Charchapatra

અન્ય શાળાઓ પણ આવું કરી શકે

સુરત જિલ્લાના એક ઉદ્યોગોથી ધમધમતા ગામ, જેને નગર પણ કહી શકાય, શહેર પણ, ત્યાંની આ વાત છે. આ સ્થળે એક શૈક્ષણિક સંસ્થા વર્ષો જુની એક ઉચ્ચતર માધ્યમીક ધોરણોની શાળા ચલાવે છે. આ શાળાનું એક પ્રેરણાદાયી ઉદાહરણ આજે એક વ્હોટ્સ એપ પર વાંચવા મળ્યું. આ શાળાનો એક વિદ્યાર્થી નામે રાહુલ (નામ બદલ્યું છે) ધો.10 પછી પોતાની અત્યંત કારમી આર્થિક દશાને કારણે ધો.11માં કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માંગતો હતો. પરંતુ શાળા સંચાલકોને તેની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીની જાણ જાણ હતી, એટલે રાહુલને પુછ્યું કે તે સાયન્સમાં કેમ જવા માંગતો નથી.

ત્યારે રાહુલે એના ઘરની પરિસ્થીતી જણાવી. એના પિતાશ્રી ઘણો વખત પહેલા અવસાન પામ્યા હતા અને એની માતા બે ઘરનું કામ કરી બીલકુલ ક્ષુલ્લક રકમ કમાતી હતી. બે ઘરે જ્યાં કામ કરવામાં આવતું ત્યાંથી જે ખાવાનું આવતું તે જ તેઓ ત્રણ જણ વ્હેંચીને ખાતા અને રાત્રે કોઈ ખાવાની વાત જ ન્હોતી. શળાના સંચાલકશ્રીએ રાહુલને જણાવ્યું કે તેમની સંસ્થા તેની ફી અને બધો ખર્ચો ભોગવશે. અને તે જ શાળાના બધા સાયન્સના ગુરુજનોએ તેને ટ્યુશન પણ વિનામુલ્યે આપવાનું કહ્યું. આ રાહતને કારણે ધો.12 સાયન્સમાં તે ઘણા સારા માર્ક સાથે ઉતીર્ણ થયો.

હવે તેને મેડિકલમાં જવાની ઈચ્છા હતી પણ એની માતાએ શાળાને જણાવ્યું કે તેઓને તે ખર્ચ પોષાય તેમ નથી, માટે રાહુલને બીએસસી, જ કરવા દો, પણ સંસ્થાના સંચાલકશ્રીએ હામ ભીડી અને એમ.બી.બી.એસ. સુધીનો ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી. રાહુલ એમ.બી.બી.એસ. સારા માર્કે પાસ થયો. અને પાલેજની પી.એચ.સી.માં શરૂઆતના રૂ.51,000/-ના પગારની નોકરી મળી.

છ મહિના પછી આજે તે ફ્લેટમાં રહેતો થયો, તેની માતાને અને બહેનને બે ટાઈમ ખાતા કરી શક્યો હમણાં તે એમડીનો અભ્યાસ ચેસ્ટ સ્પેશીયાલીષ્ટ તરીકે કરી રહ્યો છે. સૌથી આનંદની વાત એ છે કે મેડિકલમાં અભ્યાસ કરવા માટેના ફોર્મમાં વાલી તરીકે શાળાના સંચાલકશ્રીએ સહી કરી અને સરનામું પણ સંસ્થાનું જ આપ્યું. આ શાળાને તેના ગુરુજનોને અને સંચાલકશ્રીને પ્રણામ રાહુલને તેની ઉચ્ચતમ કારકિર્દી માટે શુભેચ્છા. અન્ય શાળાના ગુરુજનો અને સંચાલક મંડળો આ દાખલો નોંધે અને જરૂર હોય ત્યાં અનુકરણ કરે. અસ્તુ!
સુરત     – રાજેન્દ્ર કર્ણિક- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top