નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા (Australia) સામે તાજેતરમાં રમાયેલી ટી20 શ્રેણીમાં (T20) ભારતીય ક્રિકેટ ટીમે (IndianCricketTeam) શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૂર્યકુમાર યાદવના (SuryaKumarYadav) નેતૃત્વમાં ભારતીય ટીમે તે T20 શ્રેણી 4-1થી જીતી હતી. આ જીત સાથે ભારતે T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લઈ લીધો છે. ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ આઈસીસી (ICC) એ પણ T20 રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે.
ભારતીય લેગ સ્પિનર રવિ બિશ્નોઈ (RaviBishnoi) હવે વિશ્વનો નંબર-1 T20 બોલર બની ગયો છે. રવિ બિશ્નોઈએ રાશિદ ખાનને પાછળ ધકેલી દીધો છે. બિશ્નોઈના ટોચ પર પહોંચવાનો અર્થ એ છે કે રાશિદ ખાન આ યાદીમાં બીજા નંબર પર આદિલ રાશિદ અને વાનિન્દુ હસરાંગા સંયુક્તપણે ત્રીજા નંબરે તથા મહેશ તિક્ષિના પાંચમા નંબરનો બેસ્ટ બોલર બન્યા છે. બીજી તરફ ભારતીય સ્પિનર અક્ષર પટેલ પણ 11 સ્થાનની છલાંગ લગાવીને 16માં સ્થાને પહોંચી ગયો છે.
સૂર્યકુમાર યાદવે રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેનનું સ્થાન જાળવી રાખ્યું
બીજી તરફ, સૂર્યકુમાર યાદવ T20માં બેટ્સમેનોની રેન્કિંગમાં નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. રુતુરાજ ગાયકવાડ પણ T20 બેટિંગ રેન્કિંગમાં ટોપ-10માં સામેલ છે. જો કે રૂતુરાજ એક સ્થાન સરકીને સાતમા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ 16 સ્થાન આગળ વધીને 19માં સ્થાને પહોંચી ગયો છે. બીજી તરફ ટી20માં ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં હાર્દિક પંડ્યા ત્રીજા સ્થાને યથાવત છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચમાં પગની ઘૂંટીમાં થયેલી ઈજાને કારણે હાર્દિક ક્રિકેટથી દૂર છે.
રવિ બિશ્નોઈએ ઓસ્ટ્રેલિયા સામેની સિરિઝમાં 9 વિકેટ લીધી
ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની ટી-20 સિરિઝમાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું હતું. યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, રિંકુ સિંહ સહિતના બેટ્સમેન ઝળક્યા હતા. રૂતુરાજ સિરિઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 5 મેચમાં 223 રન બનાવ્યા હતા. ગાયકવાડે ટી20 સિરિઝમાં સદી પણ ફટકારી હતી. બીજી તરફ વિકેટ લેવાના મામલે રવિ બિશ્નોઈ ટોપ પર રહ્યો હતો. બિશ્નોઈએ 5 મેચમાં 8.20ના ઈકોનોમી રેટથી કુલ 9 વિકેટ લીધી હતી. તેને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ તરીકે પસંદ કરવામાં આવ્યો.