Charchapatra

ગાંધી નહેરુની ભૂલો ચગાવવી યોગ્ય નથી

કહેવાય છે કે ભૂલો પણ એની જ થાય છે, જે કામ કરે છે. વર્તમાનમાં ભૂતકાળ થઈ ગયેલાં આપણાં રાષ્ટ્રીય આગેવાનોને કોઈક ને કોઈક બહાને વગોવતા રહેવાની એક પ્રથા થઈ પડી છે.  માત્ર રાજકીય લાભ ખાટવા આવી ગંદી રાજનીતિ થઈ રહી છે. ખાસ કરીને નેહરૂજી અને ગાંધીજીની ભૂલોને ચગાવાય છે. નવી પેઢીના માનસમાં તેમના અંગે વિષ રેડાઈ રહ્યું છે ત્યારે ‘બહુશ્રુત’માં ચિરંતના ભટ્ટે નેહરૂજીનાં કામો બાબતે યથાર્થ રજૂઆત કરી ભાવિ પેઢીને નેહરૂજીના સાચુકલાં કામો સમજાવી તેમણે રાષ્ટ્રની આઝાદી પછીના તુરંતના સમયમાં જે કપરી રાષ્ટ્રસેવા બજાવી હતી તે સમજાવવાનું સુંદર કામ કર્યું છે. આઝાદી સમયના કપરા કાળમાં આપણા મહાન નેતાઓ વચ્ચે કેટલાંક રાષ્ટ્રીય કામો અંગે મતભેદો થવા સ્વાભાવિક કહેવાય. મતભેદોને તેમના મનભેદોમાં ખપાવી એકને મહાન અને કોઈકને નીચા દેખાડવાની વૃત્તિ કેટલી યોગ્ય? એમ કરનારા પોતાના હિતાર્થે ભાવિ પેઢીને ખોટો ઈતિહાસ પઢાવી રહ્યા છે. સાચો ઈતિહાસ ભાવિ પેઢી સમક્ષ રજૂ કરવાનું કામ ‘ગુજરાતમિત્ર’ અને ચિરંતના ભટ્ટે કર્યું છે. તે બદલ તેમને અભિનંદન.
નવસારી           – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

દયાળુ ચોર
ગુ.મિ.માં સમાચાર છે કે ‘મંદિરોની દાન પેટીઓમાંથી ચોરી કરી ફૂટપાથનાં ગરીબોમાં વહેંચતો હતો.’ આ સમાચાર ચોરોના સમાચારથી એકદમ અલાયદા વાંચ્યા. આ સુધી જાતનો ચોર નવાઇ ઉપજાવે એવો છે. બીજા ચોરો ચોરી કરી તે રકમ પોતાના એશઆરામ આ જુગાર રમવામાં જ વાપરતા હોય છે. આ ચોર પણ એશઆરામ અને જુગાર તો રમે જ છે પરંતુ ગરીબ ભિખારીઓને પણ આપે છે. એવું લાગે છે કે આ ચોર ગરીબાઇમાં ઉછર્યો હશે યા મિત્રોની સોબતમાં જુગાર રમતો અને એશઆરામ કરતાં શીખ્યો હશે. જુગાર રમવો ચોરી કરી એશઆરામ કરવો એ એનાં ઘરનાં સંસ્કાર હોઇ શકે છે યા મિત્રો એવા મળ્યા હશે કે તેને ચોરીની આદત અને જુગાર રમવાની આદત પડી હોય. સવાલ એ છે કે દિલના એક ખૂણામાં દયા ભાવનાના ગુણોને વિકસાવવા શું કરવું જોઇએ.

સાધુસંતો આમાં કાંઇ કરી શકે એમ નથી કારણ પોતે જ દાન પર નભતા હોય છે. આમાં સમાજસેવકો ઘણો ભાગ ભજવી શકે છે. આવી વ્યકિતને સુધારવા સમાજસેવકો એનાં માતાપિતાને મળી એનામાં પડેલા કુસંસ્કાર સુધારવાના ઉપાયો કરી શકે છે. આજકાલ જો કે સુધારાના પવનમાં જેલમાં કેદીઓને કમાવાની તક પૂરી પાડવા ઘણાં કામો લેવાય છે. એમાંથી જે રકમ મળે છે તે કેદીઓનાં ખાતામાં જમા થાય છે અને ઘણાં કેદીઓ આ સંસ્કારોથી સુધરીને બહાર સમાજમાં આવ્યા છે. તેવા દાખલાઓ પણ છે. સરકારે જો કે ભીખ માંગવાના ધંધાને ગુનામાં લઇ ભીખ માંગતાં લોકોને ઓછાં કર્યાં છે. પરંતુ નાબૂદ નથી કર્યાં. સરકારનાં આ પગલાનાં વખાણ થવાં જોઇએ. તેમણે આવા ચોરોને સુધારી એનામાં રહેલા સારા ગુણોને વિકસાવવા જોઇએ એવો ઘણાંનો મત છે. સમાજસેવકો વિચારે.
સુરત     – ડો.કે.ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top