SURAT

મહિલા દર્દીની ભળતી નસ કાપનાર સરથાણાના ડોક્ટર વિરુદ્ધ સપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ

સુરત(Surat): ગુજરાતમાં (Gujarat) ભાગ્યે જ તબીબો (Doctors) સામે સપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ થતો હોય છે. સુરતમાં એપેન્ડિક્સથી (Appendix) પીડાતી મહિલાના ઓપરેશન ગુનાહિત બેદરકારી દાખવનાર તબીબને જેલના (Jail) સળિયા ગણવાના દિવસો આવ્યા છે.

  • સરથાણા જકાતનાકાની આનંદ સર્જીકલ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ઘટના બની હતી
  • એપેન્ડિક્સના ઓપરેશન વખતે ડો.નિતેશ સાવલિયાએ ભળતી નસ કાપી નાંખતા 1.2 લિટર લોહી વહી જતાં મહિલાનું મોત થયું હતું
  • મેડિકલ બોર્ડે તબીબ સામે ગુનો દાખલ કરવા પોલીસને આદેશ આપ્યો

આ મામલે સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ભરતભાઇ માણસુરભાઇ જોગડા દ્વારા ડો.નિતેષકુમાર પરષોત્તમદાસ સાવલિયા (ઉં.વ.૩૬) (ઠે.,આનંદ સર્જીકલ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલ, રોયલ આર્કેડ, ત્રીજો માળ, સરથાણા, જકાતનાકા પાસે, સુરત) (રહે.,ઘર નં.બી/૨૦૧, સિલ્વરનેસ્ટ રેસિડેન્સી, સિલ્વર ચોક પાસે, યોગીચોક, સરથાણા, સુરત, મૂળ વતન-બગદાણા, તા.મહુવા, જિ.ભાવનગર) સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ કિસ્સામાં સરથાણા પોલીસને ગુનાહિત બેદરકારી હોવાની ફરિયાદ મળતાં આ કિસ્સામાં પેનલ તબીબ દ્વારા મરનાર મહિલા પ્રિયંકાબેન વિવેક અણઘણનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રિયંકાબેનને એપેન્ડિક્સ હતું. તેમાં ડો.નિતેષકુમારે એપેન્ડિક્સની બાજુમાં આવેલી લોહીની નસ કાપી નાંખી હતી. આ નસમાંથી 1.2 લીટર લોહી વહી ગયું હતું. જેના કારણે પ્રિયંકાબેનના શરીરમાં લોહી જામી જતાં તેઓ કોમામાં સરકી ગયાં હતાં. ત્યાર બાદ પ્રિયંકા અણઘણનું ઓપરેશન ટેબલ પર જ મોત નિપજ્યું હતું.

પોલીસે કેવી રીતે ગુનો દાખલ કર્યો
આ ફરિયાદ પોલીસ ચોપડે 25 જુલાઈ-2022ના રોજ મરનારના સગા સંબંધીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમાં સવારના સવા દસ વાગ્યે આ ઘટના બનતાં એપેન્ડિક્સથી પીડિત પ્રિયંકાબેનનું મોત નિપજ્યું હતું. સરથાણા પોલીસે આ મહિલાનું પેનલ પીએમ કરાવ્યું હતું. તેમાં ચાર તબીબોના રિપોર્ટ લેવામાં આવ્યા હતા. બાદ ફોરેન્સિક રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં પણ બેદરકારીના પુરાવા હોવાની નોંધ લેવામાં આવી હતી.

મેડિકલ બોર્ડે રિપોર્ટમાં લખ્યું: ડો.નિતેષની બેદરકારી અક્ષમ્ય છે
આ રિપોર્ટ સુરત મેડિકલ બોર્ડમાં જતાં તેમાં નોંધ લેવામાં આવી હતી કે, મરનાર મહિલા પ્રિયંકાબેનનું મોત કુદરતી નથી, પરંતુ તબીબ નિતેષ સાવલિયાની બેદરકારીને કારણે આ મોત નિપજ્યું છે. સુરત મેડિકલ બોર્ડનો આ રિપોર્ટ આવતાં પીએસઆઇ જોગડાએ જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન સુરતમાં છેલ્લાં પાંચ વર્ષમાં આ રીતે ગુનાહિત બેદરકારીમાં દાખલ થયેલા ગણતરીના કેસોમાં આ વધુ એક કેસનો ઉમેરો થયો છે.

Most Popular

To Top