Charchapatra

 ‘પોણી સદી પરનું સૂરત’

 ‘ગુજરાતમિત્ર’ના 14 નવે.-2023ના દીપોત્સવી અંકમાં ‘ગુજરાતમિત્ર’ના જ વિ.સં. સંવત 2007 એટલે 71 વર્ષ પહેલાંના અંકમાંથી ‘પોણી સદી પરનું સૂરત’ લેખ પ્રકાશિત કર્યો. જેમાં 140 વર્ષ પહેલાંનું સુરત કેવું હતું, લોકોની રહેણીકરણી -પરંપરાઓનો ચિતાર રજૂ કર્યો. જેમાં ખાસ સુરતનો વાહન-વ્યવહાર કેવો હતો તેની કલ્પના કરી શકાય છે. તે સમયે કોઈ યાંત્રિક વાહનો હતાં નહીં, એટલે રસપ્રદ લેખમાં લેખકે ‘ગેણિયો’બલનો ઉલ્લેખ કર્યો છે (ગેણીયો બલ (બળદ) એટલે બેઠા ઘાટનો – ટૂંકી-વાંકી શીંગડીવાળો રવાલ કાઢનારો અતિશય ચપળ બળદ તે ગેણિયો બલ- તેને એક્કા (ગાડુ) સાથે જોડીને વાહનવ્યવહાર માટે ઉપયોગ કરાતો.

આવા બલને અમો ઓલપાડ-હાંસોટ વિભાગમાં ગાંધી બલ પણ કહેતા, આવા બલનો ઉપયોગ થતો હોય એ માટે મારા પિતાજીએ મને બાળપણમાં કરેલી સુરતની વાતને હું આ લેખ સાથે જોડીને મારાં સ્મરણો વાગોળું છું. આ લેખ લખાયો હશે ત્યારે મારા પિતાજીની ઉંમર 25 વર્ષની હશે, મારા પિતાજી એક ગરીબ ખેડૂત હતા. અમારું ગામ સુરત જિલ્લાની હદને અડીને હાંસોટ તાલુકાનું બાલોતા ગામ. ત્યાંથી મારા પિતાજી બળદ ગાડામાં ઘાસની ગંજી લઈને ગામથી 45 કિ.મી. દૂર સુરતમાં ઘાસની ગંજી વેચવા અલ્લાયાની વાડીમાં આવતા. અલ્લાયાની વાડી ભાગળ મેઈન રોડથી ટાવર જતાં, ટાવરથી બીજી કે ત્રીજી ગલીમાં, ડાબી બાજુમાં આવતી હતી એવું મારા પિતાજીએ હું પહેલી વાર સુરત આવ્યો ત્યારે ગલીના નાકે લટકાવેલ ડોલ બતાવી હતી અને મને કહેલું કે આ ડોલને જોઈને આપણું બળદગાડું (ગોધી) બલ સ્વયમ્ ગલીમાં વળી જતા અને વાડીમાં ગાડું છોડીને ઘાંસની ગંજી વેચીને જીવન જરૂરિયાતની વસ્તુ લઈ ગામ જતા. ત્યારે સુરતમાં બળદ માટે ઘાસની જરૂરિયાત રહેતી હોય એટલે ગામડામાંથી ઘાસ આવતું હશે. સુરતની છ પેઢીઓ સુધીની યાદો અપાવતું અખબાર એટલે ‘ગુ.મિત્ર’. સુરતીઓનું પોતીકું અખબાર. હું સમજતો થયો ત્યારથી હું ‘ગુ.મિત્ર’.નો વાચક છું. મારા ઘડતરમાં આ અખબારનો ફાળો છે. મારી સવાર ‘ગુ.મિત્ર’ના વાચનથી શરૂ થાય છે.
કીમ      – પી.સી.પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

અંગત સૂચન
ક્રિકેટમાં વન-ડે હોય બીજા દિવસે ‘ગુજરાતમિત્ર’માં વન ડે રમતનું સંપૂર્ણ રિઝલ્ટ આવી જાય છે. જ્યારે બીજાં પેપરોમાં અડધું જ રિઝલ્ટ આવે છે. તમારા પ્રેસના કર્મચારી (સેવકો) રાતભર જાગીને જે મહેનત કરે છે, તે ધન્યવાદને પાત્ર છે. દર્પણ પૂર્તિના સિધ્ધહસ્ત લેખકોના લેખ વાંચવા જેવા હોય છે. જો અક્ષરો જરા મોટા હોય તો વાંચવામાં સરળ રહે જેથી મારા જેવા હજારો વાચકોને થોડી રાહત રહે. આ મારું અંગત સૂચન છે.
ઘલા     – નટવરસિંહ ન.પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top