Charchapatra

ટોલનાકાનું કૌભાંડ

ગુજરાતમાં આખે આખું નવું ટોલનાકું ઊભું થઈ જાય અને કોઇને ગંધ સુધ્ધાં ના આવે એ શકય છે? દોઢ વર્ષથી ખૂબ જ યોજનાબધ્ધ રીતે આ આખુંય કૌભાંડ ચાલતું હતું. એમાં કરોડો રૂપિયા ઉસેટાઇ ગયા અને જેમની  મિલીભગત છે તેમના ખાતામાં જમા થઇ ગયા! વિગતો મુજબ આની ફરિયાદ જવાબદાર ટોલનાકાની એજન્સી દ્વારા સક્ષમ અધિકારીઓને કરાઇ હતી પણ આંખ આડા કાન કરાયા! દુ:ખની વાત તો એ છે કે જે કૌભાંડીઓ છે તે બધા દેશની સર્વોચ્ચ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે! ગુજરાતમાં બધું જ નકલી થાય છે!

યાત્રાધામ અંબાજીના પ્રસાદમાં નકલી ઘી વપરાયું, દવાના નામે નશાયુકત નકલી સીરપ બનાવાયું, નકલી સીએમઓ, પીએમઓ ઓફીસના આઇ કાર્ડ બનાવી ઓળખો અપાઇ! શું આ બધું સાંઠગાંઠ વગર શકય છે? પણ આપણી કમનસીબી એ છે કે દેશનાં મતદારોને પ્રામાણિક, નૈતિક અને નિષ્ઠાવાન નેતાઓ અને સરકારી અધિકારીઓ નથી જોઇતા. એમને માત્ર જોઇએ ધાર્મકિ બાબતોમાં કોઇ બાંધછોડ ના થવી જોઇએ! હવે વિચારો, જયારે જનતાની આવી માનસિકતા હોય ત્યારે નેતાઓ અને સરકારી અધિકારીઓ પાસેથી તમે નિષ્ઠા, કર્તવ્ય અને પ્રામાણિકતાની કેટલી આશા રાખી શકો? દુ:ખ ત્યારે થાય છે જયારે આ બધામાં નૈતિકતા અને પ્રામાણિકતાના ઝંડાઓ લઇ જાહેરમાં નીકળે છે!
સુરત     – ભાર્ગવ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઓટોમોબાઇલ ઉદ્યોગ પર નિયંત્રણ લાવો
દેશના ઓટોમોબાઇલ ઉદ્યોગ-વ્યાપાર પર હવે નિયંત્રણની જરૂર છે. હમણાં એવા આંકડા બહાર પડયા કે નવેમ્બર 2023માં 28.54 લાખ વાહનો વેચાયાં. ગયા વર્ષની તુલનામાં 18.46 ટકા વધુ વાહનો વેચાયાની પણ વિગત છે. ખાનગી વાહનો વધી રહ્યાં છે કારણ કે જાહેર વાહનોની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. સરકાર પોતે જ જાહેર વાહનો વધારવા માંગતી નથી કારણ કે તેમાં તેમના માટે સંચાલનની જવાબદારી આવે છે. બીજી તરફ વાહન ઉદ્યોગ જેટલો મોટો થાય, તેનું વેચાણ વધે તો સરકારને ફાયદો થાય.  સરકાર પોતાના ફાયદા માટે દેશભરમાં વાહનો ખડકી રહી છે. પૂરતા, સારા રસ્તાઓ નથી અને વધતાં વાહનોને કારણે પણ અકસ્માતો વધી રહ્યા છે. પેટ્રોલ ડીઝલના કારણે હવાનું પ્રદૂષણ વધે છે. સરકાર આ બધું વિચારતી નથી. ઓટોમોબાઇલ ઉદ્યોગ પર નિયંત્રણની ખૂબ જરૂર છે.
સુરત    – હરેન્દ્ર રમણલાલ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top