સુરત(Surat): ગુજરાત (Gujarat) સહિત દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર કોરોના (Corona) વાયરસ ફેલાતા ભય વ્યાપી ગયો છે. દેશનું આરોગ્ય તંત્ર એલર્ટ (Alert) થયું છે. ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટના કેસો ઝડપથી વધી રહ્યાં હોય રાજ્યનું આરોગ્ય તંત્ર પણ સક્રિય થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 36 કેસ નોંધાયા છે. દેશના અન્ય 7 રાજ્યો મળી કુલ 8 રાજ્યોમાં 109 કેસ નોંધાયા છે. સુરતમાં પણ મોટી સંખ્યામાં બહારથી લોકોની અવરજવર રહેતી હોય સુરતનું આરોગ્ય તંત્ર પણ સચેત બન્યું છે.
સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યુ છે અને સુરતમાં બહારગામથી આવતા લોકોના RTPCR ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. શરૂઆતના તબક્કામાં શહેરની ચેક પોસ્ટ અને રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન પર આવતા લોકો પૈકી 50 લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવશે. જો આવશ્યકતા જણાશે તો ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે. હાલના તબક્કે તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે અને કોરોનાના સંભવિત ખતરા સામે તંત્રને સાબદું કરવામાં આવ્યુ છે.
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય તંત્રએ આગોતરાં પગલાં લેતા કોરોના ટેસ્ટિંગ માટેની શરૂઆત કરી દીધી છે. ઋતુ જન્ય શરદી, ખાંસી, ઉધરસની તકલીફ ધરાવતા દર્દીઓના કોરોના ટેસ્ટ કરવા તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે. પાલ, અમરોલી, ભાઠેના અને કતારગામ વિસ્તારમાં સુરત મનપાના આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટ શરૂ કરાયા છે. ખાસ કરીને બહારના રાજ્યો કે વિદેશમાંથી આવતા લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
સુરત મનપાના આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર રોજના 50 કરતા વધુ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. શહેરની તમામ હોસ્પિટલોને કોરોના સામે લડવા સજ્જ કરવા સૂચના અપાઈ છે. અત્યાર સુધી સુરતમાં કોરોનાના નવા વેરિએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા સાવધાની દાખવવામાં આવી રહી છે.