સુરત, અમદાવાદ: ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ને મળેલી બાતમીના આધારે એજન્સીએ હોંગકોંગ (Hongkong) કસ્ટમ્સની (Custom) મદદથી કરોડોના ઇન્ટરનેશનલ હવાલા કૌભાંડનો (InternationalMoneyLaundaringScam) પર્દાફાશ કર્યો છે.
DRI અમદાવાદ અને સુરત દ્વારા હોંગકોંગ-સુરત સેઝથી (SuratSez) ઓપરેટ થયેલા આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ડીઆરઆઇનાં સૂત્રોના જણાવ્યા મુજબ સુરત સેઝની કંપની કરોડોના નેચરલ ડાયમંડ (Natural Diamond) ઇમ્પોર્ટ (Import) કરી સિન્થેટિક ડાયમંડ (Synthetic Diamond) એક્સપોર્ટ (Export) કરતી હોવાનું કૌભાંડ (Scam) પકડાયું છે.
અત્યાર સુધીનું આ સૌથી મોટું મની લોન્ડરિંગ કૌભાંડ ગણાવાયું છે, જેમાં ડાયમંડ અને જ્વેલરીનું ઓવર વેલ્યુએશન દર્શાવી 500 મિલિયન હોંગકોંગ ડોલર એટલે કે 64 મિલિયન અમેરિકન ડોલર (5,32,63,80,800.00 ભારતીય ચલણ)ની હેરાફેરી કરવાના આરોપમાં 18 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર દરમિયાન ભારતીય મૂળના 4 હીરા વેપારીઓની હોંગકોંગમાં અને 4 હીરા વેપારીઓની ભારતમાં ધરપકડ કરવામાં આવી છે.
ડીઆરઆઈ અને હોંગકોંગ કસ્ટમે આ મોટા ઓપરેશનને પાર પાડ્યું છે, જેમાં બે દેશના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ડાયમંડ-જ્વેલરી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટના નિયમોનું ઉલ્લંઘન કરી ઓવર વેલ્યુએશન થકી કરોડોની રકમની હેરફેર કરવામાં આવી છે. હોંગકોંગથી સુરત સેઝમાં સિન્થેટિક ડાયમંડ મોકલવામાં આવતા હતા, જે સેઝ બહાર મોકલી એના સ્થાને નેચરલ હીરા સિન્થેટિક દર્શાવી જ્વેલરી સાથે એક્સપોર્ટ કરવામાં આવતા હતા. સિન્થેટિક ડાયમંડને નેચરલ ડાયમંડ ગણાવી ઓવર વેલ્યુએશન કરી કરોડો રૂપિયા હવાલાથી ત્રીજા દેશોમાં મોકલાયા છે. અને બંને સરકારની એક્સપોર્ટ-ઇમ્પોર્ટ પોલિસીનો પણ આર્થિક ઇનસેન્ટિવ લાભ લેવામાં આવ્યો છે.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આયાત કરતી એન્ટિટીના બેંક ખાતામાં ભંડોળનો પ્રવાહ ભારતમાં વિવિધ ડમી કંપનીઓ દ્વારા બેંક વ્યવહારો થકી થયો હતો અને તે ભંડોળ પછી આ એક બેંક ખાતામાંથી હોંગકોંગમાં વિદેશી સપ્લાયરોને ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. જે હીરાની આયાત માટે ચૂકવણી કરવાના બહાના હેઠળ દર્શાવાયું હતું. એકત્ર કરાયેલા પુરાવા એ પણ દર્શાવે છે કે, આ વેપાર આધારિત મની લોન્ડરિંગનો માસ્ટર માઇન્ડ હોંગકોંગમાં હતો. તપાસના પરિણામે કસ્ટમ્સ એક્ટ, 1962ની કલમ 104ની જોગવાઈઓ હેઠળ ભારતમાં ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
ભારતીય કસ્ટમ્સે જપ્ત કરેલા માલ માટે કારણદર્શક નોટિસો (SCN) જારી કરી હતી, જેમાં હોંગકોંગ(HK) સંસ્થાઓને પણ નોટિસ આપવામાં આવી હતી, જેમણે જવાબ આપવાનો અને ભારતીય કસ્ટમ્સ સમક્ષ પોતાને રજૂ કરવાનો ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે, લગભગ તમામ કિસ્સાઓમાં TBML ગુનેગારો ભારતમાં અમલીકરણની કાર્યવાહી ટાળવા માટે વિદેશમાં શેલ કંપનીઓ દ્વારા કામ કરે છે. DRI હાલના દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય સહકાર સાધનો અને નેટવર્ક હેઠળ અગાઉ હોંગકોંગસ્થિત શંકાસ્પદ કંપનીઓના અસ્તિત્વની તપાસ કરવા માટે હોંગકોંગ કસ્ટમ્સ સુધી પહોંચી હતી. હોંગકોંગ સ્થિત રિંગલીડર્સને શોધવા માટે કોમ્યુનિકેશન ચેનલોને વધુ મજબૂત બનાવવામાં આવી હતી.
સિન્થેટિક ડાયમંડને નેચરલ ડાયમંડ લેખાવી 100 ગણું ઓવર વેલ્યુએશન કરાયું
ડીઆરઆઈએ અધિકૃત સમાચાર યાદીમાં જણાવ્યું છે કે, મની લોન્ડરિંગનાં આ મામલામાં ભારતથી વિદેશી ચલણ મોકલવા નેચરલ ડાયમંડની આડમાં સિન્થેટિક હીરા ભારત મોકલવામાં આવતા હતા. સિન્થેટિક ડાયમંડને નેચરલ ડાયમંડ લેખાવી 100 ગણું ઓવર વેલ્યુએશન કરાયું હતું. સિન્થેટિક હીરા હોંગકોંગની જુદી જુદી ફર્મથી ભારતના સેઝમાં મોકલવામાં આવતા હતા.
તપાસમાં એવું પણ જોવા મળ્યું હતું કે, ‘નેચરલ ડાયમંડ ઇમ્પોર્ટ કરી એના સ્થાને સિન્થેટિક ડાયમંડ મેળવવામાં આવ્યા હતા. અને નેચરલ ડાયમંડ સેઝની બહાર કાઢવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં સુરત અને મુંબઇ સેઝની ભૂમિકા જણાઈ રહી છે. હીરા આયાત કરવાવાળી ફર્મે હોંગકોંગ અને બીજા અન્ય દેશોમાં ઊંચી કિંમતે હીરા અને જ્વેલરીની નિકાસ કરી હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, આયાત કરવામાં આવેલા માલની રકમ બેન્કિંગ ચેનલો થકી દેશ બહાર મોકલવામાં આવી છે.
હોંગકોંગમાં એક મિલિયન અમેરિકન ડોલરની ડાયમંડ, જ્વેલરી સંપત્તિ જપ્ત કરાઈ
ગયા અઠવાડિયે હોંગકોંગ કસ્ટમ્સે મોટા પાયે આંતરરાષ્ટ્રીય મની લોન્ડરિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કરવા માટે અમલીકરણની કામગીરી શરૂ કરી હતી. જેણે હીરાના વેપારનો ઉપયોગ કરીને આશરે US $65 મિલિયનનું લોન્ડરિંગ કર્યું હતું. ઓપરેશન દરમિયાન હોંગકોંગ કસ્ટમ્સે હોંગકોંગમાં આઠ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા, જેમાં ચાર રહેણાક સંકુલ અને ચાર કોમર્શિયલ એકમોનો સમાવેશ થાય છે.
કસ્ટમ્સે આ કેસ સાથે સંકળાયેલા હોવાની શંકાસ્પદ ચાર લોકોની ધરપકડ કરી છે અને ધરપકડ કરાયેલા લોકો પાસેથી વિદેશી ચલણમાં એક હોંગકોંગ મિલિયન ડોલર, આશરે 290 કેરેટ અને 8 હોંગકોંગ મિલિયન ડોલરના નેચરલ ડાયમંડ અને 1,000થી વધુ સિન્થેટિક હીરા અને સંબંધિત દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આ કાર્યવાહી ભારતમાં અગાઉ ભારતીય કસ્ટમ્સ દ્વારા કરવામાં આવેલી અમલીકરણ કાર્યવાહીના આધારે શરૂ કરવામાં આવી હતી. હોંગકોંગ અને અગાઉ ભારતમાં ધરપકડો બાદ, વૈશ્વિક સ્તરે ગુનાહિત ગેંગને સ્પષ્ટ સંદેશ મોકલશે કે તેઓ કાયદાથી છટકી શકતા નથી અને મજબૂત અવરોધક તરીકે કામ કરવું જોઈએ.