સુરત: (Surat) સમગ્ર દેશમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને યુવાઓમાં થનગનાટ જોવા રહ્યો છે ત્યારે પોલીસ પણ દારૂ (Alcohol) અને ડ્રગ્સની હેરાફેરી તેમજ અસામાજિક તત્વોને પકડવા તૈયાર છે. સુરતમાં ઠેર ઠેર પોલીસનો (Police) ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરતના પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે 31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂ પીનારાઓ તેમજ અસામાજિક તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.
સુરતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇને પોલીસે બે દિવસ પહેલાથી જ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ઠેર ઠેર સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સુરતના પોલીસ કમિશનર અજય તોમરે દારૂ પીનારાઓ તેમજ અસામાજિક તત્વોને ચેતવણી આપી છે. નશો કરીને ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન અસામાજિક તત્વોને પકડવા સુરતમાં ઠેર ઠેર ચેકિંગ પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. આ સાથે દારૂ પીધેલા લોકોને પોલીસે પકડી પાડવાની તૈયારી પણ કરી લીધી છે. પોલીસ દ્વારા 200 જેટલા બ્રેથ એનેલાઇઝર સાથેની ટીમ ઠેર ઠેર ગોઠવી દેવાઈ છે. રસ્તા પર જ નહીં પણ પોલીસ દ્વારા હોટલો, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને ક્લબ હાઉસ પર પણ વોચ રાખવામાં આવશે.