SURAT

‘ગદ્દારી કેમ કરી?’ AAPના કાર્યકરોએ રસ્તામાં ઉભા રાખી સવાલ પૂછતાં ભૂપત ભાયાણી ભાગ્યા, વીડિયો વાયરલ

સુરત(Surat): થોડા દિવસ અગાઉ શહેરમાં બીઆરટીએસ બસ દ્વારા વાહનચાલકોને અડફેટે લેવાની ઘટના બન્યા બાદ આમ આદમી પાર્ટીએ અહીંના કતારગામ વિસ્તારમાં ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. અકસ્માતોની ઘટનાઓ પર અંકુશ લાવવા આપના (AAP) કાર્યકરો રસ્તે ઉતરી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પ્રયાસ કરી રહ્યાં છે. આ ઝૂંબેશ દરમિયાન ભૂપત ભાયાણી (BhupatBhayani) આપના કાર્યકરોની અડફેટે ચઢી ગયા હતા.

આપના કાર્યકરો રસ્તામાં ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરવા માટે પ્રયાસ કરવા સાથે વીડિયો બનાવી રહ્યાં હતાં ત્યારે ભૂપત ભાયાણી અહીં પહોંચ્યા હતા ત્યારે આપના કાર્યકરોએ લાઈવ વીડિયોમાં ભૂપત ભાયાણીને રસ્તાની વચ્ચે ઉભા રાખી તીખા સવાલો કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સુરત મનપાના પૂર્વ વિપક્ષના નેતા અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા બાદ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. આપના કાર્યકરો રસ્તામાં ટ્રાફિક જાગૃતિની ઝૂંબેશ ચલાવી રહ્યાં હતાં ત્યારે ભૂપત ભાયાણી કોઈ કામસર ત્યાં પહોંચ્યા ત્યારે આપના કાર્યકરોએ રસ્તા વચ્ચે ભૂપત ભાયાણીને રોકી તીખા સવાલો કર્યા હતા.

આપના પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ પૂછ્યું હતું કે, તમને આપ પાર્ટીએ ટીકિટ આપી, પ્રજાએ મતો આપી તમને ચૂંટ્યા તો તમે ગદ્દારી કેમ કરી? તમે આપ પક્ષ કેમ છોડી દીધો? આવા તીખા સવાલો રસ્તા વચ્ચે પૂછવામાં આવતા ભૂપત ભાયાણી ભોંઠા પડી ગયા હતા. તેઓ કોઈ જવાબ આપી શક્યા નહોતા અને ત્યાંથી ચૂપચાપ ચાલતી પકડી હતી.

ખરેખર બન્યું એવું હતું કે, આપના કાર્યકરો ટ્રાફિક ઝૂંબેશ ચલાવી રહ્યાં હતાં. ત્યારે ધર્મેશ ભંડેરી અભિયાનનો વીડિયો ઉતારતા એ દરમિયાન ભાયાણી સામેથી ચાલતા આવી ગયા હતાં. ધર્મેશ ભંડેરીએ આ તકનો લાભ ઉઠાવતા લાઈવ વીડિયો દરમિયાન જ ભૂપત ભાયાણીને રસ્તા વચ્ચે ઉભા રાખી આપ સાથે છેડો ફાડવાનું કારણ પૂછી લીધું હતું. ત્યારે ભાયાણીએ અનેક કારણો હોવાનો ટૂંકો જવાબ આપ્યો હતો. ગદ્દારી કરવા પાછળ અને પોતે જ ટિકિટ માટે ભલામણ કરી હોવાથી પોતાને સાચો જવાબ આપવા માટે કહેવાયું ત્યારે ભાયાણીએ કંઈ જ જવાબ આપ્યા વિના ત્યાંથી ચાલતી પકડી લીધી હતી.

Most Popular

To Top