સુરત(Surat) : નવા વર્ષની (NewYear) પહેલી રાત્રે આગજનીની (Fire) ઘટના શહેરના ભાઠેના વિસ્તારમાં બની હતી. ભાઠેના રાજા નગર કબ્રસ્તાન સામે લાકડાનું બે માળ નું મકાન અચાનક મધરાત્રે સળગી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ બાદ નિંદ્રાધીન પરિવારના ચારેય સભ્યો દોડીને બહાર નીકળી જતા કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી.
ફાયરના જવાનોએ સમય સર દોડી આવી લગભગ દોઢ કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો. ફાયરે જણાવ્યું હતું કે આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી પરંતુ રોકડા રૂપિયા અને ઘરવખરીનો સામાન બળી ને ખાખ થઈ ગયો હતો.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના મધરાત્રિના 2:38 ની હતી. લાકડાના ગ્રાઉન્ડ સાથેના એક માળના મકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ મજુરા, માન દરવાજા, અને દુભાલ ફાયર સ્ટેશનની ગાડીઓ સ્થળ પર રવાના કરી દેવાઈ હતી. લગભગ દોઢ કલાકમાં જ આગ ને કાબુમાં લેવામાં ફાયરના જવાનો સફળ રહ્યા હતા. આગમાં ઘર વખરી અને રોકડ રૂપિયા 70 હજાર બળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
રોહિત ખલાસી (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે મકાન સૈયદ હાસીમનું હતું. ઘરમાં પરિવારના ચાર સભ્યો રહેતા હતા. આગ લાગી ત્યારે તમામ સભ્યો સુતા હતા. આગની જાણ થતાં જ દોડીને બહાર આવી ગયા હતા. આજુબાજુના લોકો પણ ભેગા થઈ ગયા હતા. ફાયરની મદદ મળે એ પહેલા લાકડાનું આખું મકાન સળગી ગયું હતું. દોઢ કલાકમાં જ આગ કાબુમાં લેવાય ગઈ હતી. કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી.
સૈયદ હાસિમે (મકાન માલિક) એ જણાવ્યું હતું કે તેઓ કાપડ માર્કેટમાં મજૂરી કામ કરે છે. બે બહેન, એક ભાઈ અને માતા સાથે રહે છે. ઘર બનાવવા માટે લોન લીધી હતી એ રૂપિયા 70 હજાર સહિત બહેનોની બંગડી માટે ભેગો કરેલો ઘર વખરીનો સામાન અને દહેજની વસ્તુઓ પણ બળી ગઈ હતી. આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ ઘરની પાછળની દીવાલમાંથી આગ અંદર આવી રહી હોવાનું જાણવા મળ્યું હતું. નિંદ્રાધીન અવસ્થામાં શિયાળામાં ગરમી લાગતી હોવાનો અહેસાસ થતા જ આંખ ખુલી ગઈ હતી. બસ ત્યાર બાદ ઘર સળગી રહ્યું હોવાનું જોઈ બુમાબુમ કરી આખું પરિવાર બહાર દોડી જતા બચી ગયો હતો.