સાપુતારા: (Saputara) રાજ્યમાં દિવાળી વેકેશન ચાલી રહ્યુ છે. દિવાળી વેકેશનને લઈને દરેક પ્રવાસન સ્થળોએ (Tourist Destinations) પ્રવાસીઓનું ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, કિલાદ કેમ્પસાઈટ, દેવીનામાળ કેમ્પસાઈટ, ડોન હિલ રીસોર્ટ, મહાલ કેમ્પસાઈટ સહીત અન્ય પ્રવાસન સ્થળોએ દિવાળી વેકેશનને માણવા માટે પ્રવાસીઓ પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉમટી પડતા ઠેરઠેર હાઉસફુલનાં પાટિયા ઝૂલી ઉઠ્યા હતા.
- ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીતનાં પ્રવાસન સ્થળોએ દિવાળી વેકેશનને માણવા પ્રવાસીઓનું ઘોડાપૂર
- મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર હાઉસફુલનાં પાટિયા ઝૂલી ઉઠ્યા
ગિરિમથક સાપુતારા ખાતે નવા વર્ષથી પ્રવાસીઓનું કિડિયારું ઉમટી પડયુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે દિવાળી વેકેશનનાં પગલે તમામ હોટલો, હોમસ્ટે, ટેન્ટ રિસોર્ટ સહીત નજીકની મહારાષ્ટ્રની હોટલો પણ હાઉસફુલ થઈ જતા ધંધાર્થીઓની મોચ થઈ જવા પામી હતી. ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓના ઘોડાપૂરનાં પગલે નાના મોટા વાહનોનો ખડકલો થઈ જતા સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા વાહન ચાલકો હેરાન થયા હતા.
જોકે સાપુતારા પોલીસની ટીમે દિવસ રાત ભારે જહેમત ઉઠાવતા ટ્રાફિક હળવો થયો હતો. ગિરિમથક સાપુતારાનાં ટેબલ પોઈંટ ખાતે પણ પ્રવાસી વાહનો ભેગા થઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી. સાપુતારા સહિત ડાંગનાં પ્રવાસન સ્થળોએ ફરવા આવેલ પ્રવાસીઓએ આહ્લાદક વાતાવરણ અને પ્રકૃતિનો આનંદ માણી ધન્યતા અનુભવી હતી.