Charchapatra

મને સરકાર તરફથી સહાય મળે તો આર્થિક સંકટમાં રાહત થાય

છે ચર્ચાપત્ર, પણ મારી અંગત વાત જણાવું છું. જે તંત્ર માટે છે અને ચર્ચા માટે તો છે જ. મને સરકાર તરફથી 2000 રૂા. પ્રમાણે હપ્તાવાર વર્ષે છ હજાર રૂપિયા મળતા હતા. છેલ્લા એક વર્ષથી મને મળતા હપ્તા બંધ છે. હું અત્રેની પંચાયતમાં ફોર્મ ભરવા ગઇ ત્યાં મારી આંગળાની પ્રિન્ટ બરાબર નથી એમ કહી ફોર્મ રદ કર્યું. ત્યાંથી કહ્યું તમારી સહાય રદ છે. હું 94 વર્ષની ઉંમર ધરાવું છું. કેન્દ્ર સરકારે શનિવારે સ્પષ્ટતા કરી હતી કે ફિંગર પ્રિન્ટ ન હોવાની સ્થિતિમાં આંખના સ્કેનિંગથી પણ ચાલે. હું મારા ઘરમાં એકલી છું. મારી કેર ટેઇકર મારી એક દીકરી છે. મારો દીકરો 14-15 વર્ષ પર પ્રભુને પ્યારો થઇ ગયો હતો. આ સંજોગોમાં મને સરકાર તરફથી સહાય મળે તો આર્થિક સંકટમાં રાહત થાય.
વેલાછા  – ડાહીબેન રા. ચૌહાણ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સુરત હીરાની મૂરત
હીરાબાનો હીરો સત્તરમીએ સુરત આવશે અને એક અનોખા રત્નકલાકારની જેમ સુરતની ચમક વૈશ્વિક આકાશમાં ફેલાવશે. ૧૯૬૦ ના વર્ષમાં સુરતમાં હીરાની માંડ બે – ત્રણ ઘંટી હતી  અને માલ પણ મુંબઈથી આવતો. હવે સુરતમાં ડાયમંડ બુર્સનું વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે ઉદ્ઘાટન થાય છે અને સુરતનું એરપોર્ટ સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય બને છે ત્યારે એમ લાગે છે કે સુરત હવે તેની ચમક દ્વારા આકાશમાં સૂર્ય અને ચંદ્રનું સ્થાન લેશે! આઝાદીનાં 75 વર્ષ પછી સુરતને તેનું મળવા પાત્ર સ્થાન મળી રહ્યું છે.

સુરતના બંદરે એક કાળે ચોર્યાસી બંદરના વાવટા ફરકતા હતા. સુરતનો વિકાસ આ ઝડપે ચાલુ રહેશે તો સુરત એરપોર્ટ પર ચોર્યાસી  દેશોના પાસપોર્ટધારીઓનાં ટોળાં દેખાશે એવું ભવિષ્ય દેખાય છે.’મોદી હૈ તો મુમકીન હૈ’ એવું બોલનારાઓનાં મોંમાં ઘી- સાકર, પણ મોદીના રાજમાં સુરતનો વિકાસ ઝડપી બન્યો એ હકીકત છે. બાકી સુરતમાંથી ચૂંટાઈને સંસદમાં ગયેલા કોંગ્રેસના ટટ્ટુઓ નહેરુ અને ઈન્દિરાની ચમચાગીરીમાંથી ઊંચા આવતા ન હતા. તેમાં આપણા વડીલ મોરારજી દેસાઈ પણ હતા. કારણ કે તેમણે સુરતને કરવેરામાં રહેંસવામાં બહાદુરી બતાવી હતી.

સુરતના વિકાસની કે લાભની વાત આવે ત્યારે સુરતના મતદારોના ટેકાથી જ વડા પ્રધાન બનેલા મોરારજી દેસાઈ છણકો કરતા ,: ‘હું માત્ર સુરતનો જ નહીં આખા દેશનો વડા પ્રધાન છું.’! સુરતને પછાત રાખવામાં મોરારજી  દેસાઈનો બહુ મોટો ફાળો છે. હજી હયાત રહેલા મોરારજીભક્તો પણ આ વાતનો સ્વીકાર કરશે. પ્રગતિ કોને કહેવાય!? એ વાત સુરતને કાશીરામ રાણાના સંસદસભ્યપદ દરમિયાન ખબર પડી. હવે એક જમાનામાં ઓટલા પર થતો હીરાનો ધંધો હવે ડાયમંડ બુર્સમાં શરૂ થાય છે અને આપણો એરપોર્ટ પણ ઇન્ટરનેશનલ બને છે ત્યારે હવે સુરત માત્ર સોનાની મુરત જ નહીં હીરાની મુરત પણ કહેવાશે.
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top