સુરત: શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડીંડોલીમાં (Dindoli) દૂધ ભરવા જતાં એક વૃદ્ધનો અકસ્માત (Accident) થયો હતો. ત્યાર બાદ વૃદ્ધને સિવિલ ખસેડાયા હતા પરંતુ કોઇ પણ સારવાર મળે તે પહેલાં જ વૃદ્ધનું મોત (Death) નિપજ્યું હતું. જેની જાણ પરિવારને થતાં જ પરિવાર સમાજના લોકો સાથે સિવિલ (Surat Civil hospital) દોડી ગયા હતા. તેમજ પ્રોટોકોલને ફોલો કર્યા વગર જ મૃતદેહને ખાનગી વાહનમાં વતન મહેસાણા લઇ ગયાં હતાં.
સુરતના ડીંડોલીમાં બાઇક પરથી પટકાયા બાદ એક વૃદ્ધને હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સામાન્ય રીતે સિવીલમાં મૃત જાહેર કરાયેલા વ્યક્તિની જાણ પોલીસને કરવાની હોય છે. પરંતુ ઘોડદોડનો દેસાઇ પરિવાર વૃદ્ધના મૃતદેહને પોલીસને જાણ કર્યા વગર જ પોતાના વતન લઇ ગયો હતો.
એટલું જ નહીં પણ વૃદ્ધને મૃત જાહેર કરાયા બાદ પોલીસ પ્રક્રિયામાંથી પસાર થવાની તબીબોની સલાહને પણ પરિવારે અવગણી હોવાનું સામે આવ્યું હતું. સિવિલના સિક્યુરિટીએ કહ્યું હતું કે પરિવાર ગુસ્સામાં હતો અને તેમને કંઈ પણ કહેવા જતા તે લડાઈના સુરમાં વાત કરતો હતો. ‘અમારે બસ મહેસાણા લઈ જવા છે.‘ એમ કહી પરિવારજનો મૃતદેહને કારમાં લઇ ભાગી ગયા હતા.
મૃતકના દિકરા વિક્રમ દેસાઈએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે ઘટના સોમવાર સવારની હતી. પિતા બાબુભાઇ મગનભાઈ દેસાઈ (ઉં.વ. 50) ડિંડોલીથી ગોડાદરા દૂધ ભરવા જતા હતા. સાંઈ પોઇન્ટ નજીક બાઇક ઉપરથી અચાનક પડી જતા એમને 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. ઘટનાની જાણ બાદ સમાજના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ પિતાની અંતિમવિધી વતન મહેસાણામાં કરવાની હોવાથી ડોક્ટરો અને પોલીસની પરવાનગી વગર જ મૃતદેહ ખાનગી કારમાં લઈ વતન નીકળી ગયા હતા.
સિવિલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે પરિવારને વારંવાર સમજાવવામાં આવ્યો હતો. સિવિલમાં કોઇ વ્યક્તિને મૃત જાહેર કરાયા બાદ પોલીસને જાણ કરવાની એક પ્રક્રિયા હોય છે. જેને ફોલો કરવું ફરજીયાત છે. તેમજ તબીબો પરિવારને પોલીસને જાણ કરવા કહેતા રહ્યા. પરંતુ કોઈ પણ સમજવા જ તૈયાર ન હતું. આવા સંજોગોમાં વૃદ્ધનો પરીવાર તમામ સ્ટાફની સામે અકસ્માત ગ્રસ્ત વૃદ્ધના મૃતદેહને કારમાં સુવડાવી સિવિલના ટ્રોમા સેન્ટરમાંથી નીકળી ગયો હતો. આખી ઘટના સિવિલના CCTV માં કેદ થઇ ગઈ છે.