Business

સુરતના હીરા ઉદ્યોગ અને રત્નકલાકારોના માથે વધુ એક આર્થિક આફતના એંધાણ

સુરત(Surat) : યુરોપિયન યુનિયન (EU)એ રશિયન (Russia) હીરા (Diamond) સામે વધુ કડક પ્રતિબંધોની (Ban) દરખાસ્ત કરી છે. સૂચિત પ્રતિબંધો 1લી જાન્યુઆરી 2024થી રશિયામાંથી નીકળતા રફ અને પોલિશડ ડાયમંડની સીધી આયાત (Import) પર અમલી થશે તેમજ ભારત સહિત ત્રીજા દેશોમાં પ્રોસેસ કરાયેલા રશિયન રત્નોની આયાતને રોકવા માટે માર્ચ 2024થી ટ્રેસિબિલિટી મિકેનિઝમ (Traceability Mechanism) રજૂ કરશે. આ મિકેનિઝમ માટે G7 દેશો સાથે સંકલન કરવામાં આવશે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, બ્રિટન અને જાપાનનો સમાવેશ થાય છે.

  • EUનું કડક વલણ, નવા વર્ષથી રશિયન રફ ડાયમંડની સીધી આયાત પર પ્રતિબંધની દરખાસ્ત
  • ભારત જેવા ત્રીજા દેશોમાં પ્રોસેસ કરાયેલા રશિયન હીરાની આયાતને રોકવા માર્ચ 2024થી ટ્રેસિબિલિટી મિકેનિઝમ પણ રજૂ કરશે

યુરોપિયન યુનિયન, યુક્રેનમાં તેના આક્રમણને લઈને રશિયા સામે નવા પ્રતિબંધો પર વિચાર કરી રહ્યું છે. પ્રતિબંધોમાં રશિયામાંથી હીરાની તેમજ પ્રવાહી પેટ્રોલિયમ ગેસની આયાત પર પ્રતિબંધ મુકાશે. રશિયન તેલ પર કિંમતની મર્યાદાનો કડક અમલ અને રશિયાની ઔદ્યોગિક ક્ષમતાઓને વેગ આપી શકે તેવા માલસામાન તેમજ તકનીકોના પરિવહન પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

યુરોપિયન પાર્લામેન્ટ (MEPs)ના સભ્યો ઇચ્છે છે કે યુરોપિયન કમિશન અને EU સભ્ય દેશો રશિયન મૂળના અથવા રશિયા દ્વારા યુરોપિયન યુનિયનમાં ફરીથી નિકાસ કરાયેલા હીરાના માર્કેટિંગ અને કટીંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાવો જોઈએ. જો એમ થશે તો ડાયમંડ કટિંગ એન્ડ પોલીશીંગના હબ સુરતમાં હજારો લોકોની રોજીરોટીને અસર થશે.

EUનાં સભ્ય દેશો કહે છે કે, સ્થિર રશિયન અસ્કયામતોને જપ્ત કરવા અને યુક્રેનના પુનઃનિર્માણ માટે તેમના ઉપયોગ માટે પરવાનગી આપતા કાનૂની માર્ગોની શોધ કરવી જોઈએ. પ્રતિબંધની આ દરખાસ્ત પર 27 યુરોપિયન યુનિયનના સભ્ય દેશો દ્વારા ચર્ચા કરવામાં આવશે, પરંતુ અંતિમ કરારમાં અઠવાડિયાનો સમય લાગશે.

ભારત સહિત ત્રીજા દેશોમાં પ્રોસેસ કરાયેલા રશિયન રત્નોની આયાતને રોકવા માટે માર્ચ 2024થી ટ્રેસિબિલિટી મિકેનિઝમ રજૂ કરાશે. આ મિકેનિઝમ માટે G7 દેશો સાથે સંકલન કરવામાં આવશે. સુરત અને મુંબઈની મુલાકાતે આવેલા G7 દેશોના પ્રતિનિધિ મંડળ સમક્ષ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને રજુઆત કરી હતી કે, હીરા પર પ્રતિબંધનાં નિર્ણયથી સુરત સહિત ગુજરાતના 20 લાખ રત્નકલાકારોની રોજીરોટીને અસર થશે.

Most Popular

To Top