Comments

શું અનામત વધારવાથી આપણી બધી સમસ્યાઓ હલ થઈ જશે?

બિહાર વિધાનસભાએ સર્વસંમતિથી અનામત સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે અનામતમાં નોંધપાત્ર વધારો કરવા માંગે છે, જેનાથી કુલ અનામત 75 ટકા થઈ જશે. આ વિકાસ અન્ય પછાત વર્ગો (ઓબીસી), અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) માટેના ક્વોટામાં સુધારો કરવાના પ્રસ્તાવને બિહાર કેબિનેટની મંજૂરી બાદ થયો છે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે એસસી, એસટી, ઓબીસી અને અત્યંત પછાત વર્ગો (ઈબીસી) માટેના અનામતને 65 ટકા સુધી વધારવાની હિમાયત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા આર્થિક રીતે નબળા વર્ગો (ઈડબ્લ્યુએસ) માટે શરૂ કરેલા વધારાના 10 ટકા ક્વોટા સાથે બિહારમાં સૂચિત અનામત 75 ટકા સુધી પહોંચવાની તૈયારી છે.

આ સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત 50 ટકાની મર્યાદાને વટાવી જશે. તે તાજેતરમાં હાથ ધરવામાં આવેલા જાતિ આધારિત સર્વેક્ષણનાં પરિણામોને અનુરૂપ છે. જોકે, મોટો પ્રશ્ન એ છે કે શું આ આપણી ગરીબી અને વંચિતતાની તમામ સમસ્યાઓનો અંતિમ ઉકેલ છે. અગાઉ, બિહારે રાજ્ય સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઈબીસી માટે 18 ટકા, ઓબીસી માટે 12 ટકા, એસસી માટે 16 ટકા અને પછાત વર્ગની મહિલાઓ માટે 3 ટકા ફાળવણી કરી હતી.

1992માં સર્વોચ્ચ અદાલતે ઈન્દ્રા સાહની વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં તેના ઐતિહાસિક ચુકાદામાં પછાત વર્ગ માટે અનામતને 50 ટકા પર સીમિત કરી છે. ચુકાદામાં ‘ક્રીમી લેયર’નો ખ્યાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેને આ લાભોમાંથી બાકાત રાખવાના હતા. ‘ક્રીમી લેયર’નો અર્થ પછાત વર્ગના એ સભ્યોનો ઉલ્લેખ કરે છે જેઓ બાકીની સરખામણીમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે ઉન્નત છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘’તેઓ તે ચોક્કસ પછાત વર્ગના ફોરવર્ડ સેક્શનની રચના કરે છે અને તે વર્ગ માટેના અનામતના તમામ લાભો ખાઈ જાય છે, વાસ્તવમાં આ લાભો જે સભ્યો પછાત છે તેના સુધી પહોંચતા જ નથી.’’

તો શું નીતીશ કુમાર સરકારનું પગલું રાજકીય નૌટંકી છે કે જનતા પર નોંધપાત્ર અસર કરશે? આવી જ એક ઘટના છત્તીસગઢમાં બની હતી, જ્યાં સરકારે અનામત વધારીને 90 ટકા કર્યું હતું, પરંતુ માત્ર મધ્ય પ્રદેશ હાઈકોર્ટની બિલાસપુર બેંચ દ્વારા આ નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો. તેથી બિહાર સરકારે સુપ્રીમ કોર્ટને ઘણું સમજાવવું પડશે. આર્થિક રીતે પછાત વર્ગો માટેના ક્વોટાને યથાવત રાખતાં કોર્ટે અવલોકન કર્યું હતું કે, અસાધારણ સંજોગોમાં જ માત્ર ટોચમર્યાદાનો ઉલ્લંઘન કરી શકાય છે. જો બિહાર સરકાર કોર્ટને સામેલ અસાધારણ સંજોગો વિશે સમજાવવામાં સક્ષમ હશે તો જ અનામત વધારાને કોર્ટ દ્વારા સમર્થન મળશે.

આ ઉપરાંત, જાતિના આધારે અનામતની ફાળવણી કરવાથી વિભાજનને ઉત્તેજન મળી શકે છે. એવા ઘણા લોકો છે જેમણે એવું સૂચન કર્યું છે કે, નોકરીમાં અનામત જાતિને બદલે આર્થિક પરિસ્થિતિને આધારે નક્કી કરવી જોઈએ. બિહારમાં વાસ્તવિક સમસ્યા વ્યાપક ગરીબી છે. સામાજિક ન્યાયની રાજનીતિ અને જાતિ-આધારિત ક્વોટાએ બિન-ઉચ્ચ જાતિની વસ્તીને રાજકીય રીતે સશક્ત બનાવવા માટે ઘણું કર્યું છે, પરંતુ બિહારે આવક વધારવા માટે જાતિ સશક્તિકરણના દાખલાથી આગળ જોવાની જરૂર છે.

અનામત એ સમાજની તમામ અસમાનતાઓ માટે કોઈ જાદુઈ ગોળી નથી. તદુપરાંત, અનામત ફક્ત જાહેર ક્ષેત્રમાં જ લાગુ કરી શકાય છે, જે મોટા રોજગાર પ્રદાતા નથી – બિહારમાં માત્ર 20 લાખ લોકો સરકારી નોકરી ધરાવે છે. બિહારમાં સંગઠિત ખાનગી ક્ષેત્રની હાજરી ઓછી છે -10.59 લાખ કર્મચારીઓ – જ્યારે 100 લાખ લોકો ખેડૂતો અથવા કૃષિ સહાય તરીકે કામ કરે છે અને અન્ય 200 લાખ લોકો પોતાને મજૂર તરીકે વર્ણવે છે. સ્પષ્ટપણે, એકલા ક્વોટા દેશના સૌથી પછાત રાજ્યોમાંના એકમાં આમૂલ પરિવર્તન લાવી શકતું નથી. છેલ્લાં 18 વર્ષોમાં સૌથી વધુ સમય માટે બિહારના સીએમ તરીકે નીતીશ કુમારે બિહારની અર્થવ્યવસ્થાને ઝડપથી વિસ્તરણ કરવાની છે, જેથી નબળું વળતર આપતું ખેતીકામ અને મોસમી સ્થળાંતરનું દુષ્ટ ચક્ર વધુ સારા પગારવાળા બિન-કૃષિ કાર્ય માટે માર્ગ બનાવી શકે. તેણે ખાનગી રોકાણ આકર્ષવું પડશે અને સંગઠિત ક્ષેત્રમાં નોકરીઓ ઊભી કરવી પડશે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top