Gujarat

ગુજકેટની તારીખમાં ફેરફાર, 2 એપ્રિલના બદલે આ તારીખે યોજાશે

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET- 2024)ની પરીક્ષાના (Exam) કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા વિભાગના નિયામક એમ.કે.રાવલે જણાવ્યું હતું કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ડિગ્રી ઇજનેરી, ડિગ્રી- ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનાર ગુજકેટ- 2024ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ પરીક્ષા 2જી એપ્રિલને 2024ના રોજ લેવામાં આવનાર હતી, પરંતુ આ તારીખે સીબીએસઈ બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટ 2024ની પરીક્ષા 2જી એપ્રિલ 2024ના બદલે તા. 31 માર્ચ 2024ને રવિવારના રોજ લેવામાં આવશે.

અગાઉ તલાટીની પરીક્ષાને લઇને મોટો નિર્ણય લેવાયો હતો
ગાંધીનગર (Gandhinagar): રાજ્યમાં તલાટીની પરીક્ષામાં ઉમેદવારી નોંધાવવા માટેની શૈક્ષણિક લાયકાતમાં મોટો ફેરફાર થયો છે. હવે રાજ્યમાં ધો. 12મું પાસ વિદ્યાર્થીઓ તલાટીની પરીક્ષા આપી શકશે નહીં. આ પરીક્ષા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન કરી દેવાઈ છે.

તેનો અર્થ એ થયો કે હવે રાજ્યમાં ભવિષ્યમાં યોજાનારી તલાટીની પરીક્ષામાં ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો જ ઉમેદવારી નોંધાવી શકશે અને હવે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ તલાટી કમ મંત્રી બની શકશે. આ નિર્ણયની જાહેરાત આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે. આ અગાઉ ધો. 12 પાસ ઉમેદવારો તલાટીની પરીક્ષા આપી શકતા હતા પરંતુ આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે શૈક્ષણિક લાયકાત 12 પાસથી બદલીને સ્નાતક કક્ષાની કરી દીધી છે.

જણાવી દઈએ કે હવેથી તલાટી કમ મંત્રીની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવામાં આવશે. જોકે તલાટીની તમામ પોસ્ટ હાલ ભરાઈ ગઈ હોવાને લીધે નજીકના ભવિષ્યમાં પરીક્ષાનું આયોજન થાય તેવું જણાતું નથી.

Most Popular

To Top