સુરત: શહેરમાં લૂંટ (Robbery) અને મર્ડરના (Murder) ઇરાદે ફરતી ગેંગના ઇરાદાઓને સુરત શહેર પોલીસે (Surat police) નિષ્ફળ કર્યા છે. શહેના હિરાબાગ વિસ્તારમાં હથિયારો સાથે યુપીવાસી ગેંગ (Gang) ફરી રહી હતી. જે આંગડીયા પેઢીના માણસને પોતાનો શિકાર બનાવી લૂંટવાની હતી. પરંતુ પોતાના મનસૂબાઓને સફળ બનાવ્યા પહેલા જ આ ગેંગ ઝડપાઇ (Arrest) ગઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચે યુપીની એક ગેંગના 5 સાગરીતોને ઝડપી પાડી તેમના લૂંટના આયોજનને અસફળ બનાવ્યું છે. તેમજ ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ પ્રાથમિક તપાસમાં આરોપીઓ પાસેથી બે પિસ્તોલ અને છરા મળી આવ્યા હતા. સમગ્ર મામલે આરોપીઓએ રેકી કરી વરાછા હીરાબાગ સર્કલ નજીક આંગડિયા પેઢીના માણસને આંતરી લૂંટ ચલાવવાનું આયોજન કર્યું હોવાની કબૂલાત કરી છે. 5 પૈકી કેટલાક આરોપી સામે 15 થી વધુ ગુના નોધાયા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપીઓ લુંટ કરવા માટે ગુનાહિત કાવતરુ ઘડી સૌપ્રથમ વાહન ચોરી કરતા હતા. ત્યાર બાદ તેનો ઉપયોગ જગ્યાની રેકી તથા લુંટ કરવા માટે કરતા હતા. લુંટ કર્યા બાદ આ વાહનને બિનવારસી છોડી ભાગી જતા હતા.
આ આરોપીઓએ આંગડીયાના કર્મચારીઓ દ્વારા પ્રતિકાર કરાય તો લોડેડ પીસ્ટલ વડે ફાયરીંગ કરી હત્યા કરવાનું નક્કી કરાયું હતું. આરોપી આસુ યાદવએ વર્ષ 2018માં અમદાવાદ ગુજરાત વિધ્યાપીઠ આગળ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી હિરા પાર્સલની લુંટ કરી હતી. દરમિયાન કર્મચારીએ પ્રતિકાર કરતા તેના ઉપર ફાયરીંગ કરી તેની હત્યા કરી હતી.
જ્યારે આરોપી સનત ઉર્ફે પિન્ટુ જૈન સાતથી વધુ વાહન ચોરી, ચેઇન સ્નેચીંગ તેમજ લુંટના પાંચથી વધુ ગુનામાં સંડોવાયેલો છે. આ સિવાય તે 45 લાખની આણંદની આંગડીયાની લુંટ તથા 37.50 લાખની કલોલની લુંટના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. આ સાથે જ વર્ષ 2016માં અમદાવાદમાં પ્રાણધાતક હથિયાર સાથે આંગડીયા પેઢીમાં ધાડ કરવાની તૈયારી કરતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને પકડ્યો હતો.
જ્યારે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિશાદને વર્ષ 2018માં આર્મસ એક્ટના કેસમાં તેમજ વર્ષ 2020માં સુરત શહેરમાં વરાછાના માજી કોર્પોરેટર ભરતભાઇ મોનાભાઇ વઘાસીયાની સોપારી લઇ તેના ઉપર ફાયરીંગ કરી હત્યાની કોશીષના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓની વધુ પુછપરછ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, આજથી સાત દિવસ પહેલા ઉત્તર પ્રદેશથી સુરતમાં આવી ઉત્રાણ વિસ્તારમાંથી હોન્ડા યુનિકોર્ન મોટર સાયકલની ચોરી કરી હતી. એટલું જ નહીં પણ આંગડીયા પેઢીના વાહનમાં રોકડા રૂપિયા તથા હિરાના પાર્સલની લુંટ કરવાની તૈયારી સાથે વરાછા હિરાબાગ સર્કલ પાસે ગયા હતા. પરંતુ આંગડીયા પેઢીના રૂપિયા તથા હિરાના પાર્સલ ન આવતા લુંટના ગુનાને અંજામ આપી શકયા ન હતા. ત્યારબાદ ફરી એજ જગ્યા પર ધાડ પાડવાની તૈયારી સાથે એકત્ર થતા પકડાય ગયા હતા. જેમને ગેરકાયદેસર હથિયારો પુરા પાડનાર ઇસમો તથા પડદા પાછળ ગુનાહિત ભૂમિકા ભજવનાર ઇસમોની તપાસ કરી પકડી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓની યાદી
- સનત ઉર્ફે પિન્ટુ સંતોષકુમાર જૈન ઉ.વ.30 રહે.મકાન નં.20, બહરીપુરા, જૈન મંદિર પાસે, લાલપુરા થાના-સીવીલ લાઇન, તા.જિ.ઇટાવા, (ઉત્તરપ્રદેશ)
- આશુ બલરામ યાદવ ઉ.વ.25 રહે.ગામ-કંધરપુર (અકબરપુર), અબ્દુલ્લાપુર દોસ્તપુર રોડ, પોસ્ટ- કલ્હવાકોરા થાના-કોતવાલી અકબરપુર, તા.સહજાદપુર જિ.આંબેડકરનગર (ઉત્તરપ્રદેશ)
- સચીન રવિન્દ્રકુમાર કુશવાહ ઉ.વ.26 રહે. મકાન નં.41, લાલપુરા મહોલ્લો, થાના-કોતવાલી સીવીલ લાઇન, તા.જિ.ઇટાવા, (ઉત્તરપ્રદેશ)
- જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાકેલાલ નિશાદ ઉ.વ.34 રહે. મકાન નં.275, નંદની રો-હાઉસ વિભાગ-૨, રંગોલી ચોકડી-સાયણ રોડ, ગામ-વેલંજા તા.કામરેજ જિ.સુરત મુળ વતન ગામ-જલાલપુર પોસ્ટ-બસારતપુર થાના-સરાઇખાજા તા.સદર જિ.જોનપુર (ઉત્તરપ્રદેશ)
- શુભમ રાજેન્દ્રપ્રસાદ ગુપ્તા ઉ.વ.31 થાના-કોતવાલી અકબરપુર, રહે.ગામ-સહેજાદપુર જિ.આંબેડકર નગર અબ્દુલ્લાપુર દોસ્તપુર રોડ, પોસ્ટ-અકબરપુર (ઉત્તરપ્રદેશ)