બીઆરટીએસ વિશે નવે નામથી વિચારવાની જરૂર છે. મહાનગરપાલિકાએ બેજવાબદારી સાથે તેને ચલાવવાની જવાબદારી લીધી છે. બેજવાબદારી એ રીતની કે તેઓ ઇજારદારોને બસ ચલાવવાનું સોંપે છે. ઇજારદારો પોતાનો નફો જુએ તે તો ખરું, પણ તેઓ કેવા ડ્રાઇવર, કેવા કંડકટર રાખે તેનાં ધોરણ નથી હોતાં એટલે બીઆરટીએસ બસો બેફામ બની છે. તેના માટે અલગ ટ્રેક બનાવાયા છે તે પણ પેલા ડ્રાઇવરોને બેફામ બનવા ઉશ્કેરે છે. બીઆરટીએસ ટ્રેક પૂર્ણપણે તો નથી બનાવાયા. સામાન્ય નાગરિક પણ વચ્ચે વચ્ચે તેને ક્રોસ કરે છે એટલે અકસ્માતની શકયતા વધી જાય છે. આ અલગ ટ્રેક જ કાઢી નાંખવા જેવા છે. જેથી ડ્રાઇવરો થોડા નિયંત્રિત રહેશે. વળી ઇજારદારો પોતાની રીતે ડ્રાઇવર કંડકટર પસંદ કરે તેમાં તો જે આવે તેને લેશે. અત્યાર સુધીમાં બીઆરટીએસ વડે અનેકનાં મૃત્યુ થયાં તેમાં કયા ડ્રાઇવરોને મોટી સજા થઇ? મહાનગરપાલિકાએ આખી વ્યવસ્થા નવી રીતે વિચારવાની જરૂર છે. તેમણે ડ્રાઇવર-કંડકટરના કાયદેસર પગારમાંથી છૂટી જવું છે એટલે ગમે તેવા બેજવાબદાર ડ્રાઇવરોને હવાલે લોકોની જિંદગી ન સોંપી શકાય.
સુરત – હરેન્દ્ર ર. ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અસલી-નકલીમાં લોકો કોની પર ભરોસો કરે?
આખા સરકારી તંત્ર પર લોકોનો ભરોસો નથી રહ્યો. તેઓ ભ્રષ્ટ છે અને ખાયકીથી જ કામો ચાલે છે તે જગજાહેર છે. સરકાર ખોટા દાવાઓ ન કરે કે અમે ભ્રષ્ટાચાર ચલાવી નથી લેતા. હા, અનેક ભ્રષ્ટાચારીઓ પકડાય છે તે એક સારી વાત છે પણ તેનાથી ભ્રષ્ટાચાર અટકી ગયો છે એવું ય નથી. વળી હમણાં મોટું દૂષણ નકલી પોલીસથી માંડી નકલી સરકારી કાર્યાલયોનું છે. હમણાં સુરતમાં નકલી ટેલિફોન એકસચેન્જ પકડાયું. આ તો બહુ જ ભયાનક ગણાવું જોઇએ. કયારેક થાય કે આપણે બારણે અસલી પોલીસ આવે અને આપણે તેને નકલી માની લાફો ઠોકી દઇએ તો સજા થવી જોઇએ? સરકારે તકેદારી રાખવી જોઇએ. લોકો જો નકલી વડે છેતરાતા હોય તો વાંક કોનો? અને આવતી કાલે અસલી પર ભરોસો ન કરશે તો વાંક કોનો?
બારડોલી – ચેતન સનમુખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.