પેટલાદ, તા.1
પેટલાદના પ્રાચિન એવા ચામુંડા માતાના મંદિરે ભવ્ય પ્રવેશદ્વાર અને પક્ષીઘરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રવેશદ્વાર અને પક્ષીઘર સ્વામીજીના આર્થિક યોગદાનથી તૈયાર થયું છે. આ પ્રસંગે સ્વામીજીએ ચામુંડા માતા સહિત નવદુર્ગા અને મા શક્તિ વિષે ધાર્મિક પ્રવચન કરતા કહ્યું હતું કે હાલના સંજોગોમાં પણ આસુરી પ્રજાનો નાશ થવો જરૂરી છે.
પેટલાદમાં શૈકાઓ જુનું પ્રાચિન ચામુંડા માતાનું મંદિર વેસ્ટર્ન સ્કુલ પાસે આવેલ છે. આ મંદિરનો સઘળો વહીવટ પૂર્વ ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ અને એમનું ટ્રસ્ટી મંડળ કરી રહ્યું છે. આ મંદિર ખાતે અવાર નવાર ધાર્મિક કાર્યક્રમો, ઉત્સવો જેવા કાર્યક્રમો યોજાતા હોય છે. તેમાંય છેલ્લા ત્રણેક વર્ષથી મંદિરનો વિકાસ થતાં દર્શનાર્થીઓનો ધસારો વિશેષ જોવા મળે છે. આ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તથા પક્ષીઘર માટે સ્વામી સચ્ચિદાનંદ દ્વારા આર્થિક સહયોગ કરવામાં આવ્યો હતો. સ્વામીજીએ અંદાજીત ચૌદ લાખ ઉપરાંતની રકમ મંદિરને દાન કરી હતી. જેમાંથી તૈયાર થયેલ પ્રવેશદ્વાર તથા પક્ષીઘરનું લોકાર્પણ ગતરોજ સાંજે પાંચ કલાકે મંદિર પરિસરમાં સ્વામીજીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામીજીએ ચામુંડા માતા સહિત નવદુર્ગાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે શિવ અને શક્તિ અલગ અલગ છે. શિવ એક છે, પરંતુ શક્તિ અનંત છે. મૂળ ત્રણ શક્તિ, જેમાંથી બીજી ત્રણ શક્તિ મળી નવદુર્ગા બને છે. માટે જ નવરાત્રીની ઉપાસના કરવામાં આવે છે. પ્રથમ ત્રણ શક્તિમાં કાલી, મહાકાલી અને ચામુંડા છે. જ્યારે અન્ય ત્રણ શક્તિમાં કાલી, અન્નપૂર્ણા તથા દુર્ગા છે. આ શક્તિઓ વિષે વિસ્તૃત જાણકારી સ્વામીજીએ આપી હતી. આ પ્રસંગે મંદિરના પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય નિરંજનભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં મંદિર વિષે માહિતગાર કર્યા હતા.
હવે, અસુરી પ્રજાનો નાશ જરૂરી સ્વામી સચ્ચિદાનંદ
By
Posted on