Editorial

દેશની લાગણી ભારતને ગોલ્ડ અપાવનારા કુસ્તીબાજો સાથે છે તે ભાજપે સમજી લેવાનો સમય છે

છેલ્લા 11 મહિનાથી વિવાદોમાં ઘેરાયેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની નવી બોડીને રવિવારે 24 ડિસેમ્બરે ખેલ મંત્રાલયે સસ્પેન્ડ કરી દીધી હતી. ખેલ મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ને રેસલિંગ ફેડરેશનની બાબતોનું સંચાલન કરવા માટે એડહોક કમિટી બનાવવા જણાવ્યું છે. WFIની ચૂંટણી 3 દિવસ પહેલાં 21મી ડિસેમ્બરે યોજાઈ હતી, જેમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ નવા પ્રમુખ બન્યા હતા.

નવા પ્રમુખની જીત બાદ WFI એ 28 ડિસેમ્બરથી ઉત્તર પ્રદેશના ગોંડામાં જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટ યોજવાની જાહેરાત કરી હતી. ગોંડા ભાજપના સાંસદ બ્રિજ ભૂષણનો સંસદીય ક્ષેત્ર છે. રેસલર્સે બ્રિજ ભૂષણ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. નવી WFI ટીમ સામે રમતગમત મંત્રાલયની કાર્યવાહી પાછળ આ કારણ હોવાનું માનવામાં આવે છે. ખેલ મંત્રાલયના આ નિર્ણય પર સાક્ષી મલિકની માતા કૃષ્ણા મલિકે ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું- મારી પુત્રી કુસ્તીમાંથી સંન્યાસ લેવાના નિર્ણય પર પુનર્વિચાર કરશે.

આ સિવાય કુસ્તીબાજ બજરંગ પુનિયા, જેમણે વડાપ્રધાનના ઘરની બહાર ફૂટપાથ પર પદ્મશ્રી મૂક્યો હતો, તેણે પણ સન્માન પાછું લેવાનો ઇનકાર કરી દીધો છે. બજરંગે કહ્યું કે હું પદ્મશ્રી પાછો નહીં લઉં, ન્યાય મળ્યા પછી જ આ વિશે વિચારીશ. ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે બ્રિજ ભૂષણના નજીકના મિત્રની જીતના વિરોધમાં કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ પદ્મશ્રી પરત કર્યો હતો. ગૂંગા પહેલવાને પણ પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી હતી. જ્યારે બ્રિજ ભૂષણ પ્રમુખ હતા ત્યારે સંજય સિંહ WFIની અગાઉની સંસ્થામાં સંયુક્ત સચિવ હતા. ચૂંટણીમાં કોમનવેલ્થ ચેમ્પિયન અનિતા સિંહ શિયોરાનને હરાવીને સંજય સિંહ નવા પ્રમુખ બન્યા હતા.

સંજયની જીત બાદ બ્રિજ ભૂષણના પુત્રએ કહ્યું હતું કે, દબદબા તો હૈ, દબદબા તો રહેગા. કુસ્તી સંઘના ભંગ બાદ પૂર્વ પહેલવાન સાક્ષી મલિકની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, સરકાર સાથે કોઈ લડાઈ નથી. લડાઈ માત્ર એથલેટ્સ માટે હતી. મને બાળકોની ચિંતા છે, અમારી લડાઈ મહિલા પહેલવાનો માટે છે. મેં સંન્યાસની જાહેરાત કરી દીધી છે પરંતુ હું ઈચ્છું છું કે, આવનારા પહેલવાનોને ન્યાય મળે. સંન્યાસના નિર્ણય અંગે સાક્ષીએ કહ્યું કે, જે નવું સંઘ બનશે તેના હિસાબથી નિર્ણય અંગે જણાવીશ. સાક્ષી મલિકે કહ્યું કે, આ પહેલવાનોના સારા ભવિષ્ય માટે થયું છે. અમે તો કહેતા આવી રહ્યા છીએ કે બહેન-દીકરીઓની લડાઈ છે.

આ પહેલું પગલું છે. હું તેનું સમર્થન કરું છું. અમે તો મહિલા અધ્યક્ષની માંગ કરી રહ્યા છીએ, જેથી બાળકીઓ સુરક્ષિત રહે. જ્યારે સાક્ષીને સવાલ કરાયો કે સંજય સિંહ સરકાર વિરૂદ્ધ કોર્ટમાં જઈ શકે છે. જેના પર તેમણે કહ્યું કે, મેં હજુ સુધી રિપોર્ટ નથી જોયો અને હું પોતાની ટીમ સાથે વાત કર્યા બાદ તેના પર ટિપ્પણી કરીશ. મેં હજુ સુધી લેખિતમાં કંઈ પણ નથી જોયું. મને નથી ખબર કે માત્ર સંજય સિંહને સસ્પેન્ડ કરાયા છે કે આખા સંઘને સસ્પેન્ડ કરી દેવાયું છે. બીજી તરફ ભાજપ સાંસદ અને WFIના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહે કહ્યું કે, કુશ્તી મહાસંઘ સાથે મારે કોઈ લેવા-દેવા નથી. સંજય સિંહ માત્ર મારા સારા મિત્ર છે.

મહત્વનું છે કે, WFIના નવનિયુક્ત અધ્યક્ષ સંજય સિંહને ભાજપના સાંસદ બૃજભૂષણ સિંહના નજીકના માનવામાં આવે છે. જણાવી દઈએ કે, હાલમાં થયેલી ભારતીય કુશ્તી સંઘ (WFI)ની ચૂંટણીઓમાં બૃજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહે ચૂંટણી જીતી છે. તેમણે પહેલવાન અનીતા શ્યોરાણને માત આપી છે. સંજય સિંહના ચૂંટણી જીતવા પર પહેલવાનોએ વિરોધ દર્શાવ્યો અને સાક્ષી મલિકે કુશ્તીથી સંન્યાસનું એલાન કરી દીધું. ત્યારબાદ બજરંગ પૂનિયાએ પોતાનો પદ્મશ્રી પરત કરી દીધો. કેટલાક બીજા પહેલવાનોએ પણ આને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ હવે રવિવારે રમત મંત્રાલયે આ મામલે સંજ્ઞાન લેતા કુશ્તી સંઘને સસ્પેન્ડ કરી દીધું છે.

જો કે, આ બાબતે ભાજપે પહેલા જ જાગી જવાની જરૂર હતી. જે લોકો ધરણા ઉપર બેઠા હતાં તે રમતવીરો કોઇ પક્ષના નથી કે નથી કોઇ ચૂંટણી લડવાના મૂડમાં હતાં. આ તો એવા લોકો હતાં કે જેમણે સમગ્ર દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે. કુસ્તીમાં ગોલ્ડ અપાવી અપાવીને ભારતીયોનું માથું તેમણે ગર્વથી ઊંચુ કરી દીધું હતું. એપ્રિલ મહિનામાં તેઓ ધરણા ઉપર બેઠા હતા ત્યારે જ ભાજપે બ્રુજભૂષણ સામે પગલા લેવાની જરૂર હતી જો કે એ વાત અલગ છે કે હજુ પણ તેની સામે પક્ષે કોઇ સંતોષકારક પગલાં લીધા નથી. તે સમયે કુસ્તીબાજો ફરી એક વખત વિરોધપ્રદર્શન શરૂ કર્યા બાદ ભારતના રમતગમત મંત્રાલયે સ્વીકાર્યું છે કે ભારતીય કુસ્તીનું સંચાલન કરતા ફેડરેશનમાં માળખાગત ક્ષતિઓ છે.

અનેક મહિલા કુસ્તીબાજોએ તેમના વિરુદ્ધ જાતીય સતામણી અને ધાકધમકીઓના આરોપણ સહિત પોલીસને ફરિયાદ કરી હોવા છતાં પોલીસે કોઈ કેસ નોંધ્યો ન હતો. આ વિરોધને પણ એક વર્ષ થવા આવ્યું છે 18 જાન્યુઆરી, 2023ના રોજ મહિલા કુસ્તી ચૅમ્પિયન વિનેશ ફોગાટ જ્યારે દિલ્હીના જંતરમંતર ખાતે ધરણાં પર બેસ્યાં ત્યારે સમગ્ર ખેલજગતમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. તેમની સાથે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવાં ઑલમ્પિક મેડાલિસ્ટ્સ પણ ધરણાં પર બેઠાં હતાં. આ લોકોએ ભારતીય કુસ્તીસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ પર ઓછામાં ઓછી દસ મહિલા કુસ્તીબાજો પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો.

આ આરોપ જ ખૂબ જ ગંભીર હતો. જો તે સમયે જ ભાજપે આકરા પગલાં લીધા હોત તો તે તેના જ ફાયદામાં હતું. કારણ કે, સાચુ કોણ છે અને કોણ નથી તે ખબર નથી પરંતુ એટલી તો ખબર છે કે, સમગ્ર દેશની લાગણી રમતવીરો સાથે છે. ભારત એવો દેશ છે કે, સેના અને સેનાના જવાન અહીંના લોકો માટે સૌથી વધુ સન્માનીય હોય છે. ત્યાર પછી બીજો નંબર રમતવીરોનો આવે છે. ફિલ્મ સ્ટારોનો ચાહક વર્ગ મોટો હોય છે પરંતુ રમતવીરો માટે દેશના લોકો લાગણી ધરાવે છે. એટલે આ વાત અરીસા જેવી સ્પષ્ટ છે કે હાલમાં સમગ્ર દેશની લાગણી કુસ્તીબાજો સાથે છે. આગામી લોકસભાની ચૂંટણી હવે નજીકના સમયમાં છે અને નાનામાં નાનો મુદ્દો પણ આ ચૂંટણી ઉપર અસર કરે તેમ હોવાથી ભાજપે હાલમાં જ સમજી લેવાનો સમય છે અને કુસ્તીબાજોને સન્માનપૂર્વક ફરીથી રમતના મેદાનમાં ઉતારી દેવાની જરૂર છે કારણ કે તેમના માટે તો કુસ્તી જ જીંદગી છે.

Most Popular

To Top