નવી દિલ્હી: તમારી પાસે રૂપિયા 2000ની ગુલાબી નોટ હોય તો ચિંતા કરશો નહીં. આ નોટ ચલણમાંથી બંધ થઈ નથી. આજે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂપિયા 2000ની નોટ અંગે એક મહત્ત્વની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકે શુક્રવાર તા. 1 ડિસેમ્બરના રોજ જાહેર કર્યું છે કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર છે અને ભવિષ્યમાં પણ લીગલ ટેન્ડર રહેશે.
ભારતીય રિઝર્વ બેંકે 19 મે 2023ના રોજ જાહેરાત કરી હતી કે રૂ. 2,000ની નોટ ચલણમાંથી બહાર થઈ જશે. આ માટે લોકોને 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. દરમિયાન આજે આરબીઆઈએ જણાવ્યું હતું કે રૂ. 9,760 કરોડની કિંમતની રૂ. 2,000ની નોટો હજુ પણ લોકોમાં ચલણમાં છે. જ્યારે, બેંકિંગ સિસ્ટમમાં 97.26 ટકા નોટ પાછી આવી ગઈ છે.
રિઝર્વ બેંકે ગઈ તા. 19 મે 2023ના રોજ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. સેન્ટ્રલ બેંકનો આ નિર્ણય ડિમોનેટાઇઝેશન સાથે જોડાયેલો હતો અને તેને મિની ડિમોનેટાઇઝેશન પણ કહેવામાં આવતું હતું. 19 મે, 2023ના દિવસે ચલણમાં 2000ની નોટોની કિંમત રૂ. 3.56 લાખ કરોડ હતી. 30 નવેમ્બર 2023 ના રોજ ચલણમાં 2000 રૂપિયાની નોટોની કિંમત માત્ર 9,760 કરોડ રૂપિયા રહી ગઈ છે.
નવેમ્બર 2016માં નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ રજૂ કરી હતી. રિઝર્વ બેંકે 19 મે, 2023 ના રોજ નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. રિઝર્વ બેંકે 2019માં જ 2000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરી દીધું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, 31 માર્ચ, 2018ના રોજ ચલણમાં આવેલી રૂ. 2000ની નોટોનું કુલ મૂલ્ય રૂ. 6.73 લાખ કરોડ હતું અને આ રૂ. 2000ની નોટોના ચલણનું સર્વોચ્ચ સ્તર છે.
રિઝર્વ બેંક દ્વારા 2000 રૂપિયાની નોટોના ચલણને અંકુશમાં લેવાના પ્રયાસો શરૂ થયા હતા. આ કારણોસર, રિઝર્વ બેંકે 2019 પછી 2000 રૂપિયાની નવી નોટ છાપવાનું બંધ કરી દીધું હતું. આખરે આ વર્ષે મે મહિનામાં રિઝર્વ બેંકે તેમને પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. તે સમયે રિઝર્વ બેંકે લોકોને 2000 રૂપિયાની નોટ બદલવા અથવા તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો, જે બાદમાં લંબાવવામાં આવ્યો હતો.
અહીં નોટ બદલી શકાશે
જો તમે હજુ સુધી રૂ. 2,000ની નોટો બદલી નથી, તો તમે RBIની 19 ઓફિસમાં રૂ. 2,000ની બેંક નોટ જમા અને/અથવા બદલી શકો છો. આ ઉપરાંત, તમે બેંક ખાતામાં ક્રેડિટ કરવા માટે કોઈપણ પોસ્ટ ઓફિસ દ્વારા આરબીઆઈની કોઈપણ જારી કરનાર ઓફિસને 2,000 રૂપિયાની બેંક નોટ મોકલી શકો છો.