એક બા, ઉંમર હશે ૭૦ની આસપાસ. હાથમાં એક બાસ્કેટમાં ગરમ ચા અને કોફી ભરેલાં બે થરમોસ, થોડાં બિસ્કીટનાં પેકેટ અને થોડાં ફ્રુટ સાથે હોસ્પિટલમાં આવ્યાં અને વેઇટીંગ એરિયામાં બેઠાં.વેઈટીંગ એરિયાનું વાતાવરણ હંમેશ મુજબ થોડું તંગ જ હતું.કોઈના સ્વજનનું ઓપરેશન ચાલી રહ્યું હતું.કોઈ રીપોર્ટની રાહ જોતું હતું.કોઈ ડોક્ટર આવે તેની. કોઈ બીજો સંબંધી છોડવા આવે તેની.કોઈ પેશન્ટ પોતાનો નંબર આવે તેની બધાં રાહ જ જોઈ રહ્યાં હતાં અને લગભગ બધાં જ ચિંતામાં હતાં.
બા એ જોયું તો તેમના સોફાથી દૂર કોર્નરમાં એક યુવક એકલો બેઠો હતો. મોઢા પર ચિંતા હતી.બા તેની પાસે ગયાં અને ધીમેથી વાત કરવાની શરૂઆત કરી પૂછ્યું, ‘કોણ છે માંદુ?’ યુવાને કહ્યું, ‘મારી પત્નીનું ઓપરેશન ચાલી રહ્યું છે.’આટલું બોલી તે ચૂપ થઇ ગયા. તેના મોઢા પર ડર અને ચિંતા છલકાઈ રહ્યાં હતાં. બા એ પૂછ્યું , ‘કંઈ ખાધું નહિ હોય. તે થોડી કોફી પી લે સારું લાગશે.ભગવાન સારું જ કરશે.’આમ બોલી યુવાનની હા માટે રોકાયા વિના બા એ થર્મોસ ખોલીને એક કપમાં કોફી કાઢી યુવાનને આપી.
યુવાને કોફીનો કપ હાથમાં લીધો અને કોફી પીવા લાગ્યો.તેને થોડું સારું લાગ્યું.કોફી પીધા બાદ તેણે બા નો આભાર માનતાં પૂછ્યું, ‘બા, તમારું કોણ માંદુ છે?’બા એ કહ્યું, ‘મારું અહીં કોઈ સ્વજન માંદુ નથી.’ યુવાનને નવાઈ લાગી, તેણે પૂછ્યું , ‘બા, કોઈ માંદુ નથી તો પછી તમે આ ઉંમરે અને આ ચા ,કોફી બિસ્કીટ ભરેલા બાસ્કેટ સાથે અહીં હોસ્પિટલમાં શું કરો છો?’ બા બોલ્યાં, ‘હું લોકોના દુઃખમાં ભાગ પડાવું છું.ચિંતામાં તેઓ એકલાં હોય છે.મૂંઝાય છે.પોતાનું ખાવા પીવાનું કંઈ ભાન રહેતું નથી એટલે હું તેમની ચિંતામાં ભાગ પડાવવા આવી છું.’
બા નો જવાબ સાંભળી યુવાનને વધુ આશ્ચર્ય થયું. તેણે કહ્યું, ‘બા, તમે તો બહુ સારું કામ કરો છો. સાચે મને તમારી સાથે વાત કરીને અને એક કપ તમારા હાથની કોફી પી ને બહુ સારું લાગ્યું અને હિંમત પણ મળી.પણ બા આ સાવ અજાણ્યાના સ્વજન બનીને મદદરૂપ થવા પાછળ કોઈ કારણ ખરું.’ બા બોલ્યાં, ‘હા, કારણ એ જ કે મારું કોઈ સ્વજન જ નથી.બાળકો છે નહિ અને પતિને કેન્સરની લાંબી બીમારી બાદ ખોઈ ચૂકી છું.
હવે સાવ એકલી છું.પતિ બીમાર હતા ત્યારે હોસ્પીટલમાં મહિનાઓ એકલા વિતાવ્યા હતા એટલે અનુભવી ચૂકી છું કે મન પર કેટલો ભાર હોય, એટલે જ રોજ જુદી જુદી હોસ્પીટલમાં જાઉં છું અને જેનાં સ્વજનો બીમાર છે તેમના મન પર ચિંતાનો… સ્વજનને ખોઈ બેસવાનો ભાર છે..તેમના મનની ચિંતા થોડી ઓછી કરવા અને દુઃખમાં ભાગ પડાવવા ચા -કોફી બિસ્કીટ અને ફ્રુટ લઈને પહોંચી જાઉં છું અને શક્ય બને તે પ્રમાણે સાથ આપું છું.’યુવાને બા ને નમન કર્યા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.