Charchapatra

શું આ યુધ્ધ રોકી ન શકાય?સુંદર પૃથ્વી અને તેનાં જીવોને બચાવી ન શકાય?

ઈશ્વર, અલ્લા’, ગોડ કે કોઈ એક તત્વએ પૃથ્વી નામના સુંદર ગ્રહનું નિર્માણ કર્યું. દુખ, દર્દ, આમ, પિયા, વિષાદ બધું જ છે છતાં જીવન પણ સુંદર છે અને અવનિ અદ્ભૂત છે. બ્રહ્માંડમાં પૃથ્વી જેટલો સુંદર ગ્રહ કોઈ નથી. નદી, તળાવ, સરોવરો, સમુદ્રો, વન, પ્રાણીઓ, રંગબેરંગી અને ખુશીથી ગાતાં વિહંગો. સુગંધની ખાણ જેવાં રંગીન પુષ્પો. સમુદ્રોમાં માછલીઓના રંગો જોયાં હોય તો અક્કલ બહેર મારી જાય. અનેક પ્રકારનાં ધાન્યો, તાજાં અને કઠોળ શાક, તાજાં ફળો અને સૂકા મેવા. માણસની સુખાકારી માટે શું નથી? આટલું ઓછું હોય તેમ ગાય, ભેંસ, સાંઢણીનાં આંચળમાં દૂધ આપ્યું.

ધરા પર અનેકાનેક સ્થાનો એવાં છે જે સાચે જ સ્વર્ગ સમાં છે. આ અને આવી અનેક વસ્તુઓ હોવા છતાં લોકો યુદ્ધો કરે છે. युद्धस्य कथा रम्या યુદ્ધની કથા જ રમણીય હોય છે, વાસ્તવિકતા નહીં. મારી પેઢીએ ઈરાક અમેરિકા યુદ્ધ જોયું, કારગિલ યુદ્ધ જોયું. છેલ્લા ઘણાં સમયથી રશા- યુક્રેન લડે છે. હમણાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે ખૂનરેજી ચાલે છે. શું આ યુદ્ધોને અટકાવી નહીં શકાય? Uno કે કોઈ અન્ય સંસ્થા આ પ્રકારની બાબતોને કાબૂમાં નહીં લઈ શકે? ચાલો, કોઈ આ મનોવિકૃતોને નાથવા કોઈ નથી.

પરંતુ શું આ જગત અને એમાંની દરેક બાબતનું સર્જન આ લોકોના પિતાશ્રીઓએ કર્યું છે? અરાજકતા, ખૂન, બળાત્કાર, ચોરી-લુંટફાટ, અબજો-ખર્વો રૂપિયાનું પાણી થઈ જવું આ બધું કરવાની પરવાનગી એમને કોણ આપે છે? શું પુતિન કે ઝીલેન્સ્કી, હમાસના આતંકીઓ, નેતાનયહૂ જેવાં ગણ્યાં ગાંઠયાં લોકોનું જ આ જગત છે? અસંખ્ય પ્રાણીઓ- પક્ષીઓ મરે છે અને આહાર શૃંખલા ખોરવાય છે તેનાથી નુકસાન કોને? જેના દીકરા, બાપ, ભાઈ કે પતિ મૃત્યુ પામે છે તેનાં અશ્રુઓ આજીવન અવિરત વહેતાં રહે છે.

આ છૂ મગજના યુદ્ધખોર લોકો માટે કોઈ સજા? કોઈ કોર્ટ? કોઈ કારાવાસ? ભારતની વિરુદ્ધમાં દોડી આવનારી એમ્નેસ્ટી ઇન્ટર નેશનલ સંસ્થા આવા સંજોગોમાં ક્યાં છુપાઈ જાય છે? કે પછી મારાં તમારાં જેવાં સુજ્ઞ અને લાગણીશીલ લોકે सबको सन्मति दे भगवानની પ્રાર્થના જ કરવાની? આઇન્સ્ટાઈને ઠીક જ કહ્યું છે કે તૃતીય વિશ્વ યુદ્ધ પાષાણથી લડશે.
બારડોલી          – વિરલ વ્યાસ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top