SURAT

‘અમે એક ઈંચ જમીન પણ આપીશું નહીં’, દામકા-વાંસવાના ખેડૂતોએ રેલવે રૂટના સરવેનો વિરોધ કર્યો

સુરત: ગોઠાણ હજીરા વચ્ચે રેલવે ટ્રેક નાંખવા માટે તંત્ર દ્વારા સરવેની કામગીરી શરૂ કરવામાં આવનાર છે, ત્યારે આ રૂટ વાંસવા અને દામકા ગામમાંથી પસાર થવાની શક્યતા હોય ગઈ તા. 5 ડિસેમ્બરના રોજ દામકા કોમ્યુનિટી હોલમાં એક મિટીંગ મળી હતી, જેમાં ગામના ખેડૂતોએ ઓલપાડ પ્રાંત અધિકારીને સરવે માટે જમીન આપવાની સાફ ના પાડી દીધી હતી.

ગત રોજ તારીખ 05.12.23 ના રોજ સાંજે 4:00 કલાકે ગ્રામ પંચાયત દામકા કોમ્યુનિટી હોલ ખાતે ઓલપાડ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ગોઠાણ-હજીરા રેલવે રૂટમાં વાંસવા અને દામકા ગામના રેલવે સંપાદનમાં અસરગ્રસ્ત ખેડૂતો સાથે ઓલપાડ પ્રાંત અધિકારી સાહેબ, રેલવે ના અધિકારી, જમીન સંપાદન અધિકારી સાથે એક જાહેર મિટિંગ રાખવામાં આવી હતી.

આ મિટિંગમાં ઓલપાડ પ્રાંત અધિકારી દ્વારા ગોઠાણ-હજીરા રેલવે ટ્રેકના સર્વે માટે ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તમામ ખેડૂતોએ એક સુરે ઓલપાડ પ્રાંત અધિકારીને સ્પષ્ટ જણાવી દીધું હતું કે ખેડૂતો પોતાની 1 ઇંચ જમીન રેલવે સંપાદન માટે આપવાના નથી. અમારી જમીનની બાજુમાં હજ્જારો હેક્ટર ખારલેન્ડ જમીન ફાજલ પડી છે તો એ જમીનમાં જ સર્વે કરવામાં આવે એવું ખેડૂતો દ્વારા સાફ કહી દેવાયું હતું.

ઓલપાડ પ્રાંત અધિકારી દ્વારા ખેડૂતોને સરકારી અને પ્રાઇવેટ એમ બંન્ને જમીનમાં એક સાથે સર્વે કરવા માટે ખેડૂતો સમક્ષ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો જેનો પણ ખેડૂતોએ વિરોધ કરી સ્પષ્ટ ના પાડી હતી. અસરગ્રસ્ત ખેડૂતોએ ઓલપાડ પ્રાંત અધિકારી સહિત ઉપસ્થિત તમામ આવેલ અધિકારીઓને વાંસવા અને દામકા ગામમાં રેલવે રૂટમાં જે સરકારી જમીન ઉપલબ્ધ છે. એની સ્થળ પર જઈ વાસ્તવિકતાથી વાકેફ કર્યા હતા. જેથી ઓલપાડ પ્રાંત અધિકારીએ હજીરા-ગોઠાણ રેલવે ફરી સર્વે કરવા માટે રેલવેના અધિકારીઓને સૂચન કર્યું હતું અને આ સર્વેમાં હજીરા કાંઠા મંડળીના પ્રમુખ અને ખેડૂત અગ્રણી દિપકભાઇ પટેલ આ વિસ્તારથી વાકેફ હોઈ એમને સાથે રાખીને ફરી સર્વે કરવા માટે જણાવ્યું છે.

Most Popular

To Top