સુરત: શહેરના સચિન વિસ્તારમાં ગેસ બ્લાસ્ટની વધુ એક દુર્ઘટના બની છે. ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા પરિવાર આગની ઝપેટમાં આવી ગયો હતો. આ દુર્ઘટનામાં પિતા, પુત્ર દાઝી ગયા છે. ઈજાગ્રસ્તોને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના વતની અને લાંબા સમયથી સચિન વિસ્તારમાં આવેલા પુષ્કરનગરમાં રહેતા યુપીવાસી પરિવારના ઘરમાં ગેસ બોટલ ફાટી છે. અહીં પરિવાર સાથે રહેતાં 50 વર્ષીય દેશરાજ છોટેલાલ પાસવાન દીકરા રાજકુમાર સાથે રહેતા હતા. પરિવારના અન્ય સભ્યો વતનમાં રહે છે. બંને પિતા પુત્ર એમ્બ્રોઈડરીના કારખાનામાં હેલ્પર તરીકે કામ કરે છે.
દરમિયાન આજે બુધવારે તા. 27 ડિસેમ્બરની વહેલી સવારે રસોઈ બનાવવા માટે ગેસ સળગાવ્યો ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો. જેથી પિતા ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે નજીકમાં સૂતેલો પુત્ર પણ દાઝી ગયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઘરના દરવાજા પણ ઉખડી દૂર ફેંકાઈ ગયા હતા. બારીઓ પણ તુટી ગઈ હતી. બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી, જેમાં ઘરનો સામાન, કપડા વિગેરે બળી ગયા હતા.
બ્લાસ્ટના જોરદાર અવાજના પગલે આસપાડોશના લોકો દોડી આવ્યા હતા. ડરના માર્યા તેઓ ફફડી ઉઠ્યા હતા. 108ની મદદથી ઈજાગ્રસ્ત પિતા પુત્રને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બંનેની હાલત નાજુક છે. હાલ તબીબો સારવાર કરી રહ્યાં છે.