Dakshin Gujarat

ઉમરગામમાં પતિએ બીમાર પત્ની અને માનસિક બીમાર પુત્રીને બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધી, બંનેના મોત

ઉમરગામ: (Umargam) પત્ની અને પુત્રીને સંજાણ હુમરણ બ્રિજ (Bridge) પરથી નદીમાં (River) ફેંકી પોતે પણ નદીમાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરનાર આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ ઉમરગામ પોલીસે હાથ ધરી છે.

  • ઉમરગામમાં બીમાર પત્ની અને માનસિક બીમાર પુત્રીને નદીમાં ફેંકી ઘાતકી હત્યા
  • પત્નીને ખેંચની બીમારી અને પુત્રી માનસિક રીતે મંદબુદ્ધિની હોવાથી ત્રાસ્યો હતો, બંનેને સંજાણ હુમરણ બ્રિજ પર જઈ નદીમાં ધકેલી દીધા
  • તરતાં આવડતું હતું, બચાવવા કુદ્યો પણ પત્ની-પુત્રીને બચાવ્યા નહીં, પોતે બચી ગયો
  • બિહારી શખ્સે અકસ્માતની સ્ટોરી બનાવી પોલીસને ગોળ ગોળ ફેરવી, અંતે હત્યાનું કબૂલ્યું

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ઉમરગામ ગાંધીવાડી હરિઘામ દામા રેસીડેન્સીમાં રહેતા મૂળ બિહારના વિજય કમેન્દ્રા પાંડે (ઉ.વ.45)ની, ઉમરગામ પોલીસે તેની પત્ની અને પુત્રીની હત્યાના સંદર્ભમાં ધરપકડ કરી છે. બુધવારે ઉમરગામ તાલુકાના સંજાણ હુમરણ બ્રિજ પરથી નદીના પાણીમાં વિજય પાંડે, તેમની પત્ની ગાયત્રીદેવી (ઉ.વ.40) તથા 11 વર્ષની દીકરી કોઈ રીતે પડ્યા હતાં. જે પૈકી વિજય પાંડેને સ્થાનિકોએ બચાવી લીધો હતો અને તેમની પત્ની-પુત્રીનાં ડુબી જતાં મોત નીપજ્યા હતાં.

ઉમરગામ પોલીસે બચી ગયેલા વિજય પાંડેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે ઉમરગામથી પત્ની-પુત્રી સાથે બાઇક ઉપર હુમરણ શિવમંદિરે પહોંચી દર્શન કરીને ત્યાંથી સંજાણ હુમરણ બ્રિજ ઉપર પહોંચ્યા હતાં. પત્ની ગાયત્રીદેવી અને 11 વર્ષની પુત્રી પાણીમાં પડી જતા, તેમને બચાવવા નદીમાં વિજય પાંડે પોતે પણ નદીમાં કૂદી પડ્યો હતો. તેમ છતાં તે પુત્રી અને પત્નીને બચાવી શક્યો ન હતો. દોડી આવેલા લોકોએ તેને બચાવીને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. વિજય પાંડેએ શરૂઆતમાં પોલીસને સતત ગોળ ગોળ ફેરવી આવી સ્ટોરી જણાવી હતી.

જો કે આ ઘટનાને લઈને પોલીસને શરૂઆતથી જ બચી ગયેલા વિજય પાંડે ઉપર શંકા હતી. ઘટના અકસ્માત છે કે આપઘાત કે પછી હત્યા કરવામાં આવી તેવી તમામ આશંકાઓ વચ્ચે ખરેખર શું બન્યું તે જાણવા ઉમરગામ પોલીસ મથકના પીઆઇ વી.ડી. મોરીએ વિજય પાંડેની સઘન પૂછપરછ કરી હતી અને વિજય પાંડે ભાંગી પડતાં આખરે સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉંચકાયો હતો. વિજય પાંડેએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે તેની પત્નીને ખેંચની બીમારી હતી તથા પુત્રી માનસિક રીતે મંદબુદ્ધિની હોવાથી તે બંનેથી કંટાળી ગયો હતો. જેથી પત્ની અને પુત્રીને ફેરવવાના બહાને બહાર લઈ ગયો અને નદીમાં ફેંકી દીધી હતી. પોતે પણ આત્મહત્યા કરવાના ઈરાદા સાથે નદીના પાણીમાં કૂદી પડ્યો હતો. જો કે તેને થોડું તરતા આવડતું હોય અને આજુબાજુમાંથી લોકોએ પણ દોડી આવી તેને બચાવી લીધો હતો. વિજય પાંડે વિરુદ્ધ પત્ની અને પુત્રીની હત્યાનો ગુનો નોંધી ઉમરગામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top