સુરત: ઔદ્યોગિક નગરી સુરતમાં (Surat) અવારનવાર આગની (Fire) ઘટનાઓ બની રહી છે. આજે વધુ એક આગજનીની ઘટના શહેરમાં બની છે. પાંડેસરા જીઆઈડીસીમાં (PandesaraGIDC) આવેલી એક ડાઈંગ મિલમાં (Dyeing Mill) આજે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી.
- પાંડેસરાની મિલમાં આગ
- ગ્રે કાપડ અને મશીનો બળી ગયા
- ફાયર બ્રિગેડે આગ ઓલવી
આજે સવારે પાંડેસરા જીઆઈડીસીની રાણીસતી ડાઈંગ મિલમાં (Ranisati Dyeing Mill) આગ લાગી હતી. આગનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ આગના લીધે અફરાતફરી મચી ગઈ હતી. રાણી સતી મિલમાં આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. જેના કારણે આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ચાર ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ઘટના સ્થળે ભેસ્તાન, ડીંડોલી, માન દરવાજા અને મજુરા ફાયર વિભાગનો કાફ્લો ઘટના સ્થળે પહોચ્યો હતો.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા જીઆઈડીસીમાં રાણીસતી ડાઈંગ મિલ આવેલી છે. દરમિયાન આજે સવારે 11:45 વાગ્યાના સુમારે મિલના પહેલા માળે ફિઝિંગ મશીનમાં આગ ફાટી નીકળી હતી. મશીનની આસપાસ ગ્રે કાપડના રોલ્સ રાખવામાં આવ્યા હતા, જેમાં આગ લાગી હતી. જેના કારણે થોડીવારમાં આગ વિકરાળ બની હતી. આગની ઘટના બાદ અંદર કામ કરતા કારીગરો ભયભીત થઈ ગયા હતા. તેઓ પોતાનો જીવ બચાવવા મિલની બહાર ભાગવા લાગતા સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી.
ઘટનાની માહિતી મળતાં માન દરવાજા, ભેસ્તાન, મજુરાગેટ અને ડિંડોલી ફાયર સ્ટેશનના ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. થોડી જ વારમાં તે ઓલવાઈ ગઈ હતી અને સમગ્ર ઘટના કાબુમાં આવી ગઈ હતી. આગના કારણે ગ્રે કાપડના રોલ સહિતનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. કોઈ જાનહાનિના સમાચાર નથી.