે બચાવની કામગીરી હાથ ધરી હતી. સાપુતારા પોલીસની ટીમ તથા સ્થાનિક નોટીફાઇડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર ડૉ ચિંતન વૈષ્ણવની ટીમ તથા સ્થાનિકોએ ક્રેટા ગાડીમાં સવાર ત્રણ મહિલા તથા એક બાળકી અને પુરુષ મળી કુલ પાંચ વ્યક્તિઓને બહાર કાઢી સરકારી તથા 108 એમ્બ્યુલન્સ દ્વારા શામગહાન સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ક્રેટા ગાડીમાં સવાર એક જ પરિવારનાં સભ્યોમાં (1) રમનાબેન તાલુરવર ઠાકુર.રે.બરોડા તથા (2)અમિતકુમાર પારસનાથ રાજપૂત તથા તેઓની પત્ની (3) પ્રિયંકા અમિતકુમાર રાજપૂત તેમજ તેઓની 2 વર્ષની માસૂમ દીકરી નામે (4)અનાયા અમિત કુમાર રાજપૂત તમામ.રે.પાલેજ ગાંધીનગરનાઓનું સ્થળ પર દબાઈ જવાનાં પગલે કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતુ.
જ્યારે તેઓની સાથે સવાર અન્ય એક વૃદ્ધા નામે મીરાબેન રામઆશ્રય ઠાકુર રે.બરોડાનો ચમત્કારિક બચાવ થયો હતો. જે વૃદ્ધાની સારવાર શામગહાન સી.એચ. સી ખાતે કરવામાં આવતા તેઓ સ્ટેબલ જણાઈ આવ્યા છે. આ અકસ્માતનાં બનાવમાં મૃતક પામેલ તમામ ચારેય ઈસમોની બોડી શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવામાં આવી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં 2 વર્ષની માસૂમ બાળકીનું મૃત્યુ થતા સ્થળ પર હાજર અધિકારીઓ તથા સ્થાનિકોનાં હૃદય હચમચી ઉઠ્યા હતા. વધુમાં ટ્રક ચાલક નામે દલપતભાઈ નારણભાઈ ખુમાણ તથા ક્લીનર જયદીપ ધીરુભાઈ કોટડિયા બન્ને રે.દેવડા,ગોંડલ રાજકોટનાઓને પણ ઇજાઓ થતા તેઓને સારવારનાં અર્થે સાપુતારા પી.એચ.સી ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારનાં પતિ પત્ની અને માસૂમ બાળકી સહિત માસીનું મોત નિપજતા સૌ કોઈનાં હૃદય હચમચી ઉઠ્યા હતા. હાલમાં આ અકસ્માતનાં બનાવ અંગે સાપુતારા પી.એસ.આઈ. કે.જે.નિરંજન દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.