Dakshin Gujarat

દ. ગુજરાતમાં પ્રાચીન મંદિરોને કારણે પ્રવાસન ધામ તરીકે વિકસી રહેલું બગવાડા

દક્ષિણ ગુજરાતમાં પારડી તાલુકાનું ઐતિહાસિક ગામ એટલે બગવાડા. ખોબા જેવડા આ ગામમાં વરસો જૂની સંસ્કૃતિ હજી ધબકે છે. આ ગામને તમે મંદિરોના ગામ તરીકે પણ ઓળખી શકો. આગામી દિવસોમાં પ્રવાસન ધામ તરીકે બગવાડા જાણીતું થાય તેવા પ્રયાસો છે. જાજરમાન અર્જુનગઢ કિલ્લાની તળેટીમાં વસેલા આ ગામનો વિકાસ આંખે ઊડીને વળગે તેવો છે. બગવાડા રળિયામણું ગામ છે. ડુંગર, નદી તથા મંદિરોની વચ્ચે ગામના લોકોએ હજી ગામની અસલિયતને જાળવી રાખી છે. ભૌગોલિક દ્રષ્ટીએ ૨૦.૫ અક્ષાંશ અને ૭૩ રેખાંશ પર કોલક અને કંટોલી નદીના સંગમ સ્થાન પર આ ગામ વસેલું છે.

જેનું ક્ષેત્રફળ ૩૧.૯૨ હેકટર છે. ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયત કચેરી, પોસ્ટ ઓફિસ, બાલવાડી છે. પાણી માટે વોટર વર્કસ યોજના પણ છે. બે કુવા તથા ૩૦ જેટલા હેન્ડપંપ છે. ગામના લોકો ખાસ ખેતી પર નભે છે. જયારે વેપાર અને નોકરી કરનારા પણ છે. ગામમાં બ્રાહ્મણો, વાણિયા, નાયકા, ઢોડિયા, હળપતિ, કામળી તથા મુસલમાનની વસતી છે. આ ગામમાં આઠ વોર્ડ છે. ૨૦૧૧ની વસતી ગણતરીના આંકડા પ્રમાણે ગામમાં ૧૧૫૨ની કુલ વસતી છે.

જેમાં ૫૮૭ પુરુષ તથા ૫૬૫ સ્ત્રીનો સમાવેશ થાય છે. ગામનો સાક્ષરતા દર ૯૩.૬૨ ટકા જોવા મળે છે. જેમાં પુરુષોનો સાક્ષરતા દર ૯૬.૨૬ ટકા અને સ્ત્રીઓનો સાક્ષરતા દર ૯૦.૮૧ ટકા જેટલો છે. ૨૫૧ જેટલા પરિવારો બગવાડા ગામમાં રહે છે. કોલક નદીના કાંઠે તેમજ અર્જુન ગઢ કિલ્લાની તળેટીમાં વસેલા બગવાડા ગામમાં રસ્તાઓ, પાણી જેવી સગવડો સારી છે. કોલક અને કંટોલી નદીના કાંઠે આ ગામ છે. જોકે, ઔદ્યોગિક વસાહતની નજીક હોવાથી પ્રદૂષણ તેમજ અન્ય તકલીફો સામે ગામના લોકોએ લડત ઉપાડી છે.

મુંબઇ-દિલ્હી નેશનલ હાઇવેને અડીને ઊભું આ ગામ હજી તેની પ્રાકૃતિક તેમજ સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવામાં સફળ રહ્યું છે. ડુંગરની ઉપર કિલ્લો તથા ગામમાં પૌરાણિક મંદિરોને કારણે આ એક યાત્રાધામ તરીકે વિકાસ પામે તેવી પુરી સંભાવના છે. નેશનલ હાઇવેની સાથે ગામના પ્રવેશ દ્વારે જ રેલવે સ્ટેશન પણ છે. વારે-તહેવારે આ ગામના લોકો એક સંપ થઇને ભક્તિભાવથી તહેવારને ઉજવે છે. એક જાજરમાન ઇતિહાસ પોતાનામાં સમાવીને ઊભું બગવાડા ગામ પોતાની અલગ ઓળખ ધરાવે છે. અહીં જે મંદિરો છે તેનો ઇતિહાસ પણ ખૂબ રોચક છે. અહીંના મંદિરો ગુંબજ આકારના છે. કોઇ પીએચડીના વિદ્યાર્થી માટે મહાનિબંધનો વિષય બની શકે તેવો અહીંના પૌરાણિક મંદિરોનો ઇતિહાસ છે.

અર્જુનગઢ કિલ્લો
ઇ.સ.૧૬૬૨માં સામંત બાજીરાવ પેશ્વાનાં લઘુબંધુ પંતપ્રધાન ચીમનાજી અપ્પા જયારે મહારાષ્ટ્રથી વડોદરા ગાયકવાડ સરકારનાં કારભાર માટે જતા ત્યારે ધોરીમાર્ગ કે જે બગવાડા ગામની વચ્ચેથી પસાર થતો હતો તેની બાજુમાં આવેલો ડુંગર જોતાં તેની અગત્યતા જાણી દમણ પર કબજો જમાવનાર પોર્ટુગીઝો પર નજર રાખવા બગવાડાનાં આ ડુંગરની વ્યુહાત્મકતાને પીછાણી છ બુર્જવાળા કિલ્લાનું નિર્માણ કરાવ્યું. જેનું નામ અર્જુનગઢ પાડવામાં આવ્યું.

આ કિલ્લો કાળા પથ્થરો અને સાગોળથી બનાવેલો છે. આ ડુંગર અંદાજે ૨૫૦ ફુટ ઉંચાઇ ધરાવે છે. ડુંગરની અંદર તળેટીમાં મહાલક્ષ્મી મંદિર અને એક કુંડ છે જેમાં ઉનાળામાં પણ પાણી નથી ઘટતું. શિવાજી મહારાજ અને તેમના સૈનિકો અહીં રાત્રી રોકાણ કરી માતાજીનાં દર્શન કર્યા બાદ જ દક્ષિણ ગુજરાતમાં આગળ વધતાં. કિલ્લાની નીચેનાં ભાગમાં તોપનાં અવશેષો આજે પણ મોજુદ છે. આ કિલ્લાનો વહીવટ, સંભાળ અને દેખરેખ “ગ્રામ પંચાયત બગવાડા“ કરે છે.

બગવાડા ગામનો ઇતિહાસ
બગવડા પરગણાં સહિત દક્ષિણ ગુજરાત, કોંકણ અને મહારાષ્ટ્ર પર ઇ.સ.૪૯૦ સુધી ત્રૈટુકરાજા કૃષ્ણરાજનું શાસન હતું. ત્યાર બાદ ઇ.સ.૫૫૦થી ૬૨૦ સુધી કટચ્યુરી રાજાઓની સત્તા રહી હતી. ત્યારબાદ સેદુક વંશની સત્તા સ્થપાઇ. આ લોકો નાગજાતિનાં હતાં. તેઓ‘શિંદે’તરીકે ઓળખાતા હતા. આ વંશનો સ્થાપક રાજા ભાનુશક્તિ હતો. તેઓ મૂળ ચાલુક્ય વંશના સામંતો હતા.

ભાનુશક્તિ પછી તેનો પુત્ર આદિત્યશક્તિ ગાદીએ આવ્યો. તેનો પુત્ર અલ્લશક્તિ ‘નિકુંભ’તરીકે ઓળખાયો. આ રાજા માહેશ્વર (શિવ ધર્મી) હતો. તેણે ઇ.સ.૬૫૬માં બગવાડા ગામે કોલક નદીના ઉત્તર કાંઠે ભગવાન સિધ્ધનાથ મહાદેવનું મંદિર બનાવ્યું હતું. જે પૂર્વાભિમુખ છે. ઇ.સ. ૬૭૧માં ચાલુક્ય નરેશ પુલકેશી બીજાના પુત્ર વિક્રમાદિત્ય પહેલાના યુવરાજ(૧ લા) શિલાદિત્યએ દક્ષિણ પ્રાંતનો વહીવટ સંભાળ્યો.

આ દક્ષિણ પ્રાંત (વલસાડ-સુરત)ના વહીવટ માટે ચાલુક્યોએ નવસારિકા (નવસારી) રાજધાની બનાવી હતી. ત્યાર બાદ ઇ.સ.૭૪૦થી ૮૨૧ સુધી આ પ્રદેશ ઉપર રાષ્ટ્રકુટોનું શાસન રહ્યું. ત્યાર બાદ સોલંકી રાજા કર્ણદેવે આ પ્રદેશ પર આક્રમણ કરી પોતાની સત્તા જમાવી પોતાનો પ્રતિનિધિ નિમ્યો હતો. સત્તરમી સદીમાં આ પ્રદેશમાં યુરોપિયન પ્રજાની ચાંચિયાગીરી વધતી જતા તેનો લાભ સૌ પ્રથમ પોર્ટુગીઝોએ દરિયાઇ હુમલાઓ કરીને લીધો. દમણ પર કબજા જમાવનાર પાર્ટુગીઝો દેશના અંદરના ભાગે ન પ્રવેશે તેની તકેદારી રાખવાની જરૂર ઊભી થઇ.

આ વિસ્તાર અસલામત લાગતા ઇ.સ.૧૬૬૨માં છત્રપતિ શિવાજી મહારાજે બગવાડાના ડુંગર પર એક કિલ્લો બંધાવ્યો. આમ દમણ પર નજર રાખવા પ્રથમ થાણું બગવાડામાં ઊભું કરવામાં આવ્યું. બગવાડાનો આ કિલ્લો ‘‘અર્જુનગઢ’’ના નામે જાણીતો થયો. મરાઠાઓએ આ પ્રદેશ પર પોતાનું પ્રભુત્વ સ્થાપવાનાં પ્રયત્નો કર્યા હતા. તે સમયે હાલનો વલસાડ જિલ્લો આખો સુરત અઠ્ઠાવીસી અંતર્ગત ગણાતો હતો. અઠ્ઠાવીસી પરગણા બે ભાગમાં વહેંચાયેલા હતા. ગાયકવાડ સરકારના પરગણાં તથા પેશ્વાઓના પરગણાં. બગવાડા પેશ્વાઓના પરગણાંમાં આવતું હતું.

ઇ.સ.૧૬૬૨થી દક્ષિણ ગુજરાતમાં છત્રપતિ શિવાજી મહારાજની આણ વર્તાવા લાગી હતી. તેઓ તેમજ તેમના મરાઠા સરદારો અવારનવાર બગવાડા મુકામે અર્જુનગઢ કિલ્લામાં રહેતા હતા. ઇ.સ.૧૮૦૩માં બ્રિટીશ સત્તા સ્થિર થઇ અને વસઇનો કરાર થયો. તેમાં સુરતનાં કલેકટરે પેશ્વાનાં પરગણાં બગવાડા સહિતના ગામોને ૨૩ જુલાઇ ૧૮૦૩ના રોજ અંગ્રેજોને સોંપી દીધા. ત્યારે પારનેરાનાં મરાઠા સરદારે વિરોધ કર્યો હતો. ઇ.સ.૧૮૧૭માં પેશ્વાઓએ અંગ્રેજો સામે યુધ્ધ જાહેર કર્યુ. પુનાની અંગ્રેજ કચેરી બાળી નાંખી પરંતુ તેઓને સફળતા મળી નહીં.

છેવટે ૧૮૧૮માં પેશ્વાઓને અંગ્રેજાએ સાલિયાણું બાંધી આપ્યું. આમ પેશ્વાઓનો અધિકાર પુરોથયો. બગવાડા પરગણું પણ પાંચ જુલાઇ ૧૮૧૭ની એક સમજૂતીથી અંગ્રેજાના હાથમાં આવી ગયું. ત્યાર બાદ આપણને આઝાદી મળી ત્યાં સુધી ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સુધી બગવાડા પરગણું અંગ્રેજાના શાસન હેઠળ રહ્યું. ઇતિહાસના પાનાં પર બગવાડાના શાસકો બદલાયા પરંતુ બગવાડા ગામની શોભા પ્રાચીન કાળથી આજ સુધી તેના સ્થાપત્યો તથા ભાતીગળ સંસ્કૃતિને કારણે અકબંધ છે.

ઘરે ઘરે પાણી માટે ગામમાં ૧૯૭૯માં વોટર વર્કસ બન્યું હતું
બગવાડા ગામ જે રીતે પ્રાચીન સંસ્કૃતિના ભાતીગળ ઇતિહાસને સાચવીને ઊભું છે. તેવી જ રીતે અહીંના શાસકોએ પણ ગામના વિકાસ માટે વખતોવખત પોતાની દીર્ધદ્રષ્ટિનું ઉદાહરણ પુરું પાડ્યું છે. ૧૯૭૯માં તે સમયના ઉદ્યોગમંત્રી મકરંદભાઇ દેસાઇએ બગવાડાની પાણી પુરવઠા યોજના માટે વોટર વર્કસનું ખાતમુહૂર્ત કર્યુ હતું. ત્યારથી બગવાડા ગામમાં ઘરેઘર પાણીની લાઇનથી પીવાનું પાણી મળે છે. સિમેન્ટની પાઇપ લાઇનથી આખા ગામમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાણીની ટાંકી અર્જુનગઢ ડુંગર પર બાંધવામાં આવી છે. જેની કેપેસિટી ૪૦,૦૦૦ લીટર પાણીની છે.

બગવાડા હવે વિકાસના પંથે
બગવાડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા લોકોને સારી સુવિધા મળે તેના માટે સતત પ્રયાસ થઇ રહ્યો છે. હાલમાં સરપંચ જાગૃતિબને નાયક તથા ઉપસરપંચ જવાહરભાઇ પાઠકની ટીમ દ્વારા આખા ગામમાં એલઇડી લાઇટની સુવિધા આપવામાં આવી છે. આખા ગામમાં અંડરગ્રાઉન્ડ કેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામમાં મોટાભાગના રસ્તાઓ પેવર બ્લોકના બની ગયા છે. ગામમાં ફુવારા સાથેનું ગુલાબભાઇ રણછોડજી દેસાઇ બાગ છે. ગામમાં બસ આવે છે. ધો.૧૨ સુધીના શિક્ષણની વ્યવસ્થા છે. ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે.

સ્મશાનભૂમિ પણ છે. ૧૯૮૯થી રેલવે સ્ટેશન બન્યું છે. જયાં બે લોકલ તથા મેમુના સ્ટોપેજ છે. ૬૫ કરોડનો ફલાય ઓવર બ્રિજ એક તરફ બની ગયો છે. બીજો પણ તૈયાર થઈ રહ્યો છે. તેનાથી બગવાડા વિસ્તારના લોકોને રેલવે ફાટક પાસે થોભવાથી મુક્તિ મળશે. બીજા પણ વિકાસના કામોમાં બગવાડા ગામ સૌથી અગ્રેસર છે. સરકારે બગવાડા ગામની ઐતિહાસિક ધરોહરના નવિનીકરણ માટે 3 કરોડ સિત્તેર લાખ ફાળવ્યા છે. તેમજ 10 કરોડના ગ્રાંટથી બગવાડા-વટાર-દમણને જોડતા કોલક નદી પર બ્રિજ બનવાનો છે.

બગવાડા ગામને યાત્રા પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે
બગવાડાના ઉપસરપંચ જવાહરભાઇ પાઠકના જણાવ્યા પ્રમાણે, પારડીના ધારાસભ્ય તથા હાલના નાણાં, ઉર્જા તેમજ પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુભાઇ દેસાઇએ બગવાડા ગામનું ઐતિહાસિક મહત્વ સમજી બગવાડા ગામને યાત્રા પ્રવાસન ધામ તરીકે વિકસાવવા કાર્યવાહી કરી છે. જેના માટે ગામના લોકો તેમના આભારી છે. યાત્રાપ્રવાસન ધામ તરીકે બગવાડાના વિકાસ માટે સાંસદ ડો.કે.સી.પટેલનો પણ ગામને સહયોગ મળ્યો છે.

જવાહરભાઇના કહેવા પ્રમાણે આ ગામમાં અંગતરૂચિ રાખી પ્રો, બી.એન.જાશી તથા પુરાતત્વવિત આર.એન.મહેતાએ બગવાડા ગામની મુલાકાત લઇ તેના ગુપ્તકાળના અવશેષોની માહિતી ઉજાગર કરી છે. આ ગામના ખ્યાતનામ ઉદ્યોગપતિ કિશોરભાઇ ગુલાબભાઇ દેસાઇ જે અંબામાતા મંદિર વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ પણ છે. તેમણે પણ આ ગામને ગૌરવ અપાવ્યું છે. હિન્દુસ્તાન મોટર નામની ઇલેકટ્રિક મોટર ઉત્પાદન કરતી ભારતની બીજા નંબરની કંપનીના માલિક કિશોરભાઇ બગવાડાના વતની છે. તે અમારા ગામ માટે ગૌરવની વાત ગણી શકાય.

પ્રથમ સરપંચ રમાશંકરના નોંધપાત્ર કામ
બગવાડા ગામના પ્રથમ સરપંચ રમાશંકર જગન્નાથ પાઠકે ગામ માટે મહત્વના તે વખતે ૧૯૬૯ના વર્ષમાં આખા ગામનું વીજળીકરણનું કામ કર્યુ હતું. તેમણે ૧૯૭૫માં તે સમયના પાણી પુરવઠા મંત્રી મકરંદભાઈ દેસાઈ અને હેમાબેન આચાર્યને બગવાડા ગામની મુલાકાત કરાવી બગવાડા ગામને તે સમયે ૧૯૭૯થી ઘરે ઘરે પાઇપ લાઈનથી પાણી પહોંચાડવા જેવું ભગીરથ કાર્ય કર્યુહતું.

ઘરે ઘરે પાણી માટે ગામમાં ૧૯૭૯માં વોટર વર્કસ બન્યું હતું
બગવાડા ગામ જે રીતે પ્રાચીન સંસ્કૃતિના ભાતીગળ ઇતિહાસને સાચવીને ઊભું છે. તેવી જ રીતે અહીંના શાસકોએ પણ ગામના વિકાસ માટે વખતોવખત પોતાની દીર્ધદ્રષ્ટિનું ઉદાહરણ પુરું પાડ્યું છે. ૧૯૭૯માં તે સમયના ઉદ્યોગમંત્રી મકરંદભાઇ દેસાઇએ બગવાડાની પાણી પુરવઠા યોજના માટે વોટર વર્કસનું ખાતમુહૂર્ત કર્યુ હતું. ત્યારથી બગવાડા ગામમાં ઘરેઘર પાણીની લાઇનથી પીવાનું પાણી મળે છે. સિમેન્ટની પાઇપ લાઇનથી આખા ગામમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાણીની ટાંકી અર્જુનગઢ ડુંગર પર બાંધવામાં આવી છે. જેની કેપેસિટી ૪૦,૦૦૦ લીટર પાણીની છે.

ત્રણ પેઢીથી સરપંચની પરંપરા
બગવાડાગામના વિકાસમાં પાઠક પરિવારનું યોગદાન પણ નોંધપાત્ર છે. ત્રણ પેઢીથી સરપંચ તેમજ ઉપસરપંચ જેવા હોદ્દા પર રહીને આ પરિવારે ગામના વિકાસ માટે યોગદાન આપ્યું છે. બગવાડાના પહેલા સરપંચ રમાશંકર જગન્નાથ પાઠક, ત્યાર બાદ તેમના પુત્ર ગૌતમભાઇ રમાશંકરભાઇ પાઠકે સરપંચ પદે રહીને ગામમાં પાયાની સુવિધાઓ ઊભી કરી છે. જયારે હાલના ઉપસરપંચ જવાહરભાઇ ગૌતમભાઇ પાઠક પણ છેલ્લી ચાર ટર્મથી ગામના વિકાસ માટે સદા તત્પર રહે છે. ગામના લોકોના સહયોગથી તે પણ ગામમાં નવી સુવિધા માટે કાર્યરત છે. આમ ત્રણ પેઢીથી પાઠક પરિવાર ગામના લોકોની સેવા કરે છે.

હાઈસ્કૂલની સાથે ગામમાં વિદ્યાર્થીઓ માટે છાત્રાલયનું મકાન પણ બનાવાયું છે
બગવાડાગામમાં પ્રાથમિકથી લઇને માધ્યમિક સુધીનું શિક્ષણ મળે તેવી વ્યવસ્થા છે. હાઇસ્કૂલ તથા છાત્રાલયનું મકાન ઇ.સ.૧૯૩૬માં બંધાયું હતું. જૈન સાધુશ્રીમદ વિજય વલ્લભસુરીશ્વરજીની પ્રેરણાથી બગવાડા ગામના જૈનોએ લોકોને શિક્ષણ મળી રહે તે આશયથી આ મકાન બાંધી શિક્ષણ આપવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. શાળાની સાથે આજુબાજુના વિદ્યાર્થીઓને રહેવા માટે છાત્રાલય પણ બનાવવામાં આવી હતી. તે સમયે આ સમગ્ર વિસ્તારમાં આ એક જ શાળા અને છાત્રાલય હતા. જેમાં દૂરદૂરના વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હતા.

બગવાડા ગ્રામ પંચાયતના હોદ્દેદારો
સરપંચ – જાગૃતિબેન ગુણવંતભાઈ નાયક
ઉપસરપંચ- જવાહરભાઈ ગૌતમચંદ્ર પાઠક
તલાટી કમ મંત્રી – અનિલભાઈ પટેલ
સભ્યો –
વોર્ડ-૧ – સારિકાબેન ચેતનભાઈ નાયક
વોર્ડ-૨ – રવિભાઈ ઠાકોરભાઈ પટેલ
વોર્ડ-૩ – પ્રીતાબેન જવાહરભાઈ પાઠક
વોર્ડ-૪ – રુપાલીબેન ભાવેશભાઈ તંબોલી
વોર્ડ-૫ – નેહાબેન ચેતનભાઈ નાયક
વોર્ડ- ૬ – નરેશભાઈ ભુલાભાઈ નાયક
વોર્ડ- ૭ – જીક્ષાબેન ભદ્રેશભાઈ રાવલ

ગામના વિકાસમાં સિંહફાળો આપનાર સામાજીક અગ્રણીઓ
(૧) ગુલાબચંદ હરખચંદ શાહ (૨) દલાજી જેતાજી શાહ (૩) છગનલાલ અમરચંદ શાહ (૪) મનુભાઈ કુંવરજી દેસાઈ (મોરાઈ) (૫) ઇશ્વરલાલ મણીશંકર ભટ્ટ (૬) ગુલાબભાઇ રણછોડજી દેસાઇ (૭) ધરમચંદ નાનચંદ શાહ (૮) ભગાજી વિરચંદ શાહ (૯) કિશોરભાઇ ગુલાબભાઇ દેસાઇ (૧૦) મહેન્દ્રભાઇ વજેચંદ શાહ (૧૧) અરૂણભાઇ બાબુભાઇ શાહ

શ્રી અંબામાતાજી મંદિર
બગવાડાનું ખુબ જ ચમત્કારી એવું “માં અંબા”નું આ મંદિર આશરે ૪૦૦ વરસ પુરાણું છે.. બગવાડા ગામે સામંત બાજીરાવ પેશ્વાનાં લઘુબંધુ પંત પ્રધાન ચીમનાજી અપ્પા દ્વારા અર્જુનગઢ ડુંગર પર બાંધવામાં આવેલા કિલ્લાનાં પ્રવેશ દ્વારની અંદર પ્રવેશતાં જમણી બાજુનાં ગોખમાં રાજ રાજેશ્વરી “માં અંબામાં” નું આસન કરવામાં આવ્યું હતું. અને કિલ્લેદાર વગેરેની નિયુક્તિ સહિત અંબામાતાનાં પૂજારી તરીકે ‘ભાયા’ કુટુંબનાં વડવાઓની નિમણુંક કરવામાં આવી હતી. અને એ પૂજારી દરરોજ સવાર સાંજ કિલ્લામાં માતાજીનું પૂજન અર્ચન કરવા જતાં. આ નિત્યક્રમ ભાવનાત્મક રીતે જળવાયેલો હતો. પરંતુ જૈફ વયનાં કારણે પૂજારીએ શ્રી અંબામાંને પ્રાર્થના કરી કે હવેથી હું તારી સેવા ચાકરી કરવા સવાર સાંજ તારા સ્થાનક ઉપર આવી શકું એમ નથી તો હવે મને તારી સેવા માંથી મુકત કર. તે રાત્રે પૂજારીને માતાજીએ સ્વપ્નમાં દર્શન આપી જણાવ્યું કે તારી નિ:સ્વાર્થ સેવા અને શ્રધ્ધાથી હું પ્રસન્ન છું અને છેલ્લી વાર કાલે સવારે નિત્ય ક્રમ પ્રમાણે આવજે અને મને નીચે લઇ જજે. હું મારૂ વજન હલકું કરી દઇશ અને તેમ જ થયું. માં અંબાને ઉંચકીને નીચે લાવ્યા પરંતુ એકાએક વજન વધી જવાનાં કારણે ભાર સહન ન થતાં એક સ્થાને મુકી દેવામાં આવ્યા અને તેની જાણ પેશ્વા સરકારને કરવામાં આવી. અને તેમણે આ સ્થાને શ્રી અંબામાતાજીનું મંદિર બનાવડાવ્યું હતું. આ બનાવ બગવાડામાં ગવાતાં ગરબામાં “બગવાડાનો ગરબો“ તરીકે વણી લેવામાં આવ્યો છે. ભાયા કુટુંબનાં દેવશંકર પછી ગોસાંઇ, ગોસાંઇ પછી હરીભાઇ, હરીભાઇ પછી ગણપતરામ, ગણપતરામ પછી દયારામ, દયારામ પછી જયકૃષ્ણ અને જયકૃષ્ણ પછી હવે દિનેશચંદ્ર અને જ્યોતિંદ્ર ભાયા આજે પણ શ્રી અંબામાતાજી ની ભાવ પૂર્વક નિ:સ્વાર્થ સેવા કરી રહ્યા છે. આ મંદિરનો જીર્ણોધ્ધાર ગ્રામજનોએ ઇ.સ. ૧૯૬૮માં કરાવ્યો હતો. આ મંદિરનું શિખર ૧૫૧ ફુટ ઊંચુ છે. આ મંદિરનો વહીવટ, સંભાળ અને દેખરેખ “શ્રી અંબામાતાજી મંદિર વ્યવસ્થાપક સમિતી“ કરે છે અને આ મંદિર તેમના હસ્તક છે. દર વરસે ચૈત્ર સુદ પૂનમે રાત્રે નવ કલાકે શ્રી અંબામાતાજીની શોભાયાત્રા (પાલખી) બગવાડા ગામમાં નીકળે છે. જેમાં આજુબાજુનાં વિસ્તારનાં અનેક ભાવિક ભક્તજનો પધારે છે. તેમજ આસો નવરાત્રીમાં આઠમનાં દિવસે મોટો મેળો ભરાય છે. શ્રી અંબામાતાજીનાં આ મંદિરે માતાજીનો હવન આસો સુદ આઠમનાં રાત્રે ૦૯.૦૦ થી ૧૨.૦૦ કલાકે થાય છે. જયારે પૂર્ણાહુતિ બીજા દિવસે (નારિયેળ હોમવાની વિધી) બપોરે ૧૨.૦૦ કલાકે થાય છે. આ નિયમ પેશ્વાઓનાં સમયથી ચાલી આવ્યો છે.

ભગવાન વિઠોબા મંદિર
ભગવાન વિઠોબાનું આ મંદિર ૨૫૦ વરસ પુરાણું છે. તે સમયે વલસાડ મુકામે રહી પાઠશાળા ચલાવતા નરભેરામ નાના શુકલ દર વર્ષે વૈશાખ સુદ ત્રીજનાં દિવસે વલસાડથી પંઢરપુર જવા નીકળતા અને અષાઢ સુદ દશમનાં દિવસે પંઢરપુર પહોંચી જતાં. ત્યારે તેઓ રાતવાસો બગવાડા મુકામે કરતાં. તે વખતે બગવાડા ગામ “શ્રી ક્ષેત્ર અર્જુન ગઢ બગવાડા“ નામે ઓળખાતું. બગવાડામાં જ્યાં એ રાતવાસો કરતાં તે ઘર મુળ કાશીબાઇ ગોંસાઇનું હતું. નરભેરામની ઉમર થતાં તેઓ એકદમ અશકત અવસ્થામાં આવી જતાં તેમણે ભગવાન પાંડુરંગને પ્રાર્થના કરી કે કયાં તો મને પંઢરપુર આવવાની શક્તિ આપો કયાં તો મને તમારી પાસે બોલાવી લો. ત્યારે ભગવાન પાંડુરંગે તેમને સ્વપ્નમાં આવી કહ્યું કે આવતી કાલથી તું પંઢરપુર જવા માટે નીકળી જા હું તારી સાથે આવીશ. પંઢરપુર પહોંચ્યા પછી નરભેરામને સ્વપ્નમાં પાંડુરંગે આવીને કહ્યું કે ચંદ્રભાગા નદીને પૂર્વ કિનારે એક ઉમરાનું ઝાડ છે ત્યાંથી અંદર નદીમાં છ ફુટનાં અંતરે તારે ત્રણ વખત ડૂબકી મારવી. એની સાથે અમે એટલે કે જમણા હાથમાં હું અને ડાબા હાથમાં રૂકમણી આવી જઇશું અને તે જ પ્રમાણે થયું. તે સમયે બ્રાહમણો ખભે જોળીયા રાખતાં હતાં, તેમાં એકમાં વિઠોબા અને બીજામાં રૂકમણી માતાને મુકયા અને વલસાડ પરત આવવા નીકળ્યા. વચ્ચે જવાહર નામનું રાજય આવે છે. ત્યાંના રાજાના સિપાઇઓએ આ બ્રાહ્મણને જોળીયા ભેરવીને આવતાં જોતાં તેમણે નરભેરામને પુછયું કે આ જોળીયામાં શું છે? નરભેરામે જવાબ આપ્યો કે તારા રાજા પાસે નથી એવું મારી પાસે છે. આ જવાબ સાંભળી નક્કી આ ચોર છે એમ સમજી સિપાઇઓ નરભેરામને રાજા પાસે લઇ ગયા અને ફરિયાદ કરી કે તમારી પાસે નથી તે આની પાસે છે. રાજાએ જોળીયો ખોલાવતાં એમાંથી ભગવાન વિઠોબા અને રૂકમણી માતાની મુર્તિઓ નીકળી એટલે રાજાએ સિંહાસન પરથી ઉઠીને મુર્તિને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા અને નરભેરામનાં રક્ષણ માટે રાજાએ અઢાર સૈનિકો આપ્યા.ચાલતાં ચાલતા બગવાડા મુકામે જ્યાં રાતવાસો કરતાં હતાં તે કાશીબાઇ ગોંસાઇનાં ઘરે આવ્યા. તેજ રાત્રિએ કાશીબાઇ ગોંસાઇને ભગવાન વિઠોબાએ દર્શન આપ્યા કે આજ જગ્યાએ મારો વાસ થવાનો છે એટલે નરભેરામને તારે તારી જગ્યા આપી દેવાની છે. બીજા દિવસે સવારે કાશીબાઇએ ઉઠીને નરભેરામને પગે લાગી કહયું કે તારા કારણે મને ભગવાન વિઠોબાનાં દર્શન થયાં અને એમના આદેશ મુજબ આ જગ્યા હું તને સોંપી દઉં છું. ત્યારબાદ તેજ જગ્યા ઉપર ભગવાન વિઠોબાનું મંદિર પંઢરપુરથી ખાસ કારીગરો લાવી બાંધવામાં આવ્યું હતું. જે મંદિર અસલ છે. જેનો ઇ.સ. ૧૯૧૧ માં જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. આ મંદિરની પૂજા નરભેરામ પછી ગોવિંદરામ, પછી ભાનુશંકર, પછી ઇન્દ્રવદનભાઇ અને હાલ જયદેવભાઇ તથા ચેતનભાઇ શુકલ કરે છે. પંઢરપુરની ચંદ્રભાગા નદીનાં નીર કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી બગવાડાની કોલક નદીમાં વહે છે. જે પાણીથી ભગવાન વિઠોબાને અને માતા રૂકમણીને સ્નાન કરાવી, કારતક સુદ પૂનમના દિવસે રાત્રે ૦૯.૦૦ કલાકે ભગવાન વિઠોબાની શોભાયાત્રા ગામમાં નીકળે છે. જેમાં આજુબાજુનાં વિસ્તારમાંથી ખુબ જ મોટી સંખ્યામાં ભકતજનો ઉમટી પડે છે. આ મંદિરનો વહીવટ અને સંચાલન હાલે શ્રી જયદેવભાઇ તથા ચેતનભાઇ શુકલ દ્વારા થાય છે. અને આ મંદિર તેમના હસ્તક છે.

સીતામાતાનાં નામે ઓળખાતું શિવ મંદિર
આ મંદિરમાં શિવલિંગ ઘસાઈ ગયું અથવા તૂટી ગયું છે. આ મંદિરમાં બીજી કોઇ મૂર્તિ નથી. આ મંદિરનું બાંધકામ સોમેશ્વર શિવમંદિર જેવું જ છે. તે જ પ્રકારનો પથ્થર આ મંદિરનાં બાંધકામમાં વપરાયો છે. સોમેશ્વર શિવમંદિરથી દક્ષિણ બાજુ ૩૦ ફુટનાં અંતરે આ મંદિર કોલક નદીનાં કાંઠા પર આવેલું છે. આ મંદિરનો વહિવટ અને સંચાલન ગ્રામ પંચાયત બગવાડા કરે છે અને તેના હસ્તક છે.

ભગવાન સિધ્ધનાથ મહાદેવ મંદિર
આશરે ૧૩૬૬ વરસ પુરાણું આ મંદિર સેદુક વંશનાં સ્થાપક રાજા ભાનુશક્તિનાં પ્રપૌત્ર અલ્લશક્તિ કે જે ‘નિકુંભ’ તરીકે ઓળખાયો હતો, તે હતા. આ રાજા માહેશ્વર (શિવધર્મી) હતો. તેણે ઇ.સ.૬૫૬માં બગવાડા ગામે કોલક નદીના ઉત્તર કાંઠે ભગવાન સિધ્ધનાથ મહાદેવનું મંદિર બનાવ્યું હતું. આ મંદિર કોલક નદીનાં ઉત્તર કાંઠે અને પૂર્વાભિમુખ છે. દોઢ ફુટની ઊંચાઇ અને ૫૧ ઇંચના પરિધવાળું આ ભવ્ય શિવલિંગ કાળા પથ્થરમાંથી બન્યું છે. આ મંદિરમાં સીધું ગર્ભગૃહ જ આવે છે. પોઠીયો બહાર ખુલ્લામાં છે. જે કલાત્મક રીતે કાળા પથ્થરમાંથી ઘડવામાં આવેલો છે. તેનું માપ ૨૬”x૨૨”x૧૨”છે. આ મંદિરમાં બે મૂર્તિઓ છે. જે બંને ખંડિત છે (૧) ગણપતિની મૂર્તિ, જે ડાબી સૂંઢનાં છે અને (૨) પાર્વતી માતાની મૂર્તિ. જે બે ટૂકડામાં છે. આ મંદિરનું બાંધકામ કાળા અડદિયા પથ્થરોથી અને શિખર સુધીનું બાંધકામ એક ફુટ લાંબી, અડધો ફુટ પહોળી અને બે ઇંચ જાડી ઇંટોથી થયેલું છે. આ મંદિરનું શિખર ૩૧ ફુટ ઉંચાઇનું છે. ગુજરાત રાજયનાં પ્રથમ પંક્તિનાં પુરાતત્વ શાસ્ત્રી આર. એન. મહેતાએ આ સ્થાનની મુલાકાત લઇને અવલોકન કર્યા બાદ એવો અભિપ્રાય આપ્યો હતો કે આ મંદિરનો સમય ગુપ્તકાલ સુધીનો છે. (ગુજરાતમાં મગધનાં ગુપ્ત સમ્રાટોનું શાસન લગભગ ઇ.સ.૪૦૦ થી ૪૭૦ દરમ્યાન પ્રવર્તતુ હતું). તદુપરાંત નાનાપોંઢા કોલેજનાં પ્રિન્સીપાલ પ્રોફેસર ભાનુભાઇ જોષીએ પણ બગવાડાનાં પૌરાણિક સ્થાપત્યોનો ઝીણવટ ભર્યો અભ્યાસ કર્યો હતો. આ સિધ્ધનાથ મહાદેવ મંદિરનાં કર્તાહર્તા એવા અત્રેનાં જગન્નાથ જીવણરામ પાઠક પરિવારે આ મંદિરનો જિર્ણોધ્ધાર કરાવ્યો હતો. જગન્નાથ પાઠક પછી રમાશંકર પાઠક, રમાશંકર પાઠક પછી ગૌતમચંદ્ર પાઠક અને પ્રકાશચંદ્ર પાઠક પરિવાર આ મંદિરનો વહીવટ, સંભાળ અને દેખરેખ કરે છે અને આ મંદિર તેમના હસ્તક છે. આ સિધ્ધનાથ મહાદેવ મંદિર કોલક નદીનાં કાંઠે શિશુપાલનાં દરા તરીકે ઓળખાતી જગ્યાની નજીકમાં ઊભું છે. આ દરા વિશે પણ રસપ્રદ કિવદંતી ચાલી આવે છે. મહાભારત કાળમાં આજે જેને ભીમપોર કહેવાય છે એ ભીમકપુરી કહેવાતું અને વટારને વિદ્રુબા નગરી કહેવાતું. એમ કહેવાય છે કે ભીમકપુરીમાં એક વાર સભા ભરાઇ હતી અને તેમાં ભગવાન શ્રીકૃષ્ણ અને શિશુપાલ પણ હાજર હતાં. આ સભામાં જ શિશુપાલે ભગવાન શ્રીકૃષ્ણને પુરાણ પ્રસિધ્ધ ૧૦૦ ગાળો આપી હતી. જેમાં ભગવાન શ્રીકૃષ્ણએ વચન મુજબ ૯૯ વાર માફ કરીને ૧૦૦મી વારે સુદર્શન ચક્રથી એનો શિરચ્છેદ કર્યો હતો. આ શિરચ્છેદ દરમ્યાન શિશુપાલનું અર્ધુ અંગ આજ કોલક નદીનાં આજે શિશુપાલનાં દરા તરીકે ઓળખાતા દરામાં જઇ પડ્યું હતું. વરસોથી એ વાત ચાલી આવે છે કે, આ દરાની ઊંડાઇ હજુ સુધી કોઇ માપી શકયું નથી. દાયકાઓ અગાઉ આ દરાની ઊંડાઇ માપવાનાં પ્રયાસમાં ૧૦૦ વાંસ અંદર ઉતરી ગયા છતાં ઊંડાઇનો તાગ મળ્યો ન હતો.

બગવાડાની વસતી
કુલ વસતી – ૧૧૫૨
સ્ત્રી – ૫૬૫
પુરુષ – ૫૮૭
ઘરની સંખ્યા- ૪૧૨
કુલ સરવે નંબર: ૫૮
ગામનુ ક્ષેત્રફળ: હે. ૩૧-૯૨ -૨૧ આરે
તાલુકા મથકથી અંતર: ૧૨કિ.મી
જીલ્લા મથકથી અંતર: ૨૫કિ.મી.
સાક્ષરતા દર – ૯૩.૬૨ ટકા
સ્ત્રી સાક્ષરતા દર- ૯૦.૮૧ટકા
પુરુષ સાક્ષરતા દર- ૯૬.૨૬ટકા

ગામના વિકાસમાં સિંહફાળો આપનાર સરપંચ અને ઉપસરપંચ
(૧) રમાશંકર જગન્નાથ પાઠક (પ્રથમ માજી સરપંચ) (૨) ગૌતમચંદ્ર રમાશંકર પાઠક (માજી સરપંચ) (૩) શ્રી હસમુખલાલ અમરચંદ શાહ (માજી ઉપ-સરપંચ) (૪) જાગૃતિબેન ગુણવંતભાઇ નાયક (સરપંચ) (૫) જવાહરભાઇ ગૌતમચંદ્ર પાઠક
(ઉપ-સરપંચ)
ગામના વિકાસમાં સિંહફાળો આપનાર મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો
(૧) મકરંદભાઈ દેસાઈ (મંત્રી– ગુજરાત રાજ્ય) (૨) હેમાબેન આચાર્ય (મંત્રી– ગુજરાત રાજ્ય) (3) ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ (કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી) (૪) કનુભાઈ દેસાઈ (નાણાંમંત્રી– ગુજરાત રાજ્ય) (૫) ડો. કે.સી. પટેલ (સાંસદ– વલસાડ-ડાંગ)
ગામના માજી સરપંચ
(૧) રમાશંકર જગન્નાથ પાઠક (પ્રથમ માજી સરપંચ ૧૯૬૧ થી ૧૯૭૯) (૨) કમલાઉદિન રાજબહાદુર ચૌહાણ (માજી સરપંચ ૧૯૭૯ થી ૧૯૮૯) (૩) ગૌતમચંદ્ર રમાશંકર પાઠક (માજી સરપંચ ૧૯૮૯ થી ૧૯૯૩) (૪) કૃતિબેન બંકિમભાઇ રાવલ (માજી સરપંચ ૧૯૯૫ થી ૧૯૯૭) (૫) રૂપાલીબેન ભાવેશભાઇ તંબોલી (માજી સરપંચ ૧૯૯૭ થી ૨૦૦૦) (૬) રમેશભાઇ વેસ્તાભાઇ પટેલ (માજી સરપંચ ૨૦૦૧ થી ૨૦૦૬) (૭) ધર્મેશભાઇ અમરતભાઇ પટેલ (માજી સરપંચ ૨૦૦૬ થી ૨૦૧૧) (૮) અજયભાઇ કિશનભાઇ નાયક (માજી સરપંચ ૨૦૧૧ થી ૨૦૧૬) (૯) જાગૃતિબેન ગુણવંતભાઇ નાયક (સરપંચ ૨૦૧૬ થી હાલ ચાલુ)
ગામમાં વસતા લોકોની જાતિ
બ્રાહ્મણ # જૈન # નાયકા # ઢોડિયા # હળપતિ # મુસલમાન # કામળી.

ગામનાં લોકોનો વ્યવસાય
ખેતી, વેપાર, નોકરી.ગામના ખેતીનાં પાકડાંગર, શેરડી, ચીકુ, કેરી, શાકભાજી વગેરે,ગામમાં ગાય, ભેંસ અને બકરી જેવા દૂધાળા પશુઓનું પાલન
ગામમાં ઉજવાતા તહેવારો
દિવાળી, મકરસંક્રાંતિ, મહાશિવરાત્રી, હોળી, રામનવમી, હનુમાન જયંતી, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશચતુર્થી, નવરાત્રી, જલારામ જયંતી, મહાવીર જયંતિ, પર્યુષણ તથા સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિવસ

આરોગ્ય, મનોરંજન તેમજ ટપાલની સુવિધા
ગ્રામજનોનાં આરોગ્યની પ્રાથમિક સારવાર માટે પેટા આરોગ્ય કેન્દ્ર છે. જેમા તાવ, શરદી, ઉધરસ વગેરેની સારવાર આપવામાં આવે છે તેમજ રસીકરણ કરવામાં આવે છે. બાળકોનાં મનોરંજન માટે બગીચો છે. સાથે સાથે બગવાડા ગામમાં એક પોષ્ટ ઓફિસ પણ આવી છે.

શિક્ષણ
બગવાડા ગામમાં એક આંગણવાડી આવી છે. જેમાં નાના બાળકોને શિક્ષણ, સંસ્કાર, રમત ગમત અને પૌષ્ટિક નાસ્તો અને દૂધનો આહાર આપવામાં આવે છે. બગવાડા ગામમાં એક પ્રાથમિક શાળા આવી છે. જેમાં બાળકોને ધોરણ ૧ થી ૪ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે તેમજ બાળકોને સંસ્કાર અને રમત ગમતની તાલીમ આપવામાં આવે છે. તેની સાથે મધ્યાહ્ન ભોજન યોજનાનો લાભ પણ આપવામાં આવે છે. બગવાડા ગામમાં એક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આવી છે. જયાં બાળકોને ધોરણ ૫ થી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.

ગામમાં પાણી માટેની વ્યવસ્થા
ગ્રામજનોને પાણી મળી રહે તે માટે સરકારની વિવિધ યોજના હેઠળ કુલ ૭૫,૦૦૦ લિટરની ક્ષમતાવાળી બે પાણીની ટાંકીથી આખા ગામમા પાઇપલાઇન નાખી દરેક ઘરે નળ દ્વારા પાણી પહોંચાડ્યું છે. તદઉપરાંત ગ્રામજનોની સુવિધા માટે ૩૦ હેન્ડપંપ અને બે કુવાની સુવિધા છે.

સોમનાથ મહાદેવ મંદિર
આ મંદિરનું બાંધકામ અડદિયા પથ્થરમાંથી થયું છે. આ પથ્થરોનું માપ ૧૬”x૧૦”x૧૧”નું જોવા મળે છે. આ મંદિરમાં શિવલિંગ સાથે પાર્વતીમાતા અને ગણપતિની મૂર્તિ પણ છે. મંદિરની બહાર કાચબો અને પોઠિયો છે. આ પોઠિયો કાળા પથ્થરમાંથી બનાવવામાં આવ્યો છે. આ મંદિરનો વહિવટ અને સંચાલન શ્રી લલિતચંદ્ર રાજારામ શુકલ પરિવાર કરે છે અને તેમના હસ્તક છે.
નાગનાથનું મંદિર
આ મંદિર ૩’x૩’x૫’ ફુટનાં માપનું નાનું મંદિર છે. આ વિસ્તારમાં ચાર શિવમંદિરો નાગનાથથી માત્ર ૫૦ થી ૭૫ ફુટનાં અંતરે આવ્યા છે. આ શિવ મંદિરોનું રક્ષણ કરવાનું કામ આ નાગદેવતા કરે છે. આ મંદિરનો વહિવટ અને સંચાલન ગ્રામ પંચાયત બગવાડા કરે છે અને તેના હસ્તક છે.
ભગવાન લક્ષ્મીનારાયણ મંદિર
આ મંદિરમાં પથ્થરની ઊભી મૂર્તિ છે. જે બે ફુટની છે. તેના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ચક્ર છે. એક લોકવાયકા મુજબ આજથી ૨૨૫ વરસ પહેલા બગવાડા ઉપર યવનોએ હુમલો કર્યો ત્યારે આ મંદિરમાંથી મૂર્તિ ઉંચકીને તોડી નાખી તેમજ નદીમાં ફેંકી દીધી હતી. આ ખંડિત થયેલી મૂર્તિ અંદાજે ૫૦ વરસ બાદ એક બ્રાહ્મણ નદીમાં સ્નાન કરતો હતો, તેને જોવા મળી તે ત્યાંથી ઉપાડી લાવ્યા હતા. તે મૂર્તિ આજે પણ ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરમાં જોવા મળે છે. આ મંદિરનો ઇ.સ.૨૦૧૦માં ગ્રામજનોનાં સહકારથી જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો અને નવું નાનું મંદિર બનાવી ભગવાન નારાયણની અને માતા લક્ષ્મીજીની નવી મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ મંદિરનો વહિવટ અને સંચાલન શ્રી ગજાનંદ વિશ્વનાથ પાઠક પરિવાર કરે છે અને તેમના હસ્તક છે.

કેદારનાથ મહાદેવ મંદિર
આ મંદિર કોલક નદીનાં ઉત્તર કિનારે આશરે ૩૦૦ વરસ પુરાણું ઘર મંદિર છે. મંદિરનો અંદરનો ભાગ ૧૫’x૧૫’x૨૧’ફુટનું માપ ધરાવે છે. આ મંદિરમાં શિવ અને શક્તિ બન્નેની મૂર્તિ છે. શિવલિંગ આશરે ૯” બહાર પાર્વતી માતાની મૂર્તિ ઊભી છે. આ મૂર્તિ પણ ૧’x૬” નાં માપની છે. ત્રીજી મૂર્તિ ગણપતિની છે. ડાબી સૂંઢવાળી આ મૂર્તિ ઉંદરનાં વાહન પર છે. મંદિરની બહાર પોઠીયો છે. જે ખંડિત થયેલો છે. તેનું માપ ૨.૫’x૨.૫’ફુટ માપનું છે. આ મૂર્તિ કાળા પથ્થરમાંથી ઘડેલી છે. આ મંદિરમાં વપરાયેલી ઇંટોનું માપ ૧૨”x૬”x૨”નું છે. તેથી આ મંદિર પણ પેશ્વાના સમયનું હોવાની ખાત્રી આપે છે. કેદારનાથ મહાદેવ મંદિરનો વહીવટ અને સંચાલન ભટ્ટ પરિવાર હસ્તકનાં શ્રી હેમંત જમિયતરામ ભટ્ટ, હાર્દિક વિરેન્દ્ર ભટ્ટ, કેશવભાઈ રામશંકર ભટ્ટ, કમલેશ કાશીરામ ભટ્ટ અને પ્રકાશ ઈશ્વરલાલ ભટ્ટ તથા દેવેન્દ્ર પ્રેમશંકર ભટ્ટ પરિવાર કરે છે અને તેમના હસ્તક છે.

હનુમાનજી મંદિર
શિવાજી મહારાજનાં ગુરૂ મહારાજશ્રી સમર્થ રામદાસની પ્રેરણાથી બનાવવામાં આવેલું આ મંદિર આશરે ૩૦૦ વરસ પુરાણું અને ઉત્તર દક્ષિણ છે. જેમાં હનુમાનજીની મૂર્તિ પણ ઉત્તરાભિમુખ ૪’x૨.૫’ માપની ઉભી છે. મંદિરનું શિખર ૫૧ ફુટ ઉંચું છે. આ મંદિર બગવાડા ગામનાં પ્રવેશદ્વાર પર જ આવ્યું છે. આ મંદિરમાં કાળભૈરવની મૂર્તિ પણ છે. જેને ત્રણ આંખો છે. આ મંદિરે પેશ્વા સરદારો કપાળે તિલક કરી, આરતી પૂજા કરતા. આ મંદિરનો વહિવટ અને સંચાલન શ્રી ગજાનંદ વિશ્વનાથ પાઠક પરિવાર કરે છે અને તેમના હસ્તક છે.

ગણપતિદાદાનું મંદિર
આ મંદિર આશરે ૩૦૦ વરસ પુરાણું છે. મંદિરમાં ગણપતિદાદાની મૂર્તિનું માપ ૨’x૨’ ફુટનું છે. કહેવાય છે કે શિવાજી મહારાજનાં ગુરૂ મહારાજશ્રી સમર્થ રામદાસની પ્રેરણાથી પેશ્વાઓએ બગવાડામાં એક સાથે પાંચ મંદિરો બંધાવ્યા હતાં. (૧) મહાલક્ષ્મી મંદિર (૨) હનુમાનજી મંદિર, (૩) ગણપતિ મંદિર, (૪) સોમેશ્વર શિવ મંદિર અને (૫) કેદારેશ્વર શિવ મંદિર. આમ મરાઠાઓ આ ચાર દેવની આરાધના કરીને જ યુધ્ધનાં મેદાનમાં જતાં હતાં તેથી બગવાડા થાણામાં રહેતા લશ્કરનાં સિપાઇઓ કે તેના સરદારોએ ધર્મભાવનાથી બગવાડાને મંદિરોથી શણગાર્યું હશે. આ મંદિરનો વહિવટ અને સંચાલન શ્રી લલિતચંદ્ર રાજારામ શુકલ પરિવાર કરે છે અને તેમના હસ્તક છે.

Most Popular

To Top