સુરત: હજીરાના (Hazira) માતા ફળિયાના એક મકાનમાંથી MPનો વતની અર્ધ નગ્ન હાલતમાં જમીન ઉપર પડેલી હાલતમાં મળી આવ્યો હતો. પીડિતને સિવિલ (New Civil Hospital Surat) લવાતા તબીબોએ તેને મૃત (Died) જાહેર કર્યો હતો. મૃતકએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઇ છે તે પોલીસ (Police) તપાસનો વિષય બન્યો છે.
સમગ્ર મામલે મૃતક રાજેશના પરિવારે કહ્યું હતું કે રાજેશ સવારે 7 વાગ્યે મિત્રો સાથે ફરવા ગયો હતો. ત્યારબાદ મિત્રોએ ફોન કરી જાણ કરી હતી કે રાજેશે ફાંસો ખાય લીધો છે. ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડીને ગયા હતા. ઘટના સ્થળે પહોંચતા જ રાજેશ અર્ધ લગ્ન હાલતમાં જમીન પર પડેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમજ તરત જ તેને સારવાર અર્થે સિવિલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેમજ તેમણે જણાવ્યું હતું કે ગળા ઉપરથી નિશાન મળી આવ્યું છે. જેના કારણે આ મૃત્યુ પોલીસ તપાસનો વિષય છે.
મૃતકના નાના ભાઇ પવનએ જણાવ્યું હતું કે મૃતક રાજેશ રામ મિલન ચૌધરી ચાર ભાઈઓમાં મોટો ભાઈ હતો. તેમજ હજીરાની ખાનગી કંપનીમાં કાર ડ્રાઇવર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરી રહ્યો હતો. થોડા સમય પહેલા જ પરિવાર વતન MP પરત જતા રાજેશ છેલ્લા 5-6 મહિનાથી માતા ફળિયામાં મિત્ર મહેન્દ્ર, કલ્લુ સહિત ત્રણ વ્યક્તિઓ સાથે રહેતો હતો. દરમિયાન સોમવારની રાત્રે અમને ફોન પર માહિતી મળી હતી કે રાજેશે ફાંસો ખાય લીધો છે. ઘટનાની જાણ થતા જ અમે રાજેશના મિત્ર મહેન્દ્રના ઘરે ગયા તો રાજેશ જમીન પર અર્ધ નગ્ન હાલતમાં પડેલો મળી આવ્યો હતો. ત્યાર બાદ તેને તાત્કાલિક 108ની મદદથી સુરત સિવિલ લઈ આવતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
વધુમાં મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે રાજેશને એક મહિના પહેલા પણ મહેન્દ્રએ ધમકી આપી હતી. જોકે એ બન્ને વચ્ચેના ઝગડાનું કોઈ કારણ જાણી શકાયું ન હતું. રાજેશ સોમવારે સવારે 7 વાગ્યે અમને મળ્યા બાદ નોકરી પર રજા હોવાથી મિત્રો સાથે ફરવા ગયો હતો.
રાજેશનો મિત્ર મહેન્દ્ર લેબર કામ કરે છે. તેમજ રાજેશના ગળા પરથી નિશાન મળી આવ્યું છે. આ સાથે જ તેની દાઢીના ભાગે કાળા કલરનું નિશાન જોયા બાદ રાજેશને મારી નાખવામાં આવ્યો હોય એમ લાગે છે. હાલ પોલીસ રાજેશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવી રહી છે. ત્યાર બાદ જ રાજેશના મૃત્યુનું કારણ જાણી શકાશે. પરંતુ હાલ હજીરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.