સુરત: સચિન GIDCની એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મધરાત્રે અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. આગનો મેજર કોલ (Major Call) મળતા શહેરના મોટાભાગના ફાયર સ્ટેશનની (Fire Brigade) ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ સતત પાણીનો મારો ચલાવી સાત કલાકની ભારે મહેનત બાદ આગને કાબુમાં લેવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાત્રિના 2 વાગ્યાની આસપાસ સચિનની એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી જેના પગલે 7 કલાકથી સતત પાણીનો મારો કરાયા બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ હોવાનું સામે આવ્યું નથી. તમામ કામદારોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતાં.
ફાયર ઓફિસર ઓમપ્રકાશ મિશ્રાએ જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રીના 2 વાગ્યાની હોવાનું કહી શકાય છે. કોલ મળતા જ માન દરવાજા, મજુરા, ભેસ્તાન સહિતના ઘણા વિસ્તારની ફાયર ફાઇટર ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ બેકાબુ બની ભડ ભડ બહાર નીકળી રહી હતી. કેમિકલ કંપનીને કારણે આગ ઉગ્ર બની રહી હતી. જેથી પાણીનો મારો સતત ચલાવતા ચલાવતા ફાયર ફાઇટરોએ કંપનીની અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ તમામ મજૂરોને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.
વધુમાં જણાવ્યું હતું કે આગ લગભગ 500 મીટરના વિસ્તારમાં પસરી ગઈ હતી. કેમિકલ ટેન્કમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. જોરદાર ધડાકા બાદ કામદારોમાં ભાગદોડ મચી ગઇ હતી. ઘટના સુરત શહેરની બહાર બની હોવાથી પ્રથમ સચિન GIDC ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો. જોકે આગ કાબુમાં ન આવતા મેજર કોલ બન્યો હતો. જેના પગલે સુરત ફાયરની મદદ લેવામાં આવી હતી.
લગભગ 7 કલાક સુધી ભીષણ આગ પર પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી. તપાસમાં 24 કારીગરો દાઝી ગયા હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં જાણકારી માળી છે. જેમને આસપાસની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમજ સદનસીબે જાન હાની ટળી હોવાનું સામે આવ્યુ છે. હાલ કંપનીમાં આગની પરિસ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ હોવાનું કહી શકાય છે. પરંતુ આ ભીષણ આગમાં કંપની માલિકને ખૂબ મોટું નુકશાન થયું હોવાનું કહી શકાય છે.
બિલિયોનર અશ્વિન દેસાઈની ફેક્ટરી
પ્રાપ્ત માહિતી અનુસાર એથર ઈન્ડસ્ટ્રીઝની માલિકી અશ્વિન દેસાઈની છે. અશ્વિન દેસાઈ સુરતના એક માત્ર એવા બિલિયોનર ઉદ્યોગપતિ છે જેમનું નામ ફોર્બ્સની યાદીમાં સામેલ કરાયું છે.
જીપીસીબીની ચેતવણી છતાં ધ્યાન ન અપાયું અને આગ લાગી
પ્રાપ્ત માહિતી અનુસાર એથર ઈન્ડસ્ટ્રીઝની ખામી અંગે છ મહિના પહેલાં જીપીસીબી દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું. જીપીસીબીએ ફેક્ટરીમાં ઈન્ડસ્ટ્રીયલ સેફટીની મોટી ખામી જણાઈ આવી હતી. જીપીસીબીને છ મહિના પહેલા આ અંગે ધ્યાન દોર્યું હતુ પરંતુ મૂડીપતિઓને ઇશારે આંખે પાટા બાંધી લેવાયા હતા, આખુ માળખુ અનફીટ હતુ છતાં બેરકોટોક ફેકટરી ચલાવતી હતી, જેના લીધે આજની મોટી હોનારત બની છે. ફેક્ટરીમાં બહારથી સિંગલ ઇંટ દિવાલ અને તેની પાછળ ફેબિકેશન શેડ હતો, જે આજની આગજનીમાં આખેઆખો બળી ગયો હતો.