SURAT

ગોડાદરામાં ટપોરીઓનો આતંક: બાઈક ધીમી ચલાવવા મુદે ઠપકો આપતા હથિયારો સાથે ઘસી આવ્યા અને..

સુરત: (Surat) ગોડાદરાના પટેલ નગર સોસાયટીમાં (Society) બાઈક (Bike) ધીમી ચલાવવા મુદ્દે ઠપકો આપતા માથાભારે નિક્કી ઉર્ફે જિનકાએ 15 જેટલા સાગરીતો સાથે ઘાતક હથિયારો લઈ સોસાયટીના એક મકાન પર પથ્થરમારો કરતા ત્રણ જણાને ગંભીર ઇજા પહોચી હતી. એટલું જ નહીં પણ સોસાયટીમાં પાર્ક કરેલી એક કાર, બે ઓટો રીક્ષા અને એક બાઇકમાં લાકડાના ફટકા તથા તલવાર વડે તોડફોડ કરી તમામ વાહનોના કાચ તોડી નાખતા મામલો ગરમાયો હતો. જોકે ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવતા ટપોરીઓ ભાગી ગયા હતા.

  • ગોડાદરામાં ટપોરીઓનો આતંક : બાઈક ધીમી ચલાવવા મુદે ઠપકો આપતા હથિયારો સાથે ઘસી આવી તોડફોડ કરી
  • ઠપકો આપનારાના ઘરે પથ્થરમારો કરતા ત્રણને ઇજા : પોલીસ દોડતી થઈ

સનોજ ઉર્ફે ધર્મેન્દ્રકુમાર રામ (પીડિત) એ જણાવ્યું હતું કે તેઓ ગોડાદરાના પટેલ નગર સોસાયટીમાં રહે છે. અને યાદવ પાર્સલ નામ વેપાર સાથે સંકળાયેલા છે. થોડા દિવસ અગાઉ નીકકી ઉર્ફે જિનકા યાદવ (રહે. ગોડાદરા) બાઇક લઇ પુરપાટ જઇ રહ્યો હતો. જેથી તેને ગાડી ધીમે ચલાવવા માટે જણાવ્યું હતું. આ વાતની અદાવત રાખીને નીક્કીએ તેના મિત્રો દેશરાજ યાદવ, વિકાસ યાદવ, સંદીપ પાટીલ, રવિ મંડળ અને બીજા 10 થી વધુ ઇસમો સાથે ઘરે ઘસી આવ્યો હતો.

જ્યાં ટપોરીઓએ ગાળો આપી ઢીકમુક્કીનો ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં તમામે ભેગા મળી ઘર પર પથ્થરમારો કરતા તેમને અને તેમના ભાડુઆત રાજકુમાર યાદવ અને તેના પુત્ર સોનુને પણ મોઢાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ હુમલાખોરોએ જીજે.14.ઇ.1760 નંબરની કાર તથા જીજે.5. બીવાય.5742 નંબરની ઓટો રીક્ષા, જીજે.5.વાય 6191 નંબરની ઓટો રીક્ષા અને જીજે.5.પીઇ.5099 નંબરની બાઇકમાં લાકડાના ફટકા અને તલવાર વડે ભારે નુકસાન કર્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે તમામ વાહનોના કાચ તોડી નાખવા ઉપરાંત કાર અને રિક્ષામાં ભારે તોડફોડ કરી હતી. તેમના ભાઇ રાહુલને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આખરે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે મારામારીનો ગુનો દાખલ કર્યો છે. હાલ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top