ભરૂચથી ૧૩ કિલોમીટર આવેલું દેરોલ ગામ આજે વિકાસની દિશામાં ખૂબ આગળ વધી ગયું છે. દેશને આઝાદી મળ્યા બાદ આજે અમૃત મહોત્સવ ઉજવણી પણ થઈ ચૂકી છે, ત્યારે ૪ હજારની વસતી ધરાવતી દેરોલ ગ્રામ પંચાયતમાં અપવાદ એકવારને બાદ કરતા ૭૬ વર્ષમાં નિર્વિવાદ ‘સમરસ’ બની છે. હિંદુ-મુસ્લિમ સહિત તમામ સમાજ કોમી એખલાસથી રહે છે. ગામમાં તેમની જમીનને સાચવનારો કોઈ રખો કે પહેરેદાર નથી. વિલાયત GIDCને બિલકુલ અડીને આવેલા દેરોલ ગામમાં અગ્રણીઓના સાથ અને સહકારથી યુવાનો કંપનીમાં નોકરી મેળવી આત્મનિર્ભર બન્યા છે.
દેરોલ ગામની વિશેષતા એ છે કે, કોર્પોરેટ સહિત અન્ય કંપનીઓના દેરોલ ગામ કાર્યક્ષેત્રમાં આવતા CSRના માધ્યમથી વિકાસનાં ઘણાં કામો કરી સુવિધાસજ્જ બની ગયું છે. દેરોલ ગામમાં કોઈ ઠેકાણું એવું ન હોય જ્યાં રોડ કે પેવર બ્લોક ન હોય. ગામમાં પ્રબુદ્ધ બુદ્ધિજીવીઓને કારણે આજે પણ સ્થાનિક કક્ષાએ ન્યાય મળે છે. આ ગામ માટે લોકવાયકા છે કે, ભૂતકાળમાં આ ગામ દરબારનું ગામ હતું. ત્રણ ડાભી ભાઈઓ આવીને વસ્યા હતા. સમયાંતરે તમામ સમાજના લોકો આવીને વસતા થઇ ગયા. આજે આ ગામમાં ૧૦૦ ટકા શૌચાલય અને ૧૦૦ ટકા વિધવા બહેનોને પેન્શન મળે છે. દેરોલ ગામ એ દાંડીયાત્રા રોડને જોડતું ગામ છે.
- ગામનું દર્પણ
- જૂની શરતની ખેતીલાયક જમીન-૭૫૬.૧૭ હેક્ટર
- નવી શરતની જમીન-૩૨.૭૫ હેક્ટર
- ગોચર-૧૨.૪૬ હેક્ટર
- ખેડવાલાયક કુલ જમીન-૯૫૦.૯૭ હેક્ટર
- પોત ખરાબા- ૨.૮૮ હેક્ટર
- ગામતળ-૯.૧૨ હેક્ટર
- ખળી-૧.૪૫ હેક્ટર
- તળાવ-૨.૬૩ હેક્ટર
- નહેરમાં જમીન સંપાદન-૧૦.૨૮ હેક્ટર
- જાહેર અને ખાસ કામે-૧૫.૪૮ હેક્ટર
- ગામનું કુલ ક્ષેત્રફળ-૧૦૯૪.૮૩ હેક્ટર
- કુલ ખાતેદાર-૩૦૩
- કુલ ઘર-૫૬૯
- ગામમાં રહેતાં કુલ કુટુંબ-૬૩૫
- કુલ પશુધન-૫૩૫ (ગૌધન, ભેંસ, ઘેંટાં, બકરાં, ઘોડા અને ગધેડા)
- ગામની કુલ વસતી-૪૦૦૦
- કુલ મતદાર-૧૯૫૧
- દેરોલ ગ્રામ પંચાયતના પદાધિકારી
- સરપંચ-ભીખીબેન અરવિંદભાઈ રાઠોડ
- ડેપ્યુટી સરપંચ-દિલાવરભાઈ એન. મલેક
- સભ્ય-દિલીપભાઈ છોટાલાલ મોદી
- સભ્ય-અમીતાબેન ઠાકોરભાઈ આહીર
- સભ્ય-સદુબેન દોલાતસંગ સિંઘા
- સભ્ય-પૃથ્વીરાજસિંહ પ્રવીણસિંહ ડાભી
- સભ્ય-રીઝવાન પરવેઝહુસેન પટેલ
- સભ્ય-હરિભાઈ મુળજીભાઈ મકવાણા
- સભ્ય-કાંતાબેન એમ. પાટણવાડિયા
- સભ્ય-અશોકભાઈ લક્ષ્મણભાઈ વસાવા
- સભ્ય-તેજલબેન મુકેશભાઈ રાઠોડ
- તલાટી કમ મંત્રી-અસારી ગૌરાંગકુમાર જગદીશભાઈ
સ્વયંભૂ પ્રાચીન ભીમનાથ મહાદેવ મંદિર
દેરોલ ગામની મધ્યમાં લગભગ ૪ વીઘાં જમીનમાં પથરાયેલા પરિસરમાં અતિપ્રાચીન ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે. ભીમનાથ મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ છે. આ મંદિરની દંતકથા એવી છે કે, આ વિસ્તાર હિડંબા વન તરીકે સતયુગમાં ઓળખાતો હતો. પાંડવોને ગુપ્તવાસમાં જવાનો વારો આવ્યો ત્યારે ભીમનાથ આ જગ્યાએ આવીને રહ્યા હતા. જેને લઈ આ જગ્યાએ સ્વયંભૂ શિવલિંગ ભીમનાથ આજે ઓળખાય છે. આજે પણ મહાશિવરાત્રિ, જન્માષ્ટમી સહિતના હિંદુ તહેવારો થાય છે. મંદિર દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ આવતા હોય છે.લગભગ ૪ વીઘાંના પરિસરમાં ચાર દાયકા પહેલાં અરવિંદ ક્રીડાંગણ તરીકે ગામના એક મહાનુભાવે ભૂમિદાન કર્યુ હતું. જો કે, સમયાંતરે આ જમીનમાં ઉત્સવો, ખેલકૂદ સહિતનાં કામ વર્ષ દરમિયાન થાય છે.
- ભીમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી
- ટ્રસ્ટી-હરેન્દ્રસિંહ બાજીબાવા ડાભી
- ટ્રસ્ટી-દોલતસિંહ હિંમતસિંહ પરમાર
- સહાયક-ઘનશ્યામસિંહ રાયસિંહ પરમાર
- સહાયક-રસિકભાઈ પુંજાભાઈ પટેલ
- સહાયક-પ્રવીણસિંહ દલપતસિંહ ડાભી
- પૂજારી-રત્નગિરિ સોમગીરી ગૌસ્વામી
- અરવિંદ સાધના કેન્દ્રના ટ્રસ્ટીગણ
- પ્રમુખશ્રી-રણજીતસિંહ એમ. ડાભી
- કમિટી સભ્ય-ધર્મેન્દ્રસિંહ ખુમાનસિંહ જાદવ
- કમિટી સભ્ય-પ્રવીણસિંહ દલપતસિંહ ડાભી
- કમિટી સભ્ય-અલ્પેશસિંહ દલપતસિંહ રાજ
- કમિટી સભ્ય-હરેન્દ્રસિંહ બાજીબાવા ડાભી
- ગામનાં ધર્મસ્થળ
- ૧) ભીમંઠ મહાદેવ મંદિર
- ૨)વેરાઈ માતા મંદિર
- ૩)ભાથીજી મંદિર
- ૪)ખોડિયાર માતા મંદિર
- ૫)અંબા માતા મંદિર
- ૬)શિકોતેર માતા મંદિર
- ૭)મદ્રેસા-૧
- ૮)મસ્જિદ-૩
- ગામમાં કઈ કઈ સવલત ઉપલબ્ધ છે?
- પ્રાથમિક શાળા દેરોલ-ધો-૧થી ૪
- પ્રાથમિક શાળા દેરોલ-ધો-૫થી ૮
- સાર્વજનિક હાઇસ્કૂલ-૯થી ૧૦
- પોસ્ટ ઓફિસ-૧
- બેંક-૨
ગામમાં કયા જ્ઞાતિની વસતી
રાજપૂત, પટેલ, વોરા પટેલ, મોલેસરામ ગરાસીયા, વસાવા, રાઠોડ, પ્રજાપતિ, આહીર, પંચાલ, પાટણવાડિયા, બ્રાહ્મણ, રાણા, મોદી વગેરે
સાસુ-વહુની કમાલ, દેરોલની ડેરી મંડળી સન્નારીઓના હાથમાં!
ક્યારેય એવું સંભાળ્યું છે કે, એક લીટર દૂધના રૂ.૧૧૪ કિંમત મળે. ત્યારે જવાબ નામાં જ આવે. પણ દેરોલ ગામની સન્નારીઓએ સહકારી મંડળી બનાવી એક પશુપાલકને ફેટ આધારિત એક લીટરના રૂ.૧૧૪નો ભાવ ચૂકવી સહકારીતા ઉજાગર કરી છે. દેરોલમાં મહિલા સંચાલિત શ્રી શક્તિ દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો વહીવટ ‘વિશ્વ મહિલા દિવસ’ ગત ૮મી માર્ચ-૨૦૨૧ના રોજ સંભાળ્યો હતો. એ વખતે બહારથી આવતા દૂધનો ધંધો કરનારા ખાનગી વેપારીઓ દૂધનો ભાવ માંડ ૪૦થી ૫૦ રૂપિયા આપીને વેચાતું લઇ જતા હતા.
આ સ્થિતિમાં પશુપાલકોને દૂધની આવક કરતાં પશુઓની સારસંભાળમાં જ વધુ પૈસાનો ખર્ચ થતો હતો. આથી મહિલાઓએ નિર્ણય કર્યો કે, પશુપાલકોને સારી આવક મળે એ માટે આપણે જ સહકારી ધોરણે દૂધમંડળી ઊભી કરીએ. ને ભરૂચની દૂધધારા ડેરીમાં મોકલ્યે. મહિલાઓની વાતમાં વિશ્વાસ છલકાતો હતો. ૧૧ જવાબદાર મહિલાની ટીમે શ્રી શક્તિ દૂધ ઉત્પાદક સહકારી મંડળી નામે રજિસ્ટ્રેશન કરાવ્યું, જેમાં દેરોલ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો દોર સાસુ-વહુએ સંભાળ્યો. મંડળીના ચેરમેન વીણાબેન પ્રવીણસિંહ ડાભી (સાસુ) અને રોજેરોજ દૂધ લેવાનું સંચાલન સેક્રેટરી ૨૬ વર્ષીય દીક્ષાબેન યુવરાજસિંહ ડાભી (પુત્રવધૂ) સુપેરે કરી રહ્યાં છે.
ખાસ કરીને દૂધમાં ફેટ વધારે આવે તો પશુપાલકને વધારે પૈસા મળે. એ માટે બાજુમાં બિરલા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ડિજિટલ સાધનો આપવામાં આવ્યાં છે, જેમાં કોમ્પ્યુટર, પ્રિન્ટર, કાંટો, ઇન્વેટર અને ફેટ મશીન દૂધમંડળીને અર્પણ કરાયું હતું. જેનાથી ખાસ કરીને શુદ્ધ દૂધ મળે અને નફો વધારે મળે એવું પ્લાનિંગ કરાયું હતું. આજે રોજેરોજ સવાર-સાંજ ૨૦૦ લીટર દૂધ આવે છે. જેને લઈને પશુપાલકોને સારા ભાવો મળતાં તેમના ચહેરા પર આનંદ જોવા મળે છે. દૂધધારા ડેરી દ્વારા છ મહિને ૭૦૦ લીટર દૂધ જે પશુપાલક ભરે એને બોનસ આપવામાં આવે છે, જેમાં આ વખતે દેરોલ દૂધમંડળીમાં ૩૧ સભાસદને રૂ.૬૧,૨૦૯નું બોનસ મળતાં પશુપાલકોએ રાજીપો વ્યક્ત કર્યો હતો. દેરોલ દૂધમંડળીને ગયા વર્ષે ૨૮ હજારની આવક થઈ હતી. સેક્રેટરી દીક્ષાબેન ડાભીએ જણાવ્યું હતું કે, પશુપાલકો દૂધ આપવામાં ન છેતરાય એ માટે ગામના હિતમાં કામ કરીએ છીએ. ભૂતકાળમાં પ્રાઈવેટ વેપારીના દૂષણથી પશુપાલકોને આવક ઓછી આવતી હતી. જે હવે બંધ થઇ ગયું છે.
-> મહિલા સંચાલિત શ્રી શક્તિ દૂધ ઉત્પાદક સહકારીમંડળી દેરોલનાં મહિલા હોદ્દેદારો
ચેરમેન-વીણાબેન પ્રવીણસિંહ ડાભી
વ્યવસ્થાપક કમિટી સભ્ય-શકુંતલાબેન ભગવતભાઈ પટેલ
વ્યવસ્થાપક કમિટી સભ્ય-તારાબેન રસિકભાઈ પટેલ
વ્યવસ્થાપક કમિટી સભ્ય-નસીમબેન ઈલ્યાસભાઈ રાજ
વ્યવસ્થાપક કમિટી સભ્ય-નીતાબેન મહેશભાઈ પટેલ
વ્યવસ્થાપક કમિટી સભ્ય-શીલાબેન સુરેશભાઈ પટેલ
વ્યવસ્થાપક કમિટી સભ્ય-ઉષાબેન મનહરભાઈ આહીર
વ્યવસ્થાપક કમિટી સભ્ય-ઝબીનબેન ઇનાયતભાઈ રાજ
વ્યવસ્થાપક કમિટી સભ્ય-દલીબેન ઉમેદભાઈ આહીર
વ્યવસ્થાપક કમિટી સભ્ય-સુમનબેન ગંભીરસિંહ ડાભી
વ્યવસ્થાપક કમિટી સભ્ય-સમીમબેન ગફુરભાઈ મલેક
સેક્રેટરી-દીક્ષાબેન યુવરાજસિંહ ડાભી
દેરોલ ગામનાં મહિલા સરપંચ ભીખીબેન રાઠોડ
દેરોલ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ ભીખીબેન અરવિંદભાઈ રાઠોડે પોતે સમરસ હેઠળ જવાબદારી નિભાવી છે. વર્ષ-૨૦૨૨માં સરપંચ પદે જવાબદારી નિભાવતા તેમના મનમાં ગામનો વિકાસ થાય એ હેતુ હતો. તેમના વખતમાં પંચાયતમાં શેડ, PHC સેન્ટરમાં સોલાર, RCC રોડ, પેવર બ્લોક, પશુઓ માટે પાણી પીવાનો સમ્પ, પ્રાથમિક શાળામાં બોરિંગ સહિત આવાસોનાં કામો કરવાનો મોકો મળ્યો છે. જે બાબતે સરપંચ ભીખીબેન રાઠોડ કહે છે કે, અમારું ગામ સંપીલું છે. તમામ સમાજના લોકોના સહયોગથી ચૂંટણીની જગ્યાએ સમરસ બને છે. ભવિષ્યમાં પણ દેરોલ ગ્રામ પંચાયત સમરસ બને એવી અમારી ઈચ્છા છે.
જુદી માટીના માનવી એવા અગ્રણી રણજીતસિંહ ડાભી
જેના મોઢામાં સરસ્વતી માતાનો વાસ છે એવા દેરોલના રણજીતસિંહ ડાભીની ઓળખ આપવાની જરૂર નથી. સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે ૪૩ વર્ષથી સંકળાયેલા ૬૨ વર્ષીય રણજીતસિંહ મંગુબાવા ડાભીએ ભૂતકાળમાં સિવિલ એન્જિનિયરનું શિક્ષણ લીધા બાદ મોટી જમીન લઈને નોકરીને જગ્યાએ ખેતીના વ્યવસાયમાં જોડાયા. આજે પણ સચોટ સિદ્ધાંત અને ન્યાય આપવા રણજીતસિંહ ડાભી હંમેશાં તત્પર હોય છે.
ભૂતકાળમાં પરિવારમાં જમીન વધુ પ્રમાણમાં હતી. શિક્ષણમાં પહેલેથી પારંગત અને તેઓ વક્તૃત્વનો શોખ પણ ખરો. નાની વયે પિતાજીનું અવસાન થતાં પરિવારનો બોજ માથે આવ્યો. તેમને ખેતી કરવાનો શોખ ન હતો. છતાં પરિવારને કારણે મજબૂરીમાં ખેતીના વ્યવસાય સાથે જોડાવું પડ્યું. જમીન મોટા પ્રમાણમાં હોવાથી ગણોતધારા ૧૨૦ વીઘાં જમીન સહિત સીલિંગ એક્ટ જમીન ગુમાવવી પડી હતી. જો કે, કેરવાડાના મામા ઉદયસિંહ પરમારે તેમની જમીન બચાવવા ઘણી મદદ કરી હતી.
આજે પણ દેરોલ વિસ્તારમાંથી DFCC, બુલેટ ટ્રેન અને સુપર એક્સપ્રેસ વે ત્યાંથી પસાર થતાં લગભગ ૧૬૩ વીઘાં જમીન સંપાદિત થઇ છે, જેમાં ખાસ કરીને આ પ્રોજેક્ટમાં સુરત અને બાજુમાં વડોદરામાં જમીન સંપાદનના સારા ભાવો મળ્યા, પણ ભરૂચ જિલ્લાને યોગ્ય ભાવ ન મળતાં આ ન્યાયિક લડતમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ ખેડૂતહિતના મુદ્દે રણજીતસિંહ ડાભી પણ સંકળાયેલા છે. સરકારે દેરોલનો ૨૦૧૨માં બૌડામાં સમાવેશ કરતાં શહેર ગણ્યું છે.
દુર્ભાગ્યવશ ૧૧ વર્ષના વહાણા વીતી જવા છતાં આજે એકપણ ઈંટ મુકાઈ નથી અને ૫૦ ટકા વળતર મેળવી લે છે. ત્યારે આવી વિષમતા માટે એક જ માંગ છે કે, અમને અમારું ગામડું જોઈએ. એ માટે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા છે. તેમને પર્યાવરણના જતનની પણ ચિંતા હોવાથી ૨૦૦ જેટલાં વૃક્ષો રોપી તેના સંવર્ધન અને સંવાદ કરવાનો અવસર જતો કરતા નથી. ભવિષ્યમાં પોતાની ૪ વીઘાં જમીનમાં રસાયણિક અને જંતુનાશક વગર ઝેર વગરનું શાકભાજી ઉગાડશે. આજે પણ આ ગામમાં માલધારી માટે ૭૦ ગાયને ઘાસચારો મળે એ માટે તેમની જમીન ઘાસ લાવવા કે ચરવા માટે આપી છે.
ખેતીમાં પણ ગૌ આધારિત ખેતી કરે છે. અગાઉ તેઓ દેરોલ વિભાગ કેળવણીમંડળનાં ૧૦ વર્ષ પ્રમુખ રહ્યા હતા. ઉપરાંત સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા રહ્યા છે. રણજીતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં બધા જ વર્ગોના લોકો રહે છે અને કોમી એખલાસ બેનમૂન છે. આ ગામમાં તમામ રાજકીય પાર્ટીના લોકો છે. છતાં એ સોશિયલ માળખામાં એડ નથી થતાં. અમારા ગામમાં એકબીજા પર વિશ્વાસને લઈ ક્યારેય ખેતી માટે સિક્યુરિટી ગાર્ડ રાખવા નથી પડતા.
જીવનમાં સંઘર્ષ વેઠનારા ડેપ્યુટી સરપંચ દિલાવરભાઈ મલેક
૪૭ વર્ષીય દિલાવરભાઈ નન્નુભાઈ મલેક આજે દેરોલ ગામના ડેપ્યુટી સરપંચ છે. બાળપણમાં ઘરની સ્થિતિ નબળી હોવાથી રિક્ષા સહિત સામાન્ય કામ કરીને જીવન નિભાવવું એ દિલાવરભાઈનો નિત્યક્રમ બની ગયો હતો. સમયાંતરે દિલાવરભાઈ ગૌશાળા માટે ભરૂચ સહિત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતનાં શહેરોમાં ઘાસચારાનાં વ્યવસાયમાં પડ્યા હતા. વર્ષ-૨૦૧૭માં દેરોલ ગ્રામ પંચાયતની ચૂંટણી આવતાં દિલાવરભાઈએ પોતાની સાથે આખી પેનલ બનાવી પહેલી વખત ચૂંટણી લડવાનું નક્કી કર્યુ, જેમાં દિલાવરભાઈ મલેકની આખી પેનલનો ભવ્ય વિજય થયો હતો.
એ વખતે તો ગ્રામજનોને ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી થઇ ન હોવાથી બેલેટ પેપર જોયા ન હોવાથી તેમને અવસર મળ્યો. મત ગણતરીના દિવસે પરિણામ ભૂલીને પ્રતિસ્પર્ધીએ એકબીજાને ગળે લગાવ્યા હતા. વર્ષ-૨૦૧૭થી ૨૦૨૨ સુધીનાં પાંચ વર્ષમાં પેવર બ્લોક, રોડ, ગટર લાઈન, પાણીનું કામ સહિતના લગભગ ૧.૫૦ કરોડનાં કામો કર્યાં છે. બાદ વર્ષ-૨૦૨૨માં ગ્રામ પંચાયતની ચૂંટણી આવતાં દેરોલ ગ્રામજનોએ ભેગા મળી આ વખતે સરપંચ મહિલા સીટ હોવાથી દિલાવરભાઈ મલેકને સપોર્ટ કરી ડેપ્યુટી સરપંચ બનાવ્યા છે.
દેરોલ ગામના યુવાનો હવે રોજગારી મેળવતા થયા છે. ગામમાં કાયમી અને કોન્ટ્રાક્ટ બેઇઝ પર કામ કરતા ૨૦૦થી યુવાનો છે, જેમાં કેટલાકને દિલાવરભાઈ મલેક જાતે જ નોકરી ઓર્ડર અપાવવાના પ્રયત્નમાં સફળ રહ્યા છે. ડેપ્યુટી સરપંચ દિલાવરભાઈ મલેક કહે છે કે, ગામનો કોઈપણ યુવાન શિક્ષિત હોય અને બેરોજગાર હોય એ અમને ન ગમે. માટે જ્યારે પણ કોઈને નોકરીની જરૂરિયાત હોય તો મારું પેટ્રોલ બાળી તેને નોકરી અપાવવા જાઉં છું. ગામમાં રોજગારી મળે એ અમારી જવાબદારી છે. દેરોલ ગામ એ ભરૂચ જિલ્લામાં તમામ ક્ષેત્રે પહેલા નંબરે આવે એ માટે અને ધ્યાન રાખીએ છીએ.
ગામને વિકાસ ધ્યાનકેન્દ્રીત કરનારા અને ૧૦૮ ગણાતી બેલડી
દેરોલ ગામમાં માળખાગત સુવિધાના કામ વખતે અને ગામમાં લોકસેવામાં ૧૦૮ ગણાતા ૪૩ વર્ષીય પ્રવીણસિંહ દલપતસિંહ ડાભી અને ૫૫ વર્ષીય ધર્મેન્દ્રસિંહ ખુમાનસિંહ જાદવની હાજરી અચૂક હોય. બંને જુદી માટીના છે. કેટલાક ગુણો તેમના વારસામાંથી આવે. દેરોલ ગામને ૪૦ વર્ષ પહેલા અરવિંદ ક્રીડાંગણ માટે ખુમાનસિંહ જાદવે ભૂમિ આપી હતી. તેમના દીકરા ધર્મેન્દ્રસિંહ જાદવ આજે સમર્પણભાવથી મંદિર સહિતનાં ગામના કામમાં અગ્રેસર રહે છે.
દેરોલમાં ‘ઘડાપ્રથા’ છે. રણજીતસિંહ ડાભી સ્વાધ્યાય પ્રવૃત્તિમાં સંકળાયા બાદ ખૂબ જ ભાવથી લગભગ ૨૫ વર્ષથી દેરોલમાં હોળી પછીની પૂનમે મહાદેવના મંદિરે આખું ગામ ભેગું થાય. અને ગ્રામજનોએ વ્યક્તિદીઠે જેને જે આપવાની ઈચ્છા હોય એ ઘડામાં પૈસા નાંખી આવવાના. ઘડાપ્રથાની વિશેષતા એ છે કે ફાળો આપવો એ મરજિયાત છે. છતાં મહાદેવના મંદિરે હોવાથી તમામ લોકો ફાળો આપતા હોય છે. જે ઘડો એકાદ કલાક બાદ ખોલીને પૈસા ભેગા કરે છે. જેનાથી મંદિરનો વહીવટી ખર્ચ, પૂજારીનો પગાર સહિત નાના-મોટા ઉત્સવોનો ખર્ચ તેમાંથી કાઢવાનો હોય છે.
ગામના મર્હુમ ઇકબાલ પટેલ તેમજ તેમની પત્ની રસીદાબેન ત્રણ વખત વાગરાના ધારાસભ્ય રહ્યાં હતાં
દેરોલ ગામના મર્હુમ ઇકબાલ ઈબ્રાહીમ પટેલ વાગરા વિધાનસભામાં બે વખત (વર્ષ-૧૯૯૮ અને ૨૦૦૭માં) ધારાસભ્ય રહ્યા હતા. વર્ષ-૨૦૦૯માં ગુજરાત વિધાનસભામાં ચીફ વ્હીપ રહ્યા હતા. ૧૯૫૪માં જન્મેલા ઇકબાલ પટેલનાં લગ્ન રસીદાબેન સાથે થયાં હતાં. ઇકબાલ પટેલ રાજકીય જીવનમાં ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ પદે રહ્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે પણ કામ કર્યું હતું. વર્ષ-૨૦૦૨માં વાગરા વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે તેમનાં પત્ની રસીદાબેન રહ્યાં હતાં.
દેરોલ ગામના વિકાસમાં બિરલા ગ્રાસીમનો સિંહફાળો
આદિત્ય બિરલા, ગ્રાસીમ વિલાયત દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)ના મiધ્યમ દ્વારા દેરોલ ગામમાં સામાજિક વિકાસનાં અનેક પાયાનાં કામો કરવામાં આવ્યા છે. એ થકી ગામને મોડેલ ગામ બનાવવામાં અનોખી પહેલ કરી છે. ગામના સમગ્ર સમુદાયને આવરી લઈ વિકાસની નવી કેડી કંડારી છે. લગભગ એક દાયકાથી દેરોલ ગામમાં શૈક્ષણિક, આરોગ્ય, પાયાની સુવિધાઓ, દૂધમંડળીના અત્યાધુનિક સાધનો, મીઠું પાણી માટે RO પ્લાન્ટ, રોડ, આઈ કેમ્પ, બહેનો માટે કપડાં ધોવાનો વોશિંગઘાટ, પીવાના પાણીની ટાંકીના બાંધકામ માટે લોકફાળાની સહાય, પ્રાથમિક શાળામાં ડિજિટલ બોર્ડ અને લેપટોપ, ઉડાન પ્રોજેક્ટ દ્વારા દેરોલ સહિત ૯ ગામની ૩૧ દીકરીને ટેક્નિકલ શિક્ષણ આપી કાયમી રોજગારીની તક આપવામાં આવી છે.
સ્વસહાય જૂથ દ્વારા આત્મનિર્ભરતા માટે વિવિધ કૌશલ્યની તાલીમ, મિલેટ્સ માટે જાગૃતિનો કાર્યક્રમ, ખેડૂતો માટે બાગાયતી વાડી, દેરોલ હાઈસ્કૂલને રંગરોગાનથી શણગાર, PHC ખાતે દર્દીઓને બેસવા માટે શેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. છેલ્લાં ચાર વર્ષથી નિ:શુલ્ક ફરતા દવાખાનાની સુવિધા મફત દવા સહિત આપી રહ્યા છે. હાલમાં પણ દેરોલ PHCમાં વોટર કૂલર આપવામાં આવ્યું હતું. આવા અનેક પ્રોજેક્ટમાં ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના યુનિટ હેડ આશિષ ગર્ગ, HR હેડ કરણ મિસ્ત્રીના માર્ગદર્શન તેમજ CSR હેડ હેમરાજ પટેલ દ્વારા અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈ દેરોલ ગામને ગ્રાસીમ સહિત નેરોલેક, કલરટેક્સ કંપનીના CSR ફંડથી તમામ માળખાગત સવલત મળી ગઈ છે.
દિનેશભાઈ ધોળકિયાએ આર્થિક સંઘર્ષ ખેડી સંતાનોને ભણાવ્યાં
કુદરતે જે દંપતી પાસે શરીરનું અંગ લઇ લીધું એ પરિવારને બીજી શક્તિ પણ આપી હતી. દેરોલ ગામના ૬૧ વર્ષના દિનેશભાઈ સી.ધોળકિયાને ૧૧ મહિનાની વયે લકવો થઇ જતાં આજે પણ ઘોડીથી ચાલે છે. છતાં ભણવામાં હોંશિયાર હોવાથી દેરોલથી ભરૂચ કોલેજ અભ્યાસ માટે સતત પાંચ વર્ષ અવરજવર કરી. દેરોલ બસ સ્ટેન્ડથી કોલેજ સુધીના ૨ કિલોમીટર આવવાનું કપરું, પણ હિંમત હાર્યા વિના M.Com સુધીનો અભ્યાસ કર્યો. છતાં એ વખતે નોકરી મેળવવામાં નસીબ કામે ન લાગ્યું. સંઘર્ષ તેમના કોઠે પડ્યો હોય એમ બાળલકવાને પડકાર ગણી હિંમતથી ગામમાં દુકાન અને સામાન્ય ખેતી પર જિંદગી વિતાવતા હતા. તેમનાં લગ્ન રંજનબેન દિનેશભાઈ ધોળકિયા સાથે થયાં. તેમને પણ પગની તકલીફ. દિનેશભાઈ સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાથી અડગ મનના માનવી. તેમને ત્યાં એક દીકરી અને એક દીકરોનો જન્મ થયો. ભલે દંપતી દિવ્યાંગ, છતાં મક્કમ મને કોઈપણ તકલીફ વિના બંને બાળકોને ભણાવ્યાં. આજે ૨૧ વર્ષની મોટી દીકરી પ્રતિભા ઝાડેશ્વરમાં BSC બીએડના ત્રીજા સેમિસ્ટર અભ્યાસ કરે છે. જ્યારે નાનો દીકરો આયુષ અમદાવાદમાં જર્મન પદ્ધતિમાં બી.વોકનો ડિગ્રી કોર્સ કરે છે. બંને બાળક અભ્યાસ બાદ નોકરીએ લાગશે એટલે માતા-પિતાને સંઘર્ષના દિવસો હવે પૂરા થશે. દિનેશભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, મેં ખૂબ સંઘર્ષ કર્યો. છતાં ઈશ્વરની કૃપા છે કે મારે કોઈની પાસે પાંચ પૈસા લેવા નથી પડ્યા. મારા ૮૯ વર્ષનાં માતા કાશીબેન પણ આજે પણ મારી સાથે રહે છે.
દેરોલની સાર્વજનિક વિદ્યાલય
દેરોલ ગામે ૧૯૬૯ના વર્ષમાં શ્રી સાર્વજનિક વિદ્યાલય દેરોલનો ધો-૮થી ૧૦માં પ્રારંભ થયો હતો. આજે અહીં ધો-૯થી ૧૦માં ૧૨૭ બાળક અભ્યાસ કરે છે. આ સ્કૂલનાં બાળકોને જીવનકૌશલ્યના પાઠ સાથે તેઓ આત્મનિર્ભર બને એ માટે આજુબાજુની કંપની દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. બાળકો રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરે છે. આ વિદ્યાલયમાં આચાર્ય સહિત સાત જણાનો સ્ટાફ છે.
સતત બે વખત ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ રહેલા અલ્પેશસિંહ રાજ
ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સતત બે વખત 52 વર્ષીય અલ્પેશસિંહ ડી. રાજને જવાબદારી મળી છે. અલ્પેશસિંહ રાજે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ દેરોલ ગ્રામ પંચાયતના સતત ૧૫ વર્ષ સભ્ય રહી ચૂક્યા હતા. ૨૦૧૪માં ભરૂચ તાલુકા ભાજપ મહામંત્રી તરીકે રહી ચૂક્યા હતા. પ્રમુખ અલ્પેશસિંહ રાજ કહે છે કે, અમારું દેરોલ ગામ સુંદર અને વાદવિવાદ વગરનું ગામ છે.