આણંદ તા.1
આણંદના જીટોડીયા સ્થિત ચાવડાપુરાના નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે વર્ષના છેલ્લા દિવસે વર્ષ -2023ને વિદાય આપવા માટે બોન ફાયર દ્વારા ગત વર્ષના દુર્ગુણોને બાળીને નવા વર્ષના સદગુણોને આવકારવા માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. દાર્જિલિંગથી આવેલા ફાધર પ્રમોદ ડાભીએ જણાવ્યું હતું કે વર્ષ -2023માં જે કંઈ ખરાબ ઘટનાઓ બની તેને ભૂલી જઈએ અને નવું વર્ષ -2024ને આવકારીએ અને આપણે સૌ એકબીજા પ્રત્યે પ્રેમ રાખીએ, માન આપીએ અને પ્રભુ ઈસુએ આપણને આપેલા ઉપદેશ પ્રમાણેનું જીવન જીવીએ અને ખાસ કરીને એકબીજાને માફી આપીએ તે જ આ નવા વર્ષનો સંદેશ છે અને નવા વર્ષે દરેક વ્યક્તિ સંકલ્પ લે તે જરૂરી છે તેમ જણાવી પ્રભુનું ઈસુના જીવનમાંથી બોધપાઠ લઈ પવિત્ર જીવન જીવો ઈસુમય જીવન જીવો અને એકબીજાને મદદ કરો તેમ જણાવ્યું હતું.
ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ નાતાલ અને નવા વર્ષ વચ્ચેના અઠવાડિયા દરમિયાન ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ફાધર જગદીશ મેકવાન, ફાધર દોમેનિક, ફાધર વિજય, ફાધર પ્રદીપ પરેરા અને સિસ્ટરોએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. સૌએ એકબીજાને શુભેચ્છા પાઠવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. નવા વર્ષના દિવસે ચર્ચ ખાતે ત્રણ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા.. આ પ્રસંગે દેવળને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું.
ચાવડાપુરા- જીટોડિયા ધર્મ વિભાગમાં બાળ ઈસુના જન્મની ઉજવણી રૂપે વ્યક્તિગત અને સામૂહિક ગભાણ હરિફાઈ ઉપરાંત ડેકોરેશનની પણ સ્પર્ધા યોજવામાં આવી હતી. કમિટી દ્વારા સ્પર્ધામાં ભાગ લીધો હતો તે તમામ સોસાયટીઓ અને ઘરોની મુલાકાત લઈ પ્રથમ ત્રણ નંબર પર આવનારને મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના હસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ફાધર જગદીશ મેકવાનએ જણાવ્યું હતું કે આજે નવા વર્ષમાં કંઈક નક્કી કરો સંકલ્પ કરો અને તે પ્રમાણે ગત વર્ષોમાં આપણાથી જે કંઈ ભૂલો થઈ હોય તે ભૂલોનું પુનરાવર્તન ન કરીએ પણ એક સાચા ખ્રિસ્તી તરીકે જીવન જીવીએ અને પ્રભુ ઈસુનો સાચા પ્રેમ અને માફીનો સંદેશો બધાને પહોંચાડીએ.
નિત્ય સહાયક માતા મરિયમ દેવાલયમાં નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી
By
Posted on