આણંદ, તા. 30
નવા વર્ષના પ્રથમ દિવસને આવકારવા માટે મનાતી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટેના ઠેર-ઠેર આયોજનો કરાઈ રહ્યા છે ત્યારે મહિસાગર નદીના કાંઠે આવેલા અંદાજે 150 જેટલા ફાર્મ હાઉસોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીની આડમાં થતી રેવ પાર્ટીઓને અટકાવવા માટે પોલીસ એક્શનમાં આવી જવા પામી છે. સ્ટીકરોમાં લખેલી સુચનાઓનો ભંગ કરનારા ફાર્મ હાઉસોના માલિકો તેમજ આયોજકો વિરૂદ્ઘ કડકમાં કડક પગલાં ભરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને ઠેર-ઠેર ડીજે પાર્ટીઓ વીથ ડાન્સ એન્ડ ડીનરના આયોજનો કરાઈ રહ્યા છે. આણંદ જિલ્લામાંથી પસાર થતી મહિસાગર નદીના કિનારે ખાસ કરીને આંકલાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ફાર્મ હાઉસોમાં પણ ઉજવણી કરાતી હોય છે. તાલુકાના ભેટાસી, ભાણપુરા, કહાનવાડી, આમરોલ, ઉમેટા, ચમારા, ખડોલ (ઉ), માનપુરા, નવાખલ, ગંભીરા, હઠિપુરા વગેરે ગામોની સીમમાં નદીના કિનારે અંદાજે 150 જેટલા ફાર્મ હાઉસો આવેલા છે. મોટાભાગના ફાર્મહાઉસો વડોદરાના બીલ્ડરો, રાજકીય નેતાઓ, નિવૃત્ત અમલદારો તેમજ એનઆરઆઈઓના આવેલા છે. જ્યાં વીક એન્ડ ઉપર ફાર્મહાઉસોના માલિકો પરિવાર સાથે આવીને ઉજવણી કરીને જતા રહેતા હોય છે. ફાર્મ હાઉસમાં ખાણી-પીણીથી માંડીને રહેવાની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે જેને લઈને આ ફાર્મહાઉસો પર્યટન સ્થળ તરીકે પણ વીકસ્યા છે. ત્યારે થર્ટી ફર્સ્ટને લઈને કેટલાક યુવા ગ્રૃપો દ્વારા ફાર્મહાઉસોના માલિકોનો સંપર્ક કરીને ઉજવણી કરવા માટેની મંજુરી લેવામાં આવી રહી છે. મંજુરી મળી ગયા બાદ ડીજેના તાલે, ડાન્સ વીથ ડીનરની પાર્ટીઓનું આયોજન કરવામાં આવનાર હોવાનુ ંજાણવા મળ્યું છે. થર્ટી ફર્સ્ટને લઈને આવી પાર્ટીઓમાં યુવાઓ દ્વારા નશીલા પદાર્થો તેમજ વિદેશી દારૂ પીને ભાન ભુલી ઉજવણી કરતા હોય છે જેને લઈને પોલીસ દ્વારા આવી કોઈપણ પ્રકારની પાર્ટીઓ ના યોજાય તે માટે કમર કસી છે.
પોલીસ દ્વારા આજથી જ તમામ ફાર્મહાઉસો ઉપર સુચનો સાથેના સ્ટીકરો લગાવી દેવામાં આવ્યા છે. આ સુચનોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા તમામ ફાર્મહાઉસો ઉપર ચાંપતી નજરો રાખવામાં આવી રહી છે અને પોતાના બાતમીદારોને પણ સક્રિય કરી દઈને ફાર્મહાઉસો ઉપર નજરો રાખવાની સુચનાઓ આપી દેવામાં આવી છે. જો થર્ટી ફર્સ્ટની ઉજવણીની પોલીસ પાસે મંજુરી નહીં લીધી હોય તો પણ કાર્યવાહી કરવામાં આવનાર છે.
આણંદના ફાર્મ હાઉસાે પર પાેલીસની બાજ નજર
By
Posted on