Editorial

સંસદમાં પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદવાની ઘટનાએ સંસદની સલામતીના લીરેલીરા ઉડાડી દીધા છે

લોકશાહીનું મંદિર ગણાતી દેશની સંસદ કે જેમાં જેમના માથે દેશનું સંચાલન કરવાની જવાબદારી છે તેવા સાંસદો બેસતા હોય અને તે સંસદમાં જો બે યુવાનો ઘુસીને પ્રેક્ષક ગેલેરીમાંથી કૂદીને સાંસદોની બેન્ચ પર આવી જાય તો તે દેશ માટે ભારે શરમજનક ઘટના છે. જ્યાં સલામતીની સર્વોચ્ચ વ્યવસ્થા હોય તેવી સંસદમાં આ રીતે સ્મોક સ્પ્રે છાંટવામાં આવે તો આતંકવાદીઓ પણ આવી રીતે સંસદમાં ઘૂસી જાય તો નવાઈ નહીં હોય.

જેણે આખા દેશને હચમચાવી મૂક્યો તેવી આ ઘટના બુધવારે બની હતી. બુધવારે સંસદ ભવન પર હુમલાની 22મી વરસી હતી. સંસદની કાર્યવાહી ચાલી રહી હતી અને અચાનક બે લોકો સંસદની પ્રેક્ષક ગેલેરીમાંથી અંદર કૂદ્યા. આ બંનેએ પોતાના બુટમાં કશુંક છુપાવ્યું હતું. આ સ્મોક સ્પ્રેને કારણે અચાનક ધૂમાડો નીકળવા માંડ્યો. આ બંનેને પહેલા સાંસદોએ ઘેરી લીધા અને બાદમાં સુરક્ષાકર્મીઓએ બંનેને પકડી લીધા. સંસદની અંદર બે પકડાયા અને સંસદની બહાર પણ દેખાવો કરવામાં આવ્યા.

સંસદની અંદર અને બહાર બનેલી આ બંને ઘટનાઓએ સંસદની સલામતી સામે અનેક પ્રશ્નો ઉભા કરી દીધા છે. અગાઉ 2001માં સંસદ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે  પણ સંસદની સુરક્ષામાં છીંડા બહાર આવ્યા હતા અને હવે ફરી સંસદની સુરક્ષામાં રહેલા છીંડા ઉજાગર થઈ ગયા છે. સંસદની અંદર અને બહાર દેખાવો કરનારા કોણ હતા અને તે શા માટે આવ્યા હતા તેની ચોક્કસ તપાસ ચાલી રહી છે.

તેઓ કયા સાંસદની ભલામણના આધારે પ્રેક્ષક ગેલેરીમાં આવ્યા તેની પણ તપાસ ચાલી રહી છે પરંતુ આ તપાસની સમાંતર એ તપાસ પણ કરવાની જરૂરીયાત છે કે તેઓ સંસદમાં સ્મોક સ્પ્રે લઈને ઘૂસ્યા કેવી રીતે? સામાન્ય રીતે સંસદમાં પ્રવેશ માટે સુરક્ષાના અનેક ઘેરા પાર કરવાના રહે છે. સુરક્ષાકર્મીઓ દ્વારા અનેક રીતે લોકોને તપાસીને ત્યારબાદ જ અંદર જવા દેવામાં આવે છે. પરંતુ આ ઘટનામાં કેમ એવી ચૂક થઈ કે આ લોકો સ્મોક સ્પ્રે લઈને અંદર ઘૂસી શક્યા? સ્મોક સ્પ્રેને કારણે આખી સંસદ ધૂમાડો-ધૂમાડો થઈ ગઈ હતી અને તેના વાઈરલ ફોટાએ સંસદની સુરક્ષાના લીરેલીરા ઉડાડી દીધા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાતો બહાર આવી હતી કે જેઓ પકડાયા તેમાં સંસદમાં ઘૂસનારા સાગર શર્મા અને મનોરંજન ડી નામના યુવાનો  હતા. જ્યારે  બહાર દેખાવો કરનારામાં અમોલ શિંદે અને નીલમ નામની યુવતીનો સમાવેશ થતો હતો. પોતાના અંગત પ્રશ્નો પ્રત્યે ધ્યાન ખેંચાય તે માટે તેમણે આ કૃત્ય કર્યું હતું. પરંતુ જે રીતે તેઓ સંસદમાં ઘૂસ્યા તે મોટો ચિંતાનો વિષય છે. સામાન્ય રીતે દેશના વડાપ્રધાનથી માંડીને મંત્રીઓ અને સાંસદો પૈકી મોટાભાગને સિક્યુરિટી ગાર્ડ આપવામાં આવ્યો હોય છે પરંતુ સંસદમાં તેઓ ગાર્ડના ઘેરામાં હોતા નથી.

જ્યારે આ ઘટના બની ત્યારે સંસદમાં ટોચના સાંસદો હાજર હતા. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી, કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને રાહુલ ગાંધી અને અધીર રંજન ચૌધરી સહિત વિપક્ષી નેતાઓનો સમાવેશ થાય છે. આશરે 100થી વધુ સાંસદ ઘટના સમયે ગૃહમાં હાજર હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ગૃહમાં ન હતા કારણ કે તેઓ મુખ્યમંત્રી મોહન યાદવના શપથ ગ્રહણ સમારોહ માટે ભોપાલમાં હતા.

સંસદમાં બનેલી આ ઘટના ભારે ચિંતાજનક છે. વિપક્ષોને સરકાર પર તૂટી પડવાનો નવો મુદ્દો મળી ગયો છે. અગાઉ પણ જ્યારે 2001માં લોકસભા પર હુમલો થયો ત્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર હતી અને હવે જ્યારે બુધવારે ઘટના બની ત્યારે જોગાનુજોગ કેન્દ્રમાં ભાજપની જ સરકાર છે. આ કારણે વિપક્ષોને નવો મસાલો પણ મળી ગયો છે.  જો આવી જ રીતે કોઈ આતંકવાદી હથિયાર લઈને ઘુસી ગયો હોત તો મોટી ખાનાખરાબી થવાની શક્યતા હતી. આ મુદ્દો રાજકીય બનશે જ પરંતુ તેની સાથે સાથે કેન્દ્ર સરકાર માટે એ જવાબદારી બની ગઈ છે કે ભવિષ્યમાં આવી કોઈ જ ઘટના સંસદમાં નહીં બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવે. સંસદની સુરક્ષા એ સરકારની પહેલી જવાબદારી છે. કેન્દ્ર સરકારે આ ધ્યાન રાખવું જ પડશે તે નક્કી છે.

Most Popular

To Top