આણંદ: ખંભાતના ચકડોળ મેદાનનો મેળો અને ધર્મજ જલારામ મંદિરનો મેળો સહિત વિવિધ નૂતન વર્ષના માહોલમાં 15 થી વધુ મેળાઓ યોજાય છે દિવાળીના તહેવારમાં એક દિવસથી માંડીને બે પાંચ દિવસ કે સપ્તાહ કે પંદર વીસ દિવસ સુધી લોક મેળાની મજા માણવામાં લોકો વ્યસ્ત રહે છે. આણંદ જિલ્લામાં નૂતન વર્ષના પ્રારંભ થવાના ઉલ્લાસ આનંદ ભર્યા માહોલમાં સમગ્ર જીલ્લામાં મેળાઓની મૌસમ પણ પુરબહારમાં ખીલી ઊઠી છે. આણંદમાં સૌથી વધુ પ્રચલિત ખંભાતના ચકડોળ મેદાનનો મેળો અને ધર્મજ જલારામ મંદિરનો મેળો સહિત વિવિધ નૂતન વર્ષના માહોલમાં 15થી વધુ મેળાઓ યોજાય છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં મેળા રસિયાઓ પહોંચીને પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષના દિવસોની ઉજવણી કરે છે.
ખંભાતના ચકડોળ મેદાનનો મેળો સમગ્ર જીલ્લામાં સૌથી વધુ 20 દિવસનો મોટામાં મોટો મેળો ગણાય છે. નુતન વર્ષના પ્રારંભના પાંચ દિવસ અગાઉથી મેળાની શરૂઆત થાય છે. જે છેક દેવ દિવાળી સુધી યોજાય છે. આમ કુલ 20 દિવસ સુધી મેળો જામે છે. ત્યારબાદ ધર્મજ ગામના પ્રસિદ્ધ તિર્થધામ સમાન જલારામ મંદિર ખાતે નૂતન વર્ષના પ્રારંભ દિવસથી સંત શિરોમણી જલારામબાપાની જન્મજયંતી સુધી કુલ 7 દિવસ પરંપરાગત રીતે મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.
સમગ્ર આણંદ જીલ્લામાં નૂતન વર્ષના પ્રારંભ સાથે જ મેળાનો રંગભર્યો માહોલ છવાય જાય છે. દિવાળીપર્વના આનંદ ઉલ્લાસ અને ધાર્મિકતા ભર્યા માહોલમાં તહેવારોમાં એક દિવસથી માંડીને બે પાંચ દિવસ કે સપ્તાહ કે પંદર વીસ દિવસ સુધી લોક મેળાની મજા માણવામાં લોકો વ્યસ્ત રહે છે. શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં યોજતા લોકમેળાઓમાં નાના-મોટા ધંધાર્થીઓ પોતાની આજીવિકા મેળવે છે. મેળામાં ખાણી પીણી સહિત વિવિધ ચકડોળ રાઈડ અવનવી રમતો, આનંદ પ્રમોદના સાધનોના વ્યવસાય માટે આણંદ જિલ્લાના વિવિધ શહેરો ગામોના વેપારીઓ તેમજ અન્ય પ્રાંતમાંથી લોકો વ્યવસાય કરવા માટે આવે છે. આ ઉપરાંત સ્થાનિક ધંધાર્થીઓ પણ પોતાની આજીવિકા મેળવે છે.
દિવાળી પર્વ નિમિત્તે મેળાઓનો માહોલ શરૂ થઈ ગયો છે જેથી સમગ્ર જીલ્લામાં હાલ જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેળામાં વિવિધ રાઈડ આકર્ષણનું કેન્દ્ર બને છે. લોકો અહીંયા રાઈડમાં બેસવાની સાથે સાથે ખાણી-પીણીના સ્ટોલ પર ખાવા પીવાનો આનંદ માણે છે. સાથે સાથે જ મેળામાં અલગ અલગ ખરીદી માટેના સ્ટોલ હોવાથી મહિલાઓ ખરીદી કરે છે. શહેરો સહિતના ગ્રામીણ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં મેળાઓમાં મ્હાલવા જનમેદની ઉમટી પડે છે.