વ્યારા: (Vyara) કુકરમુંડાના રાજપુર ગામે નિશાળ ફળિયામાં રહેતા કાંતીલાલ વળવીના ઘરની (House) પાસે ખુલ્લી જગ્યા બાબતે થયેલી બોલાચાલી દરમિયાન પાડોશીએ (Neighbor) ચપ્પુ વડે હુમલો કરતાં દંપતી અને તેમના પિતા-પુત્ર સહિત ચાર જણા ઘવાયા હતા. ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે નંદુરબાર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે હુમલાખોર પિતા-પુત્ર અભિમન્યુભાઇ રૂમાભાઈ વળવી, રૂમાભાઇ નીમજીભાઇ વળવી (બંને રહે., રાજપુર ગામ, નિશાળ ફળિયું, તા.કુકરમુંડા) વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- કુકરમુંડામાં પડોશીએ ચપ્પુ વડે હુમલો કરતાં દંપતી સહિત ચાર ઘવાયા
- રાજપુર ગામે ખુલ્લી જગ્યા બાબતે બબાલ થઈ હતી
કુકરમુંડાના રાજપુર ગામનો નિશાળ ફળિયામાં રહેતો અભિમન્યુ રૂમાભાઈ વળવી તેના પાડોશમાં રહેતા કાંતીલાલ સાથે અવારનવાર ઝઘડો કરતો હોવાથી તેમણે ગત તા.૧૯/૧૨/૨૦૨૩ના રોજ સમાધાન માટે પંચ ભેગા કર્યું હતું, તેમાં પણ તેની સાથે અભિમન્યુએ ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ તા.૨૦/૧૨/૨૦૨૩ના રોજ ફરીથી પંચ ભેગું થવાનું હોવાથી સવારે સાડા સાતેક વાગે કાંતીલાલના પિતાને તમારા ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યા મને આપી દો કહી ગાળો આપતો હતો. કાંતીલાલના પિતાએ તેને જણાવ્યું કે, ખુલ્લી જગ્યા માટે ઝઘડો કરવાનો નથી કહી સમજાવતાં અભિમન્યુ ગુસ્સે થઈ તેના ઘરમાંથી ચપ્પુ લઈ આવ્યો હતો. કાંતીલાલના પિતા ચંપકલાલ ગરજીભાઈ વળવીને પીઠ, છાતી તથા માથામાં ચપ્પુનો ઘા મારી દીધો હતો. જેથી ચંપકલાલને લોહી નીકળતાં બેભાન થઈ જમીન પર પડી ગયા હતા.
કાંતીલાલ પોતાના પિતાને બચાવવા દોડી જતાં અભિમન્યુએ ચપ્પુ કાંતીલાલને પણ જમણા હાથમાં મારી દીધું હતું. રૂમાભાઇ વળવીએ પોતાના હાથમાંના લાકડા વડે ફરીને માથામાં સપાટો મારી ઈજા પહોંચાડી હતી. કાંતીલાલની પત્ની લક્ષ્મીબેન છોડાવવા દોડી આવતાં તેમને પણ પેટના ભાગે ચપ્પુ મારવા જતાં લક્ષ્મીબેને ડાબા હાથથી ચપ્પુ પકડી લેતાં ડાબા હાથે તથા ડાબા કાંડા ઉપર ઇજા થઇ હતી. કાંતીલાલનો દીકરો ચંદુભાઈ છોડાવવા જતાં તેને પણ ડાબા હાથમાં ચપ્પુ મારી દીધું હતું. જેને ખાનગી વાહનમાં બેસાડી પ્રથમ કુકરમુંડા સરકારી દવાખાનામાં સારવાર કરી ચંપકલાલને ગંભીર ઈજા થતાં તેમને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં નંદુરબાર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.