સુરત: છેલ્લાં કેટલાંય સમયથી હાર્ટ એટેકથી મોતના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થયો છે. નાની ઉંમરમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતા સરકાર પણ ચિંતામાં મુકાઈ છે અને શાળાના શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવાનું શરૂ કરાયું છે, ત્યારે આજે સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકના લીધે ઊંઘમાં જ મૃત્યુ થયાનો બનાવ બન્યો છે.
- સુરતમાં હાર્ટ એટેકથી યુવકનું ઊંઘમાં જ મોત
46 વર્ષીય યુવકને સવારે દીકરીએ જગાડ્યા પણ જાગ્યા નહી - એમ્બ્યુલન્સને ફોન કરતાં એટેકથી મોત થયાનું કહેવાયું
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા 46 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના લીધે મોત થયું છે. સવારે દીકરી યુવકને જગાડવા પ્રયત્ન કર્યો હતો પરંતુ યુવક જાગ્યો જ નહોતો. ત્યારે પરિવારજનોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ લઈ ગયા હતા. તબીબોએ યુવકને મૃત ઘોષિત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
વધુમાં મળતી માહિતી મુજબ 46 વર્ષીય ગજાનન અસરું સાનપને રાત્રે ઊંઘી ગયા બાદ સવારે જાગ્યો જ નહોતો. સવારે દીકરીએ તેને જગાડવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તે જાગ્યો જ નહોતો. તેની પત્ની ચંદા સાનપનેએ કહ્યું કે, હું ડ્યૂટી પર ગઈ હતી. ઘરે આવી ત્યારે દરવાજો ખુલતો નહોતો. ત્યાર બાદ મારી દીકરીએ દરવાજો ખોલ્યો હતો. ત્યારે તેઓ ઊંઘતા હતા. દીકરીએ જગાડવા પ્રયાસ કરતા તે નહીં જાગ્યા તેથી એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ લઈ ગયા હતા.
હોસ્પિટલના સ્ટાફે તેમને મૃત જાહેર કર્યા હતા. અડધો કલાક પહેલાં જ મોત થયાનું તબીબોએ કહ્યું હતું. હાર્ટ એટેકથી ઊંઘમાં જ મોત થયાની આશંકા તબીબોએ વ્યક્ત કરી હતી. પોસ્ટમોર્ટમ બાદ સાચું કારણ જાણી શકાશે.