સુરત(Surat) : નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરનારાઓ વિરુદ્ધ છેલ્લાં કેટલાંક સમયથી સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. લારી ગલ્લાના દબાણ દૂર કરવામાં આવી રહ્યાં છે તે જ રીતે ફાયર સેફ્ટીના (Fire Safety) નિયમોનું યોગ્ય રીતે પાલન નહીં કરતા અને પોતાના પ્રિમાઈસીસમાં ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખતા સંસ્થાઓને સીલ મારવામાં આવી રહ્યાં છે. પાલિકાના ફાયર વિભાગના આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અનેક મોલ, ટ્યૂશન ક્લાસીસને સીલ મારી દેવાયા છે. હવે તેમાં અડાજણ આનંદ મહલ રોડ પર સ્થિત ફર્નિચર મોલનો વારો પડ્યો છે.
બુધવારે મધરાત્રે અડાજણ આનંદ મહલ રોડ પર આવેલા ટ્રિનિટી ફર્નિચર શો રૂમને પાલિકાના ફાયર વિભાગે સીલ મારી દીધું હતું. શો રૂમના બેઝમેન્ટમાં ફાયર સેફટી અને વેન્ટિલેશનની કોઈ સુવિધા ન હોવાથી વારંવાર લેખિત અને મૌખિક જાણ કરવામા આવી હોવા છતાં મોલના સંચાલકો દ્વારા આંખ આડા કાન કરાયા હતા. આખરે બુધવારે મધરાત્રે જઈ ફાયર વિભાગના જવાનોએ મોલને સીલ મારી દીધું હતું.
ફાયરના સૂત્રોએ જણાવ્યું હતું કે બેઝમેન્ટમાં વેપાર કરવા માટે ફાયર ક્યારે પરવાનગી નથી આપતું. સર્વે કર્યા બાદ 7 દિવસનો સમય પણ આપ્યો હતો. અનેક વાર ધ્યાન દોર્યા બાદ પણ ટ્રિનિટી ફર્નિચર મોલના સંચાલકે ગંભીરતા દાખવી નહોતી. બે નોટિસ આપ્યા બાદ આખરે સીલ મારી દીધું છે.
બેઝમેન્ટમાં વેપારની પરવાનગી મળે નહીં
ફનીચરનો મોલ હતો. લાકડા અને પ્લાસ્ટિ માંથી બનતી વસ્તુઓ હતી. આ વસ્તુઓ બેઝમેન્ટમાં મુકી હતી. ગાદલા પણ હતા. નાનકડા સ્પાર્કથી પણ આગ લાગવાનો ભય હતો. આવી વસ્તીઓ નું વેચાણ બેઝમેન્ટમાં કરવાથી ક્યારેય મોટી દુર્ઘટના ને નોતરું આપે તેવો ડર રહે છે. આથી ફાયર વિભાગ દ્વારા મોલના સંચાલકને બે વાર નોટિસ આપી હતી. સંચાલકને સમજાવવામાં પણ આવ્યું હતું કે ફાયર સિસ્ટમ લગાડ્યા બાદ પણ ફાયર વિભાગ બેઝમેન્ટમાં ફર્નિચરના વ્યવસાય માટે પરવાનગી નહીં આપી શકે, વારંવાર કહેવા છતાં ફાયરની સલાહને અવગણતા સીલ મારી દેવાયું છે.