વડોદરા: વડોદરાને હેરિટેજનો દરજ્જો મળે તે હેતુથી મહાનગરપાલિકા ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. મેયર દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં પાંચ ધારાસભ્યો, શહેર ભાજપાના હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મ્યુ. કમિશ્નર દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. વડોદરા એ કલાનગરીની સાથે સાથે ઐતિહાસિક નગરી છે. જેને હેરિટેજનો દરજ્જો મળે તે હેતુથી ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં શહેરના પાંચ ધારાસભ્યોના પણ મંતવ્યો લેવામાં આવ્યા હતા. બુધવારે મેયર પિંકી સોની દ્વારા એક ખાસ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં શહેરના પાંચેય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં વડોદરાને નવું શું આપી શકાય અને તેના માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા આ અંગેનું એક પ્રેઝન્ટેશન પણ રજુ કરવામાં આવ્યું હતું જે તમે ઉપસ્થિત હોદ્દેદારોએ નિહાળ્યું હતું. વિકાસના કામોનું ડીપીઆર તૈયાર કરી દેવામાં આવ્યું છે અને આગામી દિવસમાં તે મુખ્યમંત્રી સમક્ષ મુકવામાં આવશે. અને તેઓના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવશે. વડોદરા શહેરને વધુ સુંદર અને તેના આકર્ષણોમાં વધારો થાય તેવા પ્રયાસો કરવા અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ તબક્કે ધારાસભ્યોના મંતવ્યો પણ લેવામાં આવ્યા હતા.
આયોજનનું બાળમરણ તો નહિ થઇ જાય ને?
પાલિકા દ્વારા અનેક પ્રોજેક્ટ મુકવામાં આવે છે. અને પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવે છે. નવા મેયર કે નવી સમિતિ આવે એટલે ઉત્સાહ વધી જાય અને વડોદરાની રાતોરાત કાયાપલટ કરવામાં માંથી જાય પરંતુ તેઓના તમામ ખયાલો માત્ર કાગળ ઉપર જ રહી જાય છે. અગાઉ પણ અનેક યોજનાઓ બનાવવામાં આવી હતી અને અમલી કરવાની શરૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ તે બધાનું બાળમરણ થઇ જાય છે. વડોદરાને હેરિટેજનો દરજ્જો મળે તે દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે અને પેઝન્ટેશન પણ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ તે માત્ર કાગળ ઉપર જ સીમિત ન રહી જાય તેમ પ્રજા ઈચ્છી રહી છે.
- શું છે પાલિકાનું આયોજન
- કોર્પોરેશન 80 કરોડના ખર્ચે રાજમહેલની સામે ડાયમંડ જ્યુબિલિ સેન્ટર ખાતે આર્ટિસન સેન્ટર બનાવશે
- કોર્પોરેશન બ્લુ ગ્રીન ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ બનાવશે, જેમાં સેવાસી ભાયલી કેનાલ રોડ પર લોકોને મનોરંજન મળે તે માટે 30 કરોડના ખર્ચે રીક્રીએશનલ પાર્ક બનશે
- ન્યાયમંદિર અને લાલકોર્ટનો 90 કરોડના ખર્ચે વિકાસ કરશે કોર્પોરેશન
- કોર્પોરેશન અને વુડા અંકોડિયાથી ચાપડ સુધી 500 કરોડના ખર્ચે 16 કિલોમિટરનો રિંગરોડ બનાવાશે
- વિશ્વામિત્રી નદીમાં પુરને રોકવા આજવાથી જામ્બુઆ નદી સુધી એક ચેનલ તૈયાર કરાશે