નડિયાદ, તા.1
નડિયાદ શહેરમાં ખુલ્લા અને જોખમી કાંસ નગરજનોના માટે માથાનો દુઃખાવો બની છે. ભૂતકાળમાં કેટલાય નગરજનોએ આવા જોખમી કાંસનો ભોગ બન્યા છે અને જીવ ગુમાવ્યા છે. નડિયાદ શહેરમાં ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ સુધી જોખમી ખુલ્લા કાંસને બંધ કરવા માંગ ઉઠી છે. જે બાબતે પાલિકામાં જાગૃત નગરજને લેખિત અરજી આપી છે અને આ ખુલ્લા જોખમી બનેલા કાંસ પર આરસીસી સ્લેબ ભરી બંધ કરે તેવી માંગ કરી છે.
નડિયાદ પાલિકાના વોર્ડ નં.13માં આવેલા ચકલાસી ભાગોળથી ફતેપુરા રોડ પર સ્વામી વિવેકાનંદ સ્કૂલ સુધીના વરસાદી પાણીના નિકાલ માટેનો કાંસ વર્ષોથી ખુલ્લો જ છે. આ ખુલ્લા કાંસના કારણે અહીંયા રહેલા હજારો સ્થાનિક નાગરીકોને પારાવાર હાલાકી વેઠવાનો વખત આવ્યો છે. આ ખુલ્લા કાંસમાં માત્ર ચોમાસા દરમિયાન પાણી જવાને બદલે બારે માસ ગંદકીયુક્ત ગટરનું અને દુર્ગંધ મારતુ પાણી ભરાયેલુ રહે છે.આ ગંદકીયુક્ત પાણી ભરાયેલુ રહેવા પાછળનું બીજુ એક કારણ એ પણ છે કે, આ કાંસ આગળના ભાગે યોગ્ય રીતે સફાઈ કરાતી નથી. તેમજ તેમાં કુંભવેલ ઉગી નીકળે છે, સેનેટરી વિભાગ દ્વારા નિયમિત રીતે કચરો ઉપાડવામાં ન આવતા અહીંયા જાહેર રોડ પરનો કચરો કાંસમાં ઉતરી જાય છે અને ગંદકીના પ્રમાણમાં અસહ્ય વધારો થાય છે. આ કાંસની પાસેથી જે ફતેપુરા રોડ પસાર થાય છે. તે આ વિસ્તારના નાગરીકોની અવર-જવર માટે જીવાદોરી છે.
આ વિસ્તારમાં સરકારી શાળા સહિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ, શારદા મંદિર શાળા, એસ.જી. પટેલ પ્રા.શાળાઓ આવેલી છે. જ્યાં આ વિસ્તારના બાળકો શાળાએ જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ફતેપુરા ગામ અને ત્યાંથી ચકલાસી તરફના તમામ ગામોમાં અવર-જવર માટે પણ ત્યાંના ગ્રામજનો આ રસ્તાનો ઉપયોગ કરે છે.
ચકલાસી ભાગોળથી આ ફતેપુરા રોડ પર પ્રવેશતા જ રોડની બાજુમાં આ ખુલ્લો કાંસ છે જે છેક સ્વામી વિવેકાનંદ શાળા સુધી પથરાયેલો છે અને આ કાંસના કારણે અહીંયાથી પસાર થતા તમામ લોકોને ભારે કનડગત વર્ષોથી વેઠવી પડે છે. તેમજ ખુલ્લા કાંસના કારણે અકસ્માતનો પણ ભય રહે છે. જેના કારણે સત્વરે આ ખુલ્લી કાંસ પર સ્લેબ ભરવા માટે નડિયાદ નગરપાલિકા દ્વારા તાકીદે આયોજન કરવામાં આવે, તેમજ આગામી ત્રણેક મહિના સુધી આ સમસ્યાનું કાયમી ધોરણે નિકાલ લાવવા ખુલ્લી કાંસ પર સ્લેબ ભરી હજારો નાગરીકોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ છે.
નડિયાદમાં ખુલ્લા કાંસથી પ્રજાજનો ત્રાહિમામ
By
Posted on