Columns

ચાલો એક કપ ચા થઇ જાય

એક ૭૫ વર્ષના કાકા ચા ના એકદમ શોખીન.નામ હરીશભાઈ. દિવસમાં ગમે ત્યારે કોઈ પૂછે ચા પીશો, તેમની હા જ હોય.કયાંય પણ જાય, ચા માટે ના વિવેક ખાતર પણ ના ન પાડે.જમવા પહેલાં પણ ચા પી શકે અને જમ્યા બાદ પણ.રસ્તામાં કોઈ મળે તો ચા પીવા ઊભા રહી જાય. એક દિવસ રાત્રે હરીશભાઈ જમ્યા બાદ થોડું ચાલવા નીકળ્યા અને રસ્તામાં જુના પાડોશી મળી ગયા.વાતો કરવા ઊભા રહી ગયા.પછી પાડોશીએ કહ્યું, ‘ચાલો, અડધી અડધી ચા પીએ.’ આદત મુજબ  હરીશભાઈએ ના ન પાડી અને ચા પીવા ગયા.ચા પીતાં પીતાં પેલા પડોશી પોતાના મનનું દુઃખ હળવું કરતાં બોલ્યા, ‘ઘરમાં દીકરાની વહુ અડધો કપ જ ચા આપે છે તે પણ સાવ પાણીવાળી. દીકરાને કંઈ આવી વાતની ફરિયાદ કરાય નહિ.નકામો ઝઘડો થાય એટલે જયારે બહાર નીકળું અને જે કોઈ ઓળખીતું મળે તેમની સાથે ચા પી લેવાનો મોકો છોડતો નથી.’ હરીશભાઈએ કહ્યું,

‘દોસ્ત ,જયારે ચા પીવાનું મન થાય ત્યારે મારા ઘરે આવી જજે અથવા મને બોલાવી લેજે..’ થોડી વાતો કરી ફરી મળવાનું નક્કી કરી તેઓ છૂટા પડ્યા. હરીશભાઈ ઘરે ગયા.રોજ કરતાં આજે ઘણું મોડું થયું એટલે દીકરાએ પૂછ્યું, ‘કેમ પપ્પા વાર લાગી? કોઈ મળ્યું હતું રસ્તામાં?’ હરીશભાઈએ કહ્યું, ‘હા, જુનો પાડોશી મિત્ર મળી ગયો હતો તેની સાથે ચા પીવા ઊભો રહ્યો એટલે વાર લાગી.’ આ સાંભળી તેમનાં પત્ની ગુસ્સે થઇ ગયાં, ‘રાત્રે કોઈ ચા પીએ ..હવે જલ્દી ઊંઘ નહિ આવે …પેટમાં બળતરા થશે…તમારું ખરું છે કોઈએ ચા નું પૂછ્યું નથી અને તમે હા પાડી નથી.આ કંઈ સમય છે ચા પીવાનો.ચા ના સમયે બે કપ પીઓ જ છો ત્યારે થોડી હું ના પાડું છું.’

હરીશભાઈ બોલ્યા, ‘અરે શાંત થા, આમ ગુસ્સો ન કર.હું કોઈ ચા પીવાનું કહે તો ક્યારેય ના પાડતો નથી તેની પાછળ એક કારણ છે.કોઈ કહે કે એક કપ ચા થઈ જાય એટલે તેનો અર્થ છે કે તે તમારી સાથે સમય વિતાવવા માંગે છે.આ ચા નો ગરમાગરમ કપ માત્ર ચા જ નથી તે તાજગીની સાથે સાથે એકમેકની સંગાથે વીતાવતો સારો સમય છે. અડધી અડધી ચા થઈ જાય એમ કોઈ કહે ત્યારે માત્ર ચા જ બે જણ વચ્ચે વહેંચાતી નથી, સાથે વહેંચાય છે મનની વાતો અને જૂની યાદો.સાથે ઠલવાય છે દિલની ખુશીઓ અને અંતરમાં છુપાવેલાં છાનાં દુઃખ.કયારેક કહેવાઈ જાય છે મનને મૂંઝવતી પરેશાનીઓ. એટલે મને કોઈ ચા માટે કહે તો  કયારેય કોઈને ના નથી પાડતો શું ખબર કોઈને કંઇક વહેંચવું હોય.કંઇક કહેવું હોય, સમજી.’ હરીશભાઈએ પત્નીને પોતાની ચા વિશેની ફિલસુફી સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top